સતત રડતું બાળક

નીતા અને અર્જુન ને દોઢ માસ પહેલા પારણુ બંધાયુ. ઘર પરિવારમાં આનંદ છવાઈ ગયો. પ્રથમ દોઢ માસ તો આનંદ પૂર્વક વિતી ગયો. બાળકનું વજન પણ ખૂબ સારુ વધ્યુ. અચાનક એક દિવસ સાંજે શિશુ ખૂબ રડવા લાગ્યુ કોઈ રીતે શાંત ન થાય. ન ધાવણ લે ન અન્ય કોઈ રીતે ચૂપ થાય. આવું એકાદ કલાક ચાલ્યુ અને પછી બાળક શાંત થઈ ગયુ અને ફરી બધુ રાબેતા મુજબ બની ગયુ. ફરી બીજે દિવસ પુનરાવર્તન થયુ અને આવું ત્રણ ચાર દિવસ થયુ.

રોજ નવો દિવસ અને નવી સલાહ !! નીતા ના સાસુ એ કહ્યુ કે આતો નીતા બધુ ખાય પીવે ને એટલે થાય વળી તેણે આજે ચણાની દાળ ખાધી એટલે છોકરાને ગેસ થયો હશે. એમણે નીતાને ઠપકો આપ્યો અને કહ્યુ એમના જમાનામાં તો એ પહેલા ત્રણ માસતો સાવ સાદો ખોરાક લેતા અને શિશુને કોઈ તકલીફ ન થતી. નીતાએ સાસુની વાત સિર માથા પર કરી પણ બીજો દિવસ ફરી એજ વાત રીપીટ!!  અને આ વખતે બાજુવાળા શાંતા કાકી એ કહ્યુ એમને લાગે છે શિશુને ધાવણ ઓછુ પડતુ હશે. એટલે નીતા એ ઉપરથી ગાયનું દૂધ આપી જોયુ પણ પરિણામ શૂન્ય અને શિશુનું રડવાનું જરાપણ ઓછુ ન થયુ.

હવે તો ઘરનો માહોલ તંગ હતો શિશુ જ્યારે રડતુ ત્યારે ઘરના સભ્યો અને ખાસ કરીને નીતા પણ રડવા લાગતી..!! હવે અર્જુન નો વારો હતો સલાહનો એટલે શિશુને નજીકના ડોક્ટરને દેખાડવાનું નક્કી કર્યુ અને તેમણે બાળકને તપાસી કુલ ત્રણ જાતના ટીપા જુદા-જુદા ડોઝ માં ત્રણ વાર આપવાનું સૂચન કર્યુ કારણ પૂછતા તેમણે કહ્યુ બાળકને ગેસ થાય છે એટલે આવુ બને છે. બસ આખા બિલ્ડીંગમાં બધાને ખબર પડી અને બધા સહૃદયી પાડોશીઓએ વિવિધ ટાઈમ ટેસ્ટેડ નુસ્ખાઓ ની સલાહ આપી જેમકે શિશુને હરડે- જાયફળ નો ઘસારો આપવો ... ફલાણી ગુટ્ટી કે વટી આપવી -... હીંગને પેટ પર ચોપડવી ... સુવાદાણાનું પાણી આપવુ .... ફલાણુ ગ્રાઈપ વોટર આપવુ ... વિ.વિ. પણ સો ટકા ફાયદો તો એક પણ દવાથી કે નુસ્ખાથી ન થતો. ડોક્ટરની દવાથી બાળક થોડુ સૂઈ જતુ અને ચૂપ થતુ પણ માતા પિતાને ડર લાગતો કે એલોપથીક દવાથી શિશુને નુક્શાન તો નહિં થાય..! એક હસતા- ખેલતા પરિવાર માટે હવે સાંજનો સમય ડરામણૉ થઈ પડતો અને આની માનસિક અસર દિવસના કામ પર થતી જણાતી હતી. નીતાના સાસુ તો બાળકનો કાળૉ દોરો પણ મંતરાવી લાવ્યા કે કદાચ કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય....!

કદાચ ઘણા માતા પિતાને આ ઘટમાળ માંથી થોડા ઘણા અંશે પસાર થવુ પડ્યુ હશે. ઘણાને આ જાણે એમની વાત કોઈ એ ફરી થી કહી હોય તેવુ લાગશે. પણ આ તો ઘર ઘર કી કહાની છે ભાઈ ... ! બાળ આરોગ્ય નિષ્ણાત તરીકે ની પ્રેક્ટીસમાં આ એક સામાન્ય રીતે જોવા મળતો પ્રશ્ન છે જેના વિશે જેટલા મોં એટલી વાતો સાંભળવા મળશે. તો ચાલો આ પ્રશ્ન પાછળનુ વિજ્ઞાન સમજીએ.

