માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નિઃસંતાનપણુ અને તેના કારણો

Image Description

પૃથ્વી પર સજીવો વિવિધ કાર્ય કરે છે. આમાંનુ એક કાર્ય એટલે પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાન પેદા કરવુ કે પ્રજોત્પતિ. આને સામાન્ય વૈજ્ઞાનિક રીતે પુખ્ત વયના સ્ત્રી અને પુરુષ વચ્ચે બનતી એક પ્રાકૃતિક- જૈવિક ક્રિયા કહી શકાય. પરંતુ આ પ્રક્રિયા સરળ નથી અને દરેક મિલનનું અંતિમ પરિણામ પણ સંતાન ઉત્પતિ નથી. આશરે 10 થી 15 ટકા યુગલો કોઈને કોઈ કારણે સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. આપણી ભાષામાં આવા યુગલને નિઃસંતાન યુગલ (infertile couple) તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક રીતે કહીએ તો પરિવાર નિયોજનના કોઈપણ સાધન કે પધ્ધતિ અપનાવ્યા વગર જો કોઈ યુગલના સતત 1 વર્ષ ના સહવાસ પછી પણ સ્ત્રી ગર્ભવતી ન થઈ શકે તો આવા યુગલ ને નિઃસંતાન દંપતિ કે infertile couple કહી શકાય. વિશ્વભરમાં આવા દંપતિઓ ની સંખ્યા આશરે 10 થી 15 % જેટલી છે. નવાઈની વાત એ છે કે આ દર છેલ્લા ઘણા સમય થી એક સમાન છે બદલાયા છે કારણો અને તેમનો પ્રકાર !! જુના સમયમાં રાજા- મહારાજાઓ માં પણ અનેક વખત નિઃસંતાન રાજાઓની વાત જાણીતી છે તો આવીજ રીતે આવા નિઃસંતાન રાજા રાણીને વિવિધ યજ્ઞ કે ઔષધિ દ્વારા ઋષિઓ એ સંતાન પ્રાપ્તિ કરાવી હોય તેવી પણ અનેક વાતો છે !! જે પરોક્ષ રીતે આ પરિસ્થિતિની સારવાર પણ વૈજ્ઞાનિક રીતે શક્ય છે એવુ સૂચિત કરે છે. આધુનિક વિજ્ઞાનની હરણફાળ આ દિશામાં અનેક નવી સારવાર પધ્ધતિ અને નવી આશાઓ લઈને આવ્યુ છે. ઘણા નિઃસંતાન દંપતિને આવી સારવારથી  ઘેર શેર માટીની ખોટ પણ પૂરાઈ છે. આવો જાણીએ નિઃસંતાનપણા ના મુખ્ય વૈજ્ઞાનિક કારણો

  • સ્ત્રીમાં ના કારણો – 35 %
  • પુરુષમાં કારણો – 35%
  • બંને માં ના કારણો  - 20%
  • કોઈ અજાણ્યુ કારણ – 10 %

પુરુષ પ્રધાન સમાજ માં નિઃસંતાન હોવા માટે દોષનો ટોપલો હંમેશા સ્ત્રીના માથે ઢોળાય છે. અનેક પુરુષો બીજા કે ત્રીજા લગ્ન કરી લે છે પણ આખરે કારણ પુરુષ માં હોય છે જેની કદી તપાસ કરાવવા તે તૈયાર નથી હોતો ...!

સ્ત્રીમાં જોવા મળતા કારણો

  • ગર્ભાશયના મુખ (cervix)ને લગતી તકલીફ –
  • ગર્ભાશય(uterus) ને લગતી તકલીફ
  • બીજ નલિકા (Felopian tube) ને લગતી તકલીફ
  • અંડાશય (ovary) ને લગતી તકલીફ
  • વધી ગયેલી ઉંમર
  • પેટની અંદરનો સોજો (pelvic inflammatory disease/endometriosis)

પુરુષમાં જોવા મળતા કારણો

  • અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓની ખામી
  • ગોળીની ખામી
  • જનીનીક ખામી
  • અન્ય કારણૉ  – દવાઓની અસર રેડીયેશન ચેપ વેરીકોસીલ વિ.
  • શુક્ર નલિકાઓની ખામી

કેટલાક કારણો જે પુરુષ અને સ્ત્રીને સમાન રુપથી લાગુ પડે છે.

  • કામકાજી –વયવસાયિક તણાવ
  • રેડીયેશન
  • દવાઓ અને ઝેરી ધાતુ કે રસાયણૉ ની આડ અસર
  • સિગરેટ અને અન્ય રીતે તમાકુનું સેવન
  • ડ્રગ્સનું સેવન
  • દારુ / આલ્કોહોલ નું સેવન
  • અપૂરતી કસરત
  • જાડીયાપણુ કે મેદસ્વીતા