આંખોની સંભાળ

નવજાત શિશુ ની આંખ અત્યંત કોમળ અને નાજુક હોય છે. આ આંખોની નીચે મુજબ સંભાળ લેશો.

  1. આંખોને દિવસમાં એક વાર રોજ નવડાવયા પછી ગરમ પાણી (સહન થઈ શકે તેટલુ)થી સાફ સુતરાઉ રુમાલ વડે હળવેથી સાફ કરો. આ માટે સૌપ્રથમ આપના હાથ સાબુથી ધોઈ સાફ કરવા પડશે. તમારા હાથની આંગળીઓમાં નખ વધેલા ન હોવા જોઈએ નહિંતો શિશુને ચેપ લાગવાનુ  કે ઈજા પહોંચવાનુ જોખમ વધી જાય છે.
  2. શિશુની આંખમાં કાજળ કે કોઈ પણ અન્ય પદાર્થ ન આંજશો. તેનાથી શિશુને એલર્જી કે ચેપની તકલીફ થઈ શકે છે. કાજળ આંજવા થી કોઈજ દેખીતો વૈજ્ઞાનિક ફાયદો જોવા મળેલો નથી.નવજાત શિશુની આંખ કુદરતી રીતે સુંદર જ હોય છે તેને કાજળ લગાવ્યાથી તે વધુ સારી દેખાતી નથી. ઉલ્ટાનુ શિશુ નું કુદરતી રુપ બગડી જતુ હોય છે.
  3. નવજાત શિશુને નવડાવતી વખતે આંખમાં સાબુ કે શેમ્પુ કે ગંદુ પાણી ન જાય તે ધ્યાન આપવુ.
  4. શિશુના જન્મ પછી એક વખત વિશેષજ્ઞ પાસે આંખ ચેક ચોક્કસ કરાવશો ઘણી વખત શિશુઓમાં રહેલી જન્મ જાત આંખની ખામી જેવી કે મોતિયો કે આંખની બનાવટમાં રહેલી ખામી વિશે દેખીતી રીતે ઘણી વાર સામાન્ય માણસને ખ્યાલ પણ ન આવે તેવુ બની શકે.

નવજાત શિશુની આંખની સામાન્ય તકલીફો

આંસુથી છલકાતી આંખ – Epiphora

બેકગ્રાઉંડ - દરેક મનુષ્યની આંખમાં ઉપરના ભાગે અશ્રુ ગંથિ આવેલી હોય છે. આ ગ્રંથિ સતત ચોવીસે કલાક અશ્રુનું સર્જન કરે રાખે છે. આ અશ્રુ આંખના બાહ્ય પારદર્શી કોમળ ભાગ કોર્નીયા ને ભીનુ રાખે છે અને તેને પોષણ આપે છે. આ અત્યંત જરુરી પ્રક્રિયા છે જેના વગર કોર્નીયા સુકાઈ જવાથી દેખાતુ બંધ થઈ શકે. આ અશ્રુઓ આંખના ખૂણામાં આવેલી બારીક નળીઓ દ્વારા અશ્રુ કોટરવાટે થઈ નાકમાં ખૂલે છે. નાકની ખાસ પ્રકારની અંદરની ચામડી આ અશ્રુ ના ટીપા શોષીલે છે. જ્યારે ખૂબ ટૂંકા સમય માં ખૂબ વધુ આંસુ પેદા થાય તો જ તે આંખ માંથી છલકાતા જોવા મળે છે જેમકે રુદન ના સમયે . નવજાત શિશુમાં આ અશ્રુ વહન કરતી નલિકાઓ ખૂબ નાની અને બારીક હોઈ ઘણી વાર રજકણૉ કે અન્ય પદાર્થો થી બંધ થઈ જાય કે આ નલિકાઓ જન્મજાત સાંકડી હોય અથવા જન્મથી જ બંધ હોય તો આ અશ્રુઓનો માર્ગ અવરોધાવાથી તે આંખમાંથી છલકાઈ ને નીકળી આવે છે. આ પરિસ્થિતિને કારણે ઘણી વાર આંસુ આંખમાં એકત્રીત રહેતા હોવાથી અશ્રુ કોટરનુ ઈંફેક્શન કે આંખમાં ઈંફેક્શન જોવા મળે છે. આવા શિશુને આંખમાં ચિપડા વળે – આંખમાંથી પરુ નીકળે અને આંખના ખૂણા પાસે નાક્ની તરફ એક નાનુ દાણા જેવો ભાગ ઉપસી આવે તેવા લક્શણૉ જોવા મળે છે.સારવાર - સૌપ્રથમ એકવાર વિશેષજ્ઞ પાસે આ પરિસ્થિતીનુ નિદાન ચોક્કસ કરાવો. જો આંખમાં કે અશ્રુકોટરમાં ઈંફેકશનની અસર જોવા મળે તો વિશેષજ્ઞની સલાહ મુજબ ટીપા નાખવા કે એંટીબાયોટીક દવા નો નિયત કોર્સ જરુરી બનશે. ખાસ મસાજ – આંખના નાક તરફના ખૂણા પર ચિત્ર મુજબ હળવા હાથે દબાણ આપી મૂકી દેવાની ક્રિયા પાંચ થી દસ વાર ના સેટમાં બે વાર પ્રતિ દિન કરવુ. આ સિવાય હળવા હાથે આંખના નાક તરફી ખૂણા થી નાક ની તરફ ટચલી (નાની આંગળી) વડે હળવા હાથે ઉપરથી નીચે તરફ મસાજ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. શરુઆતી વખતે એક વાર વિશેષજ્ઞની હાજરીમાં આ પ્રક્રિયા કરીને શિખી લેવી. આ બંને પ્રકારની ક્રિયા બંધ અશ્રુનલિકા ખોલવા માટે ઉપયોગી છે જે થોડા જ પ્રયાસો પછી ખૂલી થતા શિશુની તકલીફ હળવી પડી જશે. જો માત્ર આંસુ છલકવાની જ તકલીફ હોય તો આ ખાસ મસાજ કરવાથી ચોક્કસ ફાયદો થતો જોવા મળે છે. સર્જરી – ખાસ કિસ્સામાં ક્યારેક આ માટે ઓપરેશન કરવુ જરુરી બને છે પણ તે ખૂબ જ જૂજ કિસ્સામાં જરુરી બને છે. આ માટે વિશેષજ્ઞની સલાહ લેવી. આંખોના ડોળા પર દેખાતુ લોહી ( Sub conjuctival Hemorrhage)

