માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નવજાત શિશુસંભાળ અંગેની કેટલીક સર્વ સામાન્ય ગેરમાન્યતાઓ

Image Description

નવજાત શિશુને કમળો થાય તો માત્ર સૂર્ય પ્રકાશમાં રાખવાથી તે મટી જાય છે.

હકીકત – નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો(un conjugated hyper billirubinemia) 70%થી વધુ શિશુઓમાં જોવા મળે છે. મહદ અંશે શિશુઓ પોતાની શારીરીક ક્રિયાઓ દ્વારા જ આ કમળા પર કાબુ મેળવી લેતા હોય છે.પરંતુ આમાંથી ફોટો થેરાપી કે લોહી બદલવા જેવી સારવાર માત્ર 30% શિશુઓમાં જરુરી બને છે. આ શિશુઓમાં કમળાનું પ્રમાણ જોખમી બને તે પહેલા કાબુમાં લેવુ જરુરી છે. આ માટે જરુરી અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારની બ્લુ લાઈટ દ્વારા માત્ર ફોટોથેરાપીની મદદથી આપી શકાય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો હોવા છતા તે સારવાર માટે જરુરી માત્રા માં હોતા નથી આથી કોઈ ખાસ ફાયદો થતો નથી. વળી સૂર્યપ્રકાશ આપવા માટે જો શિશુને ખુલ્લુ રાખવામાં આવે તો તે ઠંડુ પડી જવા સંભવ છે અને આથી વિપરીત જો વધુ ગરમી લાગશે તો પણ શિશુની ત્વચાને નુકશાન થશે અથવા પાણી ઘટી જવાનું પણ જોખમ રહેલુ છે.

નવજાત શિશુને કમળો થાય તો માતાએ આહારમાં ઘી-દૂધનો ત્યાગ કરવો જોઈએ.

હકીકત: નવજાત શિશુઓમાં જોવા મળતો સામાન્ય કમળો(un conjugated hyper billirubinemia) મુખ્યત્વે શિશુના રક્ત કણો તૂટવાથી થાય છે. તેને માતાના ખોરાક, ઘી કે દૂધ સાથે કોઈ જ સંબંધ નથી. આવા ખોરાક સાથે પણ માતા સ્તનપાન કરાવતી હોય તો પણ શિશુને કોઈ નુકશાન થતુ નથી.

સિઝેરીયન કરાવેલ માતાને શરૂઆતી દિવસોમાં ખોરાક ન લીધેલ હોય ધાવણ ન આવે.

હકીકત: કોલોસ્ટ્રમ (શરૂઆતી ધાવણ) બનવાની પ્રકિૂયા તો ગર્ભાવસ્થાના છઠૃા માસથી જ ચાલુ છે. તેને એકાદ દિવસના ખોરાક સામે કોઈજ સંબંધ નથી. માતાને સૂતા સૂતા જ રાખીને ૫ણ શિશુને માતાની છાતી ૫૨ ઉંઘુ સુવડાવી ધવડાવી શકમાય છે. ઓછા પ્રમાણમાં ૫ણ ધાવણ આવે છે તે શિશુ માટે અમૃત સમાન પ્રથમ ૨સી છે.

શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) શિશુ ૫ચાવી શકતું નથી. એ કાઢી નાખી દેવું જોઈએ.

હકીકત: શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) પીળા રંગનું, ઘેરુ દૂધ છે જેમાં અત્યંત ઉચ્ચ ગુણવતા વાળી રોગ પ્રતિકા૨ક શકિતનો ભંડા૨ ૨હેલ છે. વળી, તેમાં શકિતનું પ્રમાણ ૫ણ શિશુની જરૂરીયાત મુજબ હોય છે. આવું ધાવણ શિશુને સુ૫ાચ્ય છે અને બળી તે બાળકની પ્રથમ રોગપ્રતિકા૨ક ૨સી સમાન છે. જે મહિનાઓ સુધી શિશુનું રોગ સામે ૨ક્ષણ આપે છે. આ ધાવણ ને ફેંકી દેવું એ અંધશ્રઘ્ધા યુકત અને શિશુ પ્રત્યે અજ્ઞાનવશ આચરતા અ૫રાધ સમાન છે.

બંને સ્તનમાં પૂરતુ ધાવણ આવે તે માટે બાળકને દરેક વખતે બંને સ્તન પર પાંચ- પાંચ મિનિટ ધવડાવવુ જોઈએ.

હકીકત: સ્તનમાં ધાવણ બનવાની ક્રિયા અંતઃસ્ત્રાવો પર આધારીત હોય છે. બંને સ્તનમાં અંતઃ સ્ત્રાવો ની સમાન અસર થતી હોવાથી બંને સ્તનમાં ધાવણ બનવાની ક્રિયાઓ સમાન રુપે થતી જ હોય છે.

