માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગુજ્મોમ.કોમ વિશે

સ્ત્રીના જીવનમાં લગ્નનું આકાશ અગણિત સંભાવનાઓ અને નવી જવાબદારી લાવે છે. સ્ત્રી ના આ ગૃહસ્થ જીવનના આકાશમાં સપ્તરંગી ઈન્દ્રધનુષ એટલે શિશુ નું અવતરણ... ! સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી એ ’ નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.વેબસાઈટ નો ઉપયોગ એક ઉપયોગી સાહિત્ય તરીકે વિષયલક્ષી સામાન્યજ્ઞાન વધારવા માટે કરી શકાશે.તબીબી જ્ઞાન સમય અને નવી શોધ સાથે સતત બદલાતુ રહે છે આથી વેબસાઈટ ની રચનામાં જાણ્યે-અજાણ્યે કોઈ જગ્યાએ અપાયેલી માહિતી જૂની-અધુરી કે ભૂલ ભરેલી હોઈ શકે છે. આથી જે તે સંજોગોમાં હાજર તબીબી વિશેષજ્ઞની અવલોકન આધારીત સલાહ અનુસાર નિર્ણયો લેવા નમ્ર વિનંતી છે. આ વેબસાઈટ પર મારા લેખોને સમાવવા માટે હું આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન નો આભારી છુ. વેબસાઈટની રચનામાં માર્ગદર્શક બનવા વ્રોફીટ વેબ ટેકનોલોજીઝના વિમલ ભાઈનો અને જરુરી ગ્રાફિક સહાય માટે નિલેશભાઈ સંઘાડીયાનો ખાસ આભાર..   આશા છે દરેક માતા પિતાને આ વેબસાઈટ ઉપયોગી થશે. ડો. મૌલિક શાહ  એમડી. (પેડ) એસોસીયેટ પ્રોફેસર – પિડીયાટ્રીક્સ એમ.પી. શાહ મેડીકલ કોલેજ – જામનગર (ગુજરાત) ઈમેઈલ – maulikdr@gmail.comબ્લોગ – matrutvanikediae.blogspot.com