માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નવડાવવા વિશે

નવજાત શિશુને નવડાવવા વિશે અનેક ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તતી જોવા મળે છે. ઘણા ખરા લોકો શિશુને હજુ પણ જન્મ પછી તુરંત નવડાવવાનો આગ્રહ રાખે છે. જન્મ પછી તુરંત નવડાવવા સાથે શિશુને ઘણુ નુક્શાન થવા સંભવ છે. જેમકે સૌથી મોટુ જોખમ શિશુનું ઠંડુ પડવા વિશે છે અને ઠંડુ પડવાથી શિશુને ગંભીર તકલીફ સર્જાઈ શકે છે તેનુ મૃત્યુ પણ થઈ શકે છે. વળી નાળ પલળે તો ચેપ લાગવાનું પણ જોખમ છે.

યાદરાખો

શિશુને જન્મ પછી પ્રથમ ચોવીસ કલાક ન નવડાવવુ. જો શિસુનું મળ કે માતાનુ લોહી લાગેલા હોય તો હૂંફાળા ગરમ પાણી વડે સ્પંજબાથ આપી શકાય છે. ઘણા ખરા કિસ્સામાં આ પણ જરુરી નથી.

શિશુને ક્યારે નવડાવશો ?

નવજાત શિશુની નાળ પ્રથમ સાત કે દસ દિવસે સુકાઈ અને ખરી જતી હોય છે. આ સ્થળે નવી ડૂંટી બનતા બીજા ચાર- પાંચ દિવસ લાગી જતા હોય છે. આ સમગ્ર 10-15 દિવસ સુધી શિશુની ડૂંટી ન પલળે તે જોવુ ખાસ જરુરી છે. આથી પ્રથમ પંદર દિવસ શિશુને માત્ર સ્પંજ બાથ આપવુ યોગ્ય છે. આ પછી શિશુને ટબ બાથ કે પાણી રેડીને નવડાવવુ જોઈએ. શિશુને હંમેશા દિવસના સૌથી હૂંફાળા સમયે નવડાવવુ જોઈએ.

શિશુને શું રોજ નવડાવવુ જરુરી છે ?

નવજાત શિશુ સામાન્ય રીતે શરુઆતી સપ્તાહ દરમ્યાન એકાંતરા દિવસે નવડાવવા થી શિશુ બિનજરુરી ઠંડુ પડતુ અટકે છે. ખાસ કરીને શિયાળાના દિવસો માં અને વરસાદી વાતાવરણમાં જ્યારે હવામાન ઠંડુ હોય ત્યારે રોજ નવડાવવુ જરુરી નથી. પ્રીમેચ્યોર કે અધૂરા મહિને જન્મેલા શિશુઓ ને આ વાત ખાસ લાગુ પડે છે. વળી નવજાત શિશુઓ ખૂબ વ્યવસ્થિત રીતે સચવાયેલા અને કપડામાં વિંટાળેલા હોઈ શિશુઓને સામાન્ય પરસેવાથી અધિક કોઈજ વસ્તુ ચોંટેલી હોતી નથી.આથી શરુઆતી દિવસોમાં રોજ નવડાવવા થી કોઈ ખાસ ફાયદો નથી.

શિશુને નવડાવવા કયો સાબુ વાપરવો ?