જન્મ પછી ક્યારેક શરુઆતી દિવસોમાં આંખોના ડોળાના સફેદ ભાગ પર લાલાશ પડતા ડાઘ સમાન લોહી જોવા મળે છે. આ સામાન્યતઃ નોર્મલ પ્રસુતિથી જન્મેલા કે પ્રસુતિ થવામાં લાંબો સમય રહેલા શિશુમાં વધુ જોવા મળે છે. આ એક સામાન્ય રીતે જોવા મળતી ઘટના છે. આવા નવજાત શિશુને સામાન્યતઃ આંખો અને તેની આસપાસ સોજો રહેતો હોઈ તથા નવજાત શિશુ જન્મસમયે ખૂબ પ્રકાશ સંવેદી હોઈ આંખો ખોલતા ન હોવાથી ઘણી વખત શરુઆતના બે ત્રણ દિવસ સુધી આ વિશે માતા-પિતા કે ડોક્ટરને પણ ખબર ન પડે તેવું પણ બની શકે છે. સારવાર - આ પ્રકારનુ લોહી તેની આપોઆપ જ 7 થી 10 દિવસમાં શોષાઈ ને દૂર થઈ જશે. તે માટે કોઈ જ વિશેષ પ્રક્રિયા કરવાની રહેતી નથી. પરંતુ પ્રારંભિક નિદાન માટે વિશેષજ્ઞ ની સલાહ ચોક્કસ લેવી. આંખોમાં લાગતો ચેપ- પરૂ નીક્ળવુ  (conjunctivitis)નવજાત શિશુને ઘણી વાર શરુઆતી દિવસોમાં આંખના બાહ્ય આવરણ – માં ચેપ લાગવાથી આંખોનો ડોળાનો ભાગ લાલ ઘૂમ જણાય છે. આંખોમાં થી સતત પાણી અને મોટા ભાગે પરૂ નીકળી આવે છે અને આંખો ચોંટી જતી જણાય છે. આ સામાન્યતઃ વાઈરસ કે બેક્ટેરીયાના ચેપથી બને છે. આ એક ચેપ હોવાથી તેની તાત્કાલિક સારવાર કરાવવી ખૂબ જરુરી છે. સારવાર - વિષેશજ્ઞ પાસે સલાહ લઈ ને જરુરી એન્ટી બાયોટીક દવા કે ટીપા લેવા ખૂબ જરુરી છે.