ચેપથી રક્ષણ

નવજાત શિશુ માતાના પેટમાં એક અત્યંત સુરક્ષિત વાતાવરણમાં રહે છે. આ વાતાવરણમાંથી બાહર આવ્યા પછી શિશુએ પોતાનું રક્ષણ જાતે કરવુ પડે છે. પરંતુ નવજાત શિશુની સુરક્ષા પ્રણાલિ ઘણા અંશે પુખ્ત વયના વ્યક્તિ ની સરખામણી એ નબળી હોય છે. આથી નવજાત શિશુને ચેપ લાગવાની મોટાની સરખામણી એ અનેક ગણુ વધુ છે.

નવજાત શિશુને ચેપ લાગતો અટકાવવા શું કરી શકાય

 1. સગર્ભાવસ્થા દરમ્યાન માતાના આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. સગર્ભાવસ્થા દરમ્યાન માતાને લાગતો કોઈપણ ચેપ ગર્ભસ્થ શિશુને પણ નુક્શાન પહોંચાડી શકે છે. આ ચેપ જો શરુઆતી ગર્ભા વસ્થામાં લાગે તો આ સમયે શિશુનું બંધારણ ઘડાતુ હોઈ શિશુને ઘણુ નુક્શાન પહોંચે છે. આવા શિશુઓને ઘણી શારીરીક ખોડખાપણ સર્જાઈ શકે છે. સગર્ભાવસ્થા ના પાછલા મહિના દરમ્યાન જો ચેપ લાગે તો શિશુનો અધૂરામહિને જન્મ પણ થઈ શકે અને ઘણા શિશુને શરુઆતી નવજાત અવસ્થામાં જ ઘણી તકલીફો સર્જાઈ શકે છે.
 2. સગર્ભાવસ્થા દરમ્યાન જ માતાને જરુરી ઉંઘ-આરામ-આહાર નું ધ્યાન રાખો.
 3. સગર્ભાવસ્થા દરમ્યાન જ માતાનું જરુરી લોહી અને પેશાબ નું પરિક્ષણ કરાવી લેવુ. જેથી માતાને કોઈ રોગ જણાય તો તેની સારવાર સમયસર કરી શકાય છે અને પ્રસુતિ સમયે કે સગર્ભાવસ્થામાં શિશુને લાગી શકતો ચેપ અટકાવી શકાય.
 4. સગર્ભાવસ્થામાં પાંચમા અને છઠ્ઠા માસે ધનૂર(ટીટેનસ) નું રસીકરણ ખાસ કરાવો.
 5. સગર્ભાવસ્થામાં જ ભવિષ્યમાં જો શિશુને વધુ સારવાર અર્થે અન્ય શહેર લઈ જવુ પડે તેવુ જણાય તો સગર્ભા માતાને જ શહેરમાં ડીલીવરી અર્થે મોકલી શકાય. જેથી નવજાત શિશુને જન્મ પછી ટ્રાંસપોર્ટ દરમ્યાન લાગી શક્તો ચેપ કે અન્ય તકલીફ ઘટાડી શકાય.
 6. પ્રસુતિના પ્રારંભિક લક્ષણો જણાતા તાત્કાલિક હોસ્પીટલમાં લઈ જાઓ.
 7. સગર્ભા માતાની પ્રસુતિ હંમેશા હોસ્પીટલમાં કરાવો. જ્યાં ચેપ રહિત રીતે પ્રસુતિ(ડિલીવરી) થઈ શકે. જન્મ સમયે શિશુને સાફ – જંતુ રહિત વાતાવરણ મળે તે ખૂબ જરુરી છે.
 8. જન્મ પછી તુરંત શિશુને સ્તનપાન કરાવો. સિઝેરીયન ડીલીવરી માં પણ પ્રથમ ચાર કલાક માં સ્તનપાન કરાવી શકાય છે. આ માટે પારીવારીક સહયોગ અને ડોક્ટરનું માર્ગદર્શન લો.
 9. માતાનું પ્રથમ સાત દિવસ સુધીનું ઘેરુ પીળા રંગનું દૂધ(કોલોસ્ટ્રમ) શિશુને ઘણી ખરી બિમારીઓ સામે રક્ષણ આપતા ખાસ તત્વો ધરાવે છે. આ દૂધ શિશુને આપવુ ખૂબ જરુરી છે.
 10. ગળથૂથી(prelacteal feeds) કદાપિ ન આપશો. તેનાથી શિશુને ચેપ લાગી શકે છે.
 11. માના ધાવણ સિવાય અન્ય પ્રાણી નું દૂધ કે પાણી વાપરવાથી ચેપ લાગી શકે છે.
 12. પ્રથમ છ માસ સુધી માતાના ધાવણ સિવાય અન્ય કશુ જ ન આપો – ઉપરથી પાણી પણ નહિ.
 13. ખાસ સંજોગોમાં જો કોઈવાર ઉપરથી માના ધાવણ સિવાય અન્ય દૂધ આપવુ પડે તો ઉકાળીને જંતુરહિત કરેલા વાટકી- ચમચીનો ઉપયોગ કરવો. બોટલનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે. બોટલના ઉપયોગ થી લાગેલો ચેપ ઘણી વાર જીવલેણ નીવડી શકે. ચૂસણી કે નીપલ નો પ્રયોગ પણ શક્ય હોય તો ન કરવો.
 14. શિશુની રોજીંદી ઉપયોગની વસ્તુઓ સાફ અને જંતુ રહિત રાખો. શિશુના કપડા રોજ સાબુથી ધોઈ અને સૂર્યપ્રકાશમાં સૂકવી દો.
 15. શિશુને અડકતા પહેલા હાથ સાબુથી કોણી સુધી ધોઈ પછી જ અડકો. સાબુથી હાથ કેવી રીતે ધોવા તે માટે નીચે જણાવેલ છ પગથિયાનુ પાલન કરવુ.
 16. શિશુ સંભાળ માટે હાથ ધોયા પછી લૂછવા માટેનો નેપકીન અલગ જ રાખો. ઘરની અન્ય વ્યક્તિ આ નેપકીનનો ઉપયોગ ન કરે તે ખાસ ધ્યાન આપો.
 17. હાથના નખ વધારેલા ન હોવા જોઈએ. માતાએ અથવા શિશુની સંભાળમાં લાગેલા વ્યક્તિના હાથમાં વિંટી કે અન્ય કોઈ ઘરેણા ન હોવા જોઈએ.
 18. માતાના રોજ ન ધોવાતા વસ્ત્રો જેમકે શાલ-સ્વેટર વિ. શિશુથી દૂર રાખો.
 19. શિશુને કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવુ ઘરગથ્થુ કે જાત પ્રયોગો થી ઉપચાર ન કરવા.
 20. નીચેની પરિસ્થિતિમાં શિશુને ચેપ હોઈ શકે તો ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવો.
જો ધાવણ ન લેતુ હોય ઝડપી શ્વાચ્છોશ્વાસ જણાય શ્વાસમાં તકલીફ જેવીકે છાતીમાં ખાડા પડતા જણાય કે ખરેડી બોલતી જણાય. ઠંડુ જણાય કે તાવ જેવુ લાગે ખેંચ જેવુ જણાય. શિશુ જો સુસ્ત જણાય કે હલન ચલન ઘટી જાય. શિશુને નાની પરુની ફોડલી કે ગુમડુ જણાય શિશુને ડૂંટીમાંથી પરુ નીકળતુ જણાય