નવજાત શિશુની ત્વચા અત્યંત કોમળ હોય છે અને વયસ્ક મનુષ્ય કે મોટા બાળકની સરખામણીએ તે અત્યંત પાતળી હોય છે. આવી કોમળ ત્વચા પર સુરક્ષાત્મક એસિડીક આવરણ આવેલુ હોય છે.જે શિશુની ત્વચાનું બેક્ટેરીયા અને વાઈરસ થી રક્ષણ કરે છે. આ આવરણ નવડાવવાના સાબુના (જેની અમ્લતા ન્યુટ્રલ નથી હોતી) વપરાશથી તૂટી જાય છે અને શિશુને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આથી મોટાભાગના દેશોમાં નવજાત શિશુઓને શરુઆતી અઠવાડીયાઓમાં જ્યાં સુધી ત્વચા મજબૂત ન બને ત્યાં સુધી સાબુનો પ્રયોગ ન કરવા સૂચન કરાયુ છે. પ્રિમેચ્યોર શિશુઓ ને ખાસ કરીને પ્રથમ માસ સુધી નવડાવવા માત્ર ગરમ હૂંફાળા પાણીનો જ પ્રયોગ કરવો. આ પછીથી કોઈપણ ન્યુટ્રલ અમ્લતા (pH) ધરાવતો સાબુ કે સોપ સોલ્યુશન કે ક્લીન્ઝર વાપરી શકાય છે. આ સાબુ કે ક્લીનઝર રંગ અને ગંધ વિહિન હોય તે પણ અગત્યનુ છે જેથી ઓછામાં ઓછા રસાયણોનો પ્રયોગ શિશુ પર થાય.

સ્પંજ બાથ (Sponge bath)

જરુરી વસ્તુઓ

ગરમ પાણી (97-100 ડીગ્રી ફેરનહીટ) બે નાના નેપકીન ટોવેલ થોડુ સાફ રૂ

પધ્ધતિ

  1. સ્પંજ બાથ જ્યાં આપવાનો છે તે ઓરડાનું તાપમાન 30 ડીગ્રી ચોક્કસ રાખો.
  2. સૌપ્રથમ તમારા હાથ સાબુ વડે ધોઈ અને સાફ ચોખ્ખા કરો.
  3. હવે એક મોટા બાઉલ કે તપેલીમાં ગરમ પાણી(97-100 ડીગ્રી ફેરનહીટ) લો. આ બાઉલમાંના પાણી નુ તાપમાન આંગળી કે થર્મોમીટર વડે ચેક કરો.
  4. હવે શિશુને શરીર પરથી બધા કપડા દૂર કરો માત્ર ટોપી પહેરાવી રાખો.
  5. શિશુને સ્પંજ બાથ હંમેશા માથાથી પગની દિશામાં આપો. આ દરમ્યાન મળદ્વારની જગ્યા સૌથી છેલ્લે ધુઓ.
  6. સૌપ્રથમ સાફ સ્ટરીલાઈઝ્ડ સર્જીકલ કોટન(રૂ) વડે શિશુની બંને આંખો વારાફરતી અલગ અલગ કોટન વડે સાફ કરો. યાદ રાખો આપનું રૂ આંખ ની અંદરના ખૂણાથી બાહરના ખૂણા તરફ જવુ જોઈએ.
  7. આ પછી ચહેરાનો ભાગ નાના નેપકીન વડે પ્રથમ ભીના નેપકીન અને બાદમાં કોરા નેપકીન વડે લૂછી કાઢો. નાક- મોં – કાનનો પાછળનો ભાગ વિ. ખાસ નજાકત થી લૂછવા.
  8. આ પછી છાતી અને પેટનો ભાગ પણ પ્રથમ ભીના અને બાદમાં કોરા નેપકીન વડે લૂછી કાઢો. ખાસ ધ્યાન નાળનું રાખશો કે જે કોઈપણ સંજોગોમાં પલળે નહિ.
  9. આજ ક્રિયા પગ અને પીઠના ભાગ પર કરો .
  10. હવે શિશુની ટોપી કાઢી હળવા હાથે પ્રથમ ભીના અને બાદ કોરા નેપકીન વડે લૂછી કાઢો. આ બાદ ફરી માથાને ટોપી વડે ઢાંકી દો.
  11. આખરે શિશુને જનનાંગો અને મળદ્વારની આસપાસની જગ્યા સાફ કરી દો. યાદરાખો છોકરીઓમાં મૂત્ર દ્વાર (પેશાબ કરવાની જગ્યા) આગળથી પાછળની દિશામાં સાફ કરશો જેથી મળદ્વાર આસપાસના મળના કણો મૂત્ર માર્ગમાં દાખલ ન થાય કે ભવિષ્યમાં ચેપ ન લાગે.
  12. શિશુને એક મોટા ટોવેલમાં લપેટી દો અને જો કોઈ જગ્યા ભીની રહી ગયેલ જણાય તો સાફ કરી દો. અને ઝડપથી કપડા પહેરાવી દેવા તૈયાર થઈ જાઓ.

