માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભસ્થ પરિવહન

આધુનિક વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી આથી હવે ઘણાખરા નવજાત શિશુકે જેઓ અધૂરા મહિને જ્ન્મયા હોય કે શારીરિક ખોડખાપણ કે જન્મજાત બિમારી ધરાવતા હોય તેને ઘનિષ્ઠ સારવાર (neonatal intensive care) દ્વારા બચાવી શકાય છે. સામાન્યતઃ આવા કિસ્સામાં પ્રસુતિની ક્રિયા સરળ હોય છે અને માતાને તબીબી દ્રષ્ટિએ ખાસ સઘન સારવારની જરુર રહેતી નથી. પરંતુ જન્મનાર શિશુને ખૂબ સઘન અને ઉચ્ચ કોટિની અને અનેક આંટીઘૂટી વાળી સારવાર જરુરી બને છે. વળી આવી સારવાર માટે ખાસ તાલીમ બધ્ધ નવજાત શિશુ નિષ્ણાંત અને અત્યંત આધુનિક સાધનોની જરુર પડે છે.

મોટાભાગની આવી સવલતો મોટા શહેરો કે મોટી હોસ્પીટલોમાં જ હોય છે. આથી દૂર રહેતા કે નાના ગામમાં રહેતા માતા-પિતાએ બાળકના જન્મ સાથે જ તેની સારવાર માટે શહેર તરફ દોડવુ પડે છે. દુર્ભાગ્યે નવજાત શિશુ ખાસ કરીને બિમાર અને અધૂરા માસે જન્મેલા નવજાત શિશુ આ પરિવહન દરમ્યાન પડતી મુશ્કેલી સહન નથી કરી શકતા અને રસ્તામાં જ મૃત્યુ પામે છે કે બચાવી જ ન શકાય તેવી હાલત માં મોટી હોસ્પીટલોમાં પહોંચે છે. જ્યારે આજ શિશુ જો મોટી હોસ્પીટલોમાં જન્મે તો તાત્કાલિક સારવાર દ્વારા તેને બચાવવાની સંભાવના ઘણી વધી જાય છે. આમ આ સમગ્ર પરિસ્થિતિનું પૃથ્થ્કરણ કરીએ તો એ વાત બહુ સ્પષ્ટ બને છે કે નવજાત શિશુનું યોગ્ય પરિવહન(neonatal transport) સૌથી મહત્વનું છે. જન્મ પછી આવુ કરવુ સારા સેન્ટરોમાં કે વિદેશોમાં પણ સો ટકા સલામત નથી જ તો નાના સેન્ટરોમાં આ ઘણુ અસલામત બને છે. પણ જો આવુ શિશુ ગર્ભમાં જ હોય ત્યારે જો માતા સાથે જન્મ સમય પહેલા જ મોટી હોસ્પીટલો કે સારા સેન્ટર પર પહોંચે તો તેમને જન્મતાવેંત જ તાત્કાલિક સારવાર પણ મળી રહે છે અને જન્મ પછી પરિવહન નો ખતરો પણ ટળી જાય છે. આમ માતાના ગર્ભમાં જ વધુ સગવડતાભર્યા સેન્ટર પર જવાની ક્રિયાને ગર્ભસ્થ પરિવહન (in utero transport ) કહે છે. જે શિશુ પરિવહનનો ખૂબ જ સલામત રસ્તો છે.