સ્તનપાન દરમ્યાન કોઈપણ સ્તનમાંથી આવતુ શરુઆતી ધાવણ મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન નું વધુ પ્રમાણ ધરાવતુ હોય છે જેની કેલરી માત્રા ઓછી હોય છે. જ્યારે બાળક ચૂસવાનું ચાલુ રાખે તો આજ સ્તનનું થોડીવાર પછીનું પાછલુ ધાવણ ફેટ(ચરબી)થી ભરપૂર હોય છે. આ ધાવણની કેલરી માત્રા વધુ હોય છે. શરુઆતી ધાવણ મુખ્યત્વે શિશુની તરસ છીપાવે છે અને થોડી ઘણી કેલરી આપે છે. જ્યારે પાછલુ ધાવણ શિશુને શક્તિ અને સંતોષ આપે છે અને શિશુનું વજન વધારવા ખૂબ ઉપયોગી છે.

જે માતા શિશુને એક વખત ધાવણ આપતી વખતે વારંવાર થોડી થોડી મિનિટ બંને સ્તન પર ધવડાવે તેના શિશુને અંતે બંને સ્તનમાંથી માત્ર શરુઆતી ધાવણ મળે છે જેથી શિશુને યોગ્ય સંતોષ મળતો નથી કે વિકાસ થતો નથી વળી લેક્ટોઝ નામક કાર્બોહાઈડ્રેટ નું અતિ પ્રમાણ થવાથી ક્યારેક હળવા ઝાડા પણ જોવા મળી શકે છે.

સ્તનપાન કરતા શિશુને પાણી ની તરસ ન લાગે તે માટે ઉપરથી પાણી આપવુ જોઈએ.

હકીકત: માતાના ધાવણમાં 70% થી વધુ પાણી હોય છે. આથી સ્તનપાન કરતા શિશુને અલગથી પાણી આપવાની કોઈ જ જરુર નથી રહેતી. ઉનાળુ મહિનાઓમાં પણ શિશુને ઉપરથી પાણી દેવાની જરુર નથી. માત્ર જરુર મુજબ અને શિશુની માંગ મુજબ માતાએ સ્તનપાન કરાવવુ જોઈએ.

એકસાથે ઘણી રસીઓ આપવાથી બાળકને નુક્શાન થાય છે.

હકીકત: માનવ શરીર એક સાથે ઘણી રસીઓ સ્વીકારવા અને તેને અનુરૂપ રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવાની અદભૂત શક્તિ ધરાવે છે. આથી જ્યારે કોમ્બીનેશન / સમુહ રસી આપવામાં આવે ત્યારે શરીરને માટે કોઈ જ મુશ્કેલી સર્જાતી નથી, ઉલ્ટુ આ બધી રસીઓ સાથે લાગવાથી અલગ અલગ સોય લગાવવાની પીડામાં થી શિશુને મુક્તિ મળે છે.

બી.સી.જી. ની રસી પાકે નહિ તો રોગ પ્રતિકારક શક્તિ ઉત્ત્પન્ન ન થાય ...!

હકીકત: બી.સી.જી. ની રસી આપ્યા બાદ લગભગ 10% થી ઓછા બાળકોને ક્યારેય રસી પાકવાની કે ડાઘ પેદા થવાની પ્રક્રિયા થતી નથી. છતા પણ  આવા મોટા ભાગના બાળકોનું વૈજ્ઞાનિક પરિક્ષણ દર્શાવે છે કે તેમનામાં રોગપ્રતિકારક શક્તિ મોજૂદ હોય છે. વળી ઘણી વાર રસીકરણ પછી ફોલ્લી ન પણ થાય કે માત્ર નાની ફોલ્લી થાય તો પણ રસીથી પેદા થનાર રોગ પ્રતિકારક શક્તિ મોટા ભાગના બાળકોમાં પેદા થઈ જતી હોય છે. જો આપને વધુ ચિંતા થતી હોય તો 3 મહિના બાદ બાળ રોગ વિશેષજ્ઞનો અભિપ્રાય લેવો.

ડો. મૌલિક શાહ એમ.ડી. (પેડ) દ્વારા

માતૃત્વ અને નવજાત શિશુ સંભાળ અંગે ગુજરાતી ભાષામાં વિશ્વની એક માત્ર વેબસાઈટ

1. www.gujmom.com (માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબસાઈટ)

2. www.bal-rasikaran.com (રસીકરણ અંગેની વેબસાઈટ)