ટબ બાથ (Tub Bath)

જરુરી વસ્તુઓ

ગરમ પાણી (97-100 ડીગ્રી ફેરનહીટ) બે નાના નેપકીન ટોવેલ સાબુ કે ક્લીન્ઝર

પધ્ધતિ

  1. સૌ પ્રથમ ટબ બાથ જ્યાં આપવાનો છે તે ઓરડા/બાથરુમ નું તાપમાન 25 ડીગ્રી ચોક્કસ રાખો.
  2. ત્યારબાદ તમારા હાથ સાબુ વડે ધોઈ અને સાફ ચોખ્ખા કરો.
  3. હવે એક ન્યુબોર્ન ટબમાં ગરમ પાણી(97-100 ડીગ્રી ફેરનહીટ) લો. આ ટબમાંના પાણી નુ તાપમાન આંગળી કે થર્મોમીટર વડે ચેક કરો.
  4. હવે શિશુને શરીર પરથી બધા કપડા દૂર કરો. અને હળવેથી શિશુને બાથ ટબમાં બેસાડો શિશુનું માથુ અને ડોકનો ભાગ પાણીની બાહર રહે તે જુઓ. યાદ રાખો આ પછી ફોન વાગે કે ડોરબેલ શિશુને આ સ્થિતિમાં મૂકી ક્યારેય કોઈપણ સંજોગોમાં ન જશો.
  5. શિશુને બાથ હંમેશા માથાથી પગની દિશામાં આપો. આ દરમ્યાન મળદ્વારની જગ્યા સૌથી છેલ્લે ધુઓ.
  6. જો આપના શિશુને માથા પર વાળ હોય તો જરુર મુજબ અઠવાડીયામાં એક વાર શેમ્પુ કરવાથી સારુ રહેશે. આ માટે માથાના ભાગે આંખ પર શેમ્પુ ન જાય તે રીતે કપાળ પર નેપકીન આડો રાખી સૌપ્રથમ વાળને પાણી થી પલાળો. આ પછી શેમ્પુ હળવા હાથે લગાવી ફીણ કરો અને પછી પાણી વડે તે ધોઈ કાઢો. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન શેમ્પુ આંખમાં ન જાય તે ખાસ ધ્યાન આપો. આ માટે નેપકીન કપાળ સમક્ષ પક્ડી રાખો.
  7. શિશુ ના આખા શરીરને અગાઉ જણાવ્યા મુજબ સાબુ કે ન્યુટ્રલ ક્લીંઝર લગાવી ત્યારબાદ ટબના પાણી વડે ધુઓ.
  8. આખરે શિશુને ટબથી બાહર કાઢો ત્યારે ફરી અન્ય સાફ ગરમ પાણી વડે એક વખત સાફ કરી લો જેથી કોઈ સ્થળે સાબુ વાળુ પાણી રહી ગયુ હોય તો નીકળી જાય.
  9. આ પછી શિશુને એક સાફ ટોવેલ (શક્ય હોય તો ટોપી વાળો ટોવેલ) વડે વિંટી ને બાહર કાઢો.
  10. જો શિશુને ઈમોલિઅંટ ક્રીમ લગાવવાનુ હોય તો આ સમયે જ્યારે શિશુ થોડુ ભીનુ હોય ત્યારે લગાવો.