યાદરાખો – નવજાત શિશુમાં ચેપના શરુઆતી લક્ષણૉ ખૂબ સામાન્ય પણ હોય શકે જેમકે ઓછુ ધાવણ લેતુ હોય કે ધાવણ ન લેતુ હોય. કે અન્ય કોઈ રીતે શિશુ રોજીંદાથી અલગ વ્યવહાર કરતુ હોય તેવુ જણાય તો પણ ડોક્ટરની સલાહ ચોક્ક્સ લેશો કારણકે ઘણા ખરા કિસ્સામાં શરુઆતી ટ્રીટમેંટ જ આગળ ઉપરના ગંભીર પરિણામો અટકાવી શકે છે.

કયા શિશુઓને ચેપ લાગવાનું વધુ જોખમ છે

 1. અધૂરા માસે જન્મેલા
 2. ઓછા વજનના શિશુઓ
 3. શારીરીક ખોડખાંપણ ધરાવતા (જેમ કે તાળવાની ખામી- વિ.)
 4. હોસ્પીટલમાં દાખલ શિશુઓ
 5. જે શિશુઓને માતાના ધાવણ બદલે અન્ય દૂધ કે પ્રવાહી અપાતુ હોય
 6. જેમને જન્મજાત ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય
 7. જન્મ સમયે મોડુ રડેલા શિશુઓ કે જેને મગજની ગંભીર ક્ષતિ પહોંચી છે
 8. જેમને ગંભીર પ્રકારની અન્ય અવયવોની ખામી હોય
 9. જેમની માતાઓ ને ચેપી રોગ (ટી.બી./ એચ.આઈ.વી.) હોય.