વૈજ્ઞાનિક સંદર્ભ

નાનુ બાળક જ્યારે અંદાજે એકાદ માસ ની આજુ બાજુ ની ઉંમરે પહોંચે ત્યારે તેના દેહધાર્મિક ફેરફારો નો વેગ ઘણો હોય છે. નવી દુનિયા સાથે તાલ બેસાડવા મથતુ શિશુ પોતાના જ શરીરની અંદર થઈ રહેલી શારીરીક પ્રક્રિયા ઓળખવા અને તે નોર્મલ છે તે સમજવાનો પ્રયાસ કરે છે. તબીબી ભાષામાં તેને સામાન્ય રીતે ઈન્ફન્ટાઈલ કોલિક (Infantile colic) અથવા ઈવનિંગ કોલિક (evening colic) તરીકે ઓળખાય છે. ‘કોલિક'(colic) મૂળ ગ્રીક શબ્દ છે જે કોલોન (colon) - ગુજરાતીમાં આંતરડુ પરથી લેવાયેલો છે જેનો અર્થ થાય છે આંતરડાની ગડબડ થી સર્જાયેલી પરિસ્થિતી ...! ડો.વેસ્લરે આ દિશામાં ઘણુ સંશોધન કરેલ છે તેમના મુજબની વૈજ્ઞાનિક વ્યાખ્યા તપાસીએ તો - જો કોઈ બાળક આશરે ત્રણ કલાક કે તેથી વધુ વખત દિવસમાં રડે અને આવું વારંવાર એક અઠવાડીયામાં ઓછામાં ઓછુ ત્રણ વખત બને તો તેને ‘ઈન્ફન્ટાઈલ કોલિક' (Infantile colic) કહેવાય છે.

આ તકલીફ સ્તનપાન અને અન્ય દૂધ લેતા બંને પ્રકારના શિશુઓને સમાન રુપ થી લાગુ પડે છે.મોટા ભાગના શિશુઓને આનાથી કોઈ આરોગ્યલક્ષી ગંભીર તકલીફ સર્જાતી નથી. આ સમસ્યાના મૂળ માં શું કારણ રહેલુ છે તે બાબતે વૈજ્ઞાનિકો માં હજુ પણ એક મત નથી. શારીરીક - માનસિક અને સ્વભાવગત લાક્ષણિકતાઓ સાથે સંકલિત અનેક કારણો આ માટે કારણ ભૂત છે તેવુ લાગે છે.

આ પરિસ્થિતી સામાન્ય રીતે બે અઠવાડીયા થી -ચાર માસના શિશુઓમાં જોવા મળે છે. સામાન્યતઃ સાંજના સમયે 6 થી 12 વાગ્યા સુધીમાં આ રડવાની ઘટના વધુ જોવા મળે છે. રડવાનું પ્રમાણ દરેક બાળકની તાસીર- ઘરનું વાતાવરણ અને માતા-પિતા સાથે સંકલિત કેટલીક બાબતો પર આધાર રાખે છે. બાળક્નું આ તકલીફ દરમ્યાનનું રુદન સામાન્ય થી ઘણુ અલગ પ્રકારનું હોય છે અને તે દરમ્યાન તેને રડતુ અટકાવવાના સામાન્ય પ્રયાસો જેવાકે - સ્તનપાન કે ઉપરનુ દૂધ કે અન્ય ઘરગથ્થુ ઉપચાર સામાન્ય રીતે લાગુ પડતા નથી.

ડોક્ટરી સલાહ - ઉપચાર

1) સૌ પ્રથમ એક વખત આપના શિશુને એક બાળ આરોગ્ય નિષ્ણાત પાસે ચોક્કસ બતાવો કારણ કે રડવાની સાથે સંકળાયેલ કેટલાક ગંભીર રોગ (દા.ત. અટવાયેલુ હર્નીઆ- ગોળીની તકલીફ વિ.)નું નિદાન સમયસર થવુ ખૂબ જરુરી છે. યાદ રાખો કે ‘ઈન્ફન્ટાઈલ કોલિક' (Infantile colic) નું નિદાન અન્ય રોગ નથી તો જ નક્કી થાય છે.

2) એકવાર ‘ઈન્ફન્ટાઈલ કોલિક' (Infantile colic) નું નિદાન નક્કી થાય પછી કેટલીક સલાહ જે ઉપયોગી થશે તે નીચે મુજબ છે....

