માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સામાન્ય પ્રસુતિ

આખરી માસિકની તારીખ થી અંદાજે 280 દિવસબાદ એટલેકે 37 થી 42 અઠવાડીયા બાદ શિશુનો જન્મ થતો હોય છે. આ માટેની અંદાજીત તારીખ EXPECTED DATE OF DELIVERY (EDD ) તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ તારીખ માત્ર તૈયારી અને સાવચેતીનો અંદાજ બાંધવા પૂરતી જ હોય છે. ગર્ભસ્થ શિશુઓ આ તારીખના પાબંદ હોતા નથી...! એકાદ બે અઠવાડીયા આગળ કે પાછળ આવવુ એ તેમની નોર્મલ આદત ગણી શકાય.

પ્રસુતિ(ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ઘણી આંટી ઘૂટી સામેલ છે. પ્રસુતિ ની ક્રિયા સામાન્યતઃ 3 તબક્કામાં વહેંચી શકાય.

પ્રથમ તબક્કો (1st stage)

પ્રસુતિ ની પ્રક્રિયાના આ તબક્કાની શરુઆત ક્યારે થશે તે નક્કી નથી. એકવાર શિશુ 37 અઠવાડીયા પૂરા કરીલે પછી આપોઆપ અંતઃસ્ત્રાવો- ચેતાતંત્રની ક્રિયાઓ અને અન્ય કેટલીક ક્રિયાઓની સંયુક્ત અસર રુપે પ્રસુતિની શરુઆત થશે. આ તબક્કાનું મુખ્ય કાર્ય ગર્ભશયનું મુખ જે અત્યાર સુધી બંધ અને સાંકડુ હતુ તે શિશુના પસાર થવા અર્થે ખોલવાનું છે. આ માટેની શરુઆત ગર્ભાશયના હળવા અને અનિયમિત સંકોચનોથી થાય છે. પ્રથમ તબકકાનો આ પ્રથમ ભાગ પ્રમાણમાં ઓછો સક્રિય અને લાંબો ()ચાલે છે. પ્રથમવાર સગર્ભા બનેલ નારીમાં આ તબક્કો અંદાજે 8 કલાક ચાલી શકે છે જ્યારે અનુભવી સગર્ભાઓમાં આ ક્રિયા ટૂંકી હોય છે. આ પછીના સક્રિય તબક્કે ગર્ભાશયના સંકોચનો વધુ મજબૂત અને નિયમિત હોય છે અને ગર્ભાશયનું મુખ સંપૂર્ણ ખુલે છે. એકવાર ગર્ભાશયનું મુખ 10 સેમી જેટલુ ખુલે એટલે પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે.

બીજો તબક્કો ( 2nd stage)

ગર્ભાશયનું મુખ એકવાર સંપૂર્ણ ખુલી જાય એટલે બીજો તબક્કો શરુ થઈ જાય છે. આ તબક્કાનું મુખ્ય ધ્યેય પહોળા થયેલા રસ્તા વાટે શિશુને ગર્ભાશયમાંથી બાહર નીકળવા સાથે પૂર્ણ થાય છે. આ તબ્ક્કો પ્રથમવાર સગર્ભા બનેલ નારીમાં આ તબક્કો અંદાજે 2 કલાક ચાલી શકે છે જ્યારે અનુભવી સગર્ભાઓમાં આ ક્રિયા એકાદ કલાક ચાલે છે. આ તબક્કો પણ પ્રથમ ઓછો સક્રિય અને ધીરે ધીરે શિશુના ગર્ભાશયમાંથી બાહર મુખ તરફ આગળ ધપવા સાથે જોડાયેલો છે. જ્યારે તેના બીજા અને સક્રિયા ભાગમાં ગર્ભાશયના ખૂબ મજબૂત સંકોચનો સાથે માતાના પ્રયાસો પણ જોડાય છે. આ ક્રિયાને અંતે શિશુ ગર્ભાશય થી બાહર નીકળી આવે છે. આ ક્રિયા જો કોઈ કારણથી લાંબી ચાલે તો શિશુને ગૂંગળામણ થઈ શકે છે અને તેના ખૂબ ગંભીર પરિણામો આવી શકે છે. આથી દરેક પ્રસુતિ નિષ્ણાત માટે આ તબક્કો હંમેશા કસોટીપૂર્ણ હોય છે. અનેક વર્ષોના અનુભવી માટે પણ આ તબક્કો દરેક વખતે એક ચેલેંજનુમા હોય છે અને તેને પાર પાડવા ખાસ જહેમત ઉઠાવવી પડે છે. અને અંતે શિશુ ગર્ભાશયના આ વારંવારના ધક્કાનુમા સંકોચનોથી ગર્ભાશયમાંથી બાહર આવી જાય છે અને તેનો જન્મ થાય છે.

ત્રીજો તબક્કો ( 3rd stage)

બીજા તબક્કાના અંતે શિશુના જન્મ પછી ગર્ભાશયમાં રહેલી હેળ અને નાળનો ભાગ પણ સતત થતા સંકોચનો થી હળવે હળવે બાહર આવી જતો હોય છે. તેને સફળતાપૂર્વક દૂર કરવો પણ ખૂબ જરુરી છે નહિતો બિનજરુરી રક્ત્સ્ત્રાવ કે ચેપ લાગી શકે છે. ત્રીજો તબક્કો માતા માટે ખૂબ અગત્યનો છે. આ તબક્કામાં જો વધુ લોહીનો સ્ત્રાઅવ થાય તો માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્રીજો તબક્કો સામાન્ય રીતે 10 થી 30 મિનિટ ચાલે છે.