  • શિશુનુ રડવાનુ ચાલુ થાય ત્યારે રડવાના સામાન્ય કારણૉ જેવાકે પેશાબ- સંડાસ થી ભીનુ થવુ - કપડામાં અગવડતા કે ગરમી થવી- નાક બંધ હોવુ કે ભૂખ લાગવી તો નથી તે તપાસી લો. જો આમાંથી કોઈ કારણ ન મળે કે રુદન અસામાન્ય હોય તો જ ‘ઈન્ફન્ટાઈલ કોલિક' ગણવુ.
  • શિશુ રડવા માંડે ત્યારે ઘરના બધા એ શાંત રહેવુ અને સાથે રડવા ન બેસવુ ...!
  • શિશુને ખભ્ભા પર તેડી ખુલ્લી હવામાં ઝડપ થી આંટો મારવો (ઓસરી -અગાસી-ચોગાન-શેરી કે ગ્રાઉંડમાં).
  • રડતા શિશુને ધાવણ આપવાનો કે અન્ય દૂધ આપવાનો પ્રયાસ ન કરવો.
  • મોબાઈલ પર ગમતુ મ્યુઝિક કે મિક્ષર માં ક્ઠણ વસ્તુ પીસાવાનો રિધમીક અવાજ કેટલાક શિશુને શાંત કરવામાં ઉપયોગી થશે.
  • શિશુ ને શાંત અવસ્થામાં હોય અને ધવડાવાય પછી યોગ્ય રીતે ઓછામાં ઓછી દસ મિનિટ થાબડો પછી જ સુવડાવો.
  • ઉપરના દૂધ પર હોય તેમને ગાયના દૂધ કે અન્ય પ્રાણીના દૂધ ની ક્યારેક એલર્જી થવાથી પણ આ સમસ્યા થઈ શકે છે તો ડોક્ટરની સલાહ અનુસાર સ્પેશ્યલ ફોર્મુલા મિલ્ક આપી શકાય.
  • કેટલાક શિશુની માતાના ખોરાક માં બદલાવ લાવવાથી પણ આ સમસ્યા હળવી થઈ શકે છે જેમકે અમુક કિસ્સાઓમાં માતાના ખોરાક માંથી ટ્મેટા -કોફી -કોબી - ડુંગળી દૂર કરવાથી શિશુમાં ફાયદો જણાયો હતો. જોકે આ માત્ર જૂજ કિસ્સાઓમાં જ ઉપયોગી થાય છે.

3) આ તકલીફ માં જાત જાતની ને ભાત-ભાતની દવાઓ - જેવીકે એલોપેથીક- આયુર્વેદીક-ઘરગથ્થુ વિવિ. આપવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિક રીતે તેમની ઉપયોગીતાનું કોઈ જ પ્રમાણ પૂરવાર થયેલુ નથી. કેટલીક પ્રચલિત - પોપ્યુલર દવાઓ અને તેમના વિશેનો વૈજ્ઞાનિક સંદર્ભ આ મુજબ છે.

ક્રમ
દવાનુ નામ વૈજ્ઞાનિક સંદર્ભ શું કહે છે
1. Dicyclomine hydrochloride કદાચ ઉપયોગી થઈ શકે પરંતુ આ દવાની ગંભીર આડ અસરો (શ્વાસ રોકાઈ જવો - ખેંચ-હૃદય થંભી જવુ વિ.)ને લીધે એ શિશુઓમાં ન વાપરી શકાય.
2. Simethicone ગેસ છોડવામાં કદાચ મદદરુપ છે પણ તેનો બાળકના રડવાનુ ઓછુ કરવામાં તેનાથી કોઈ ફાયદો જોવા મળેલ નથી.
3. gripe water વૈજ્ઞાનિક પ્રમાણો મુજબ ન આપવુ જોઈએ.
4. Sedatives (such as phenobarbital, chloral hydrate) વૈજ્ઞાનિક પ્રમાણો મુજબ ન આપવુ જોઈએ.
5. હર્બલ દવાઓ મોટા ભાગની દવાઓના કોઈ જ વૈજ્ઞાનિક ધોરણે .તટસ્થ પરિક્ષણૉ થયેલ નથી.
6. ઘરગથ્થુ ઘસારાઓ કોઈ જ વૈજ્ઞાનિક ધોરણે .તટસ્થ પરિક્ષણૉ થયેલ નથી. તે કદાચ શિશુને નુકશાન કર્તા પણ હોઈ શકે.