માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

માલીશ વિશે

સ્પર્શેન્દ્રિય મનુષ્યની ખૂબ ઉપયોગી ઈન્દ્રિય છે. હળવો સ્પર્શ આનંદદાયક તો હોય જ છે પણ તેના બીજા પણ અનેક ફાયદા છે. નવજાત શિશુ ને પણ સ્પર્શેન્દ્રિય પ્રમાણ માં ઘણી સતેજ હોય છે અને સંવેદનશીલ હોય છે. નવજાત શિશુને ખરા અર્થમાં પુખ્ત માલીશ કે મસાજ ની બદલે હળવો સ્પર્શ જ જરુરી છે અને આ ભેદ પારખવો ખૂબ જરુરી છે નહિતો ફાયદા ને બદલે નુકશાન થવાને વધુ સંભવ છે.

નવજાત શિશુને હળવા સ્પર્શ કે માલીશ ના ફાયદા

  1. હળવા સ્પર્શથી શિશુની ત્વચા થોડો ગરમાવો અનુભવે છે.
  2. હળવા સ્પર્શથી ત્વચાની સંવેદનશીલતા વધે છે અને તેની સાથે ચેતાતંત્ર વધુ મજબૂત બને છે. શિશુનો માનસિક વિકાસ થાય છે.
  3. રોજીંદા હળવા સ્પર્શ/માલીશથી શિશુનો શારીરીક અને માનસિક વિકાસ વધુ ઝડપથી થાય છે.
  4. હળવા સ્પર્શથી શિશુ આનંદિત થાય છે અને ઘણી વાર ચિડીયુ રહેતુ શિશુ વધુ ખુશ મિજાજ બને છે.
  5. હળવા સ્પર્શ કે માલીશમાં જો તેલ કે લોશન વપરાય તો તે શિશુની ત્વચાને એક આવરણ પૂરુ પાડે છે આથી શિશુની પાતળી ત્વચામાંથી પાણી અને ગરમી ઉડી જતી અટકે છે.

હળવો સ્પર્શ આપવાના વિવિધ પ્રકાર

  1. ખોળામાં નવજાત શિશુને સુવડાવી હળવા હાથે પગથી માથા સુધી હાથ ફેરવવો.
  2. નવજાત શિશુની ફરતે એક બ્લેંકેટ/ ચાદર વડે માળા(nest) જેવુ બનાવવુ કે જેના પર હાથ કે પગ અડાડી શિશુ જાણે કે માતાના ગર્ભમાં હોવા જેવી અનુભૂતિ મેળવે અને આ અનુભૂતિ થી મળતા માનસિક સંતોષથી તેનો શારીરીક અને માનસિક વિકાસ થાય..! ( આ માટે વિશેષજ્ઞ ની મદદ લેવી)
  3. શિશુને કાંગારુ મધર કેર આપવી કે ત્વચાથી ત્વચાનો સંપર્ક આપવો.
  4. હળવુ તેલ માલીશ

હળવો સ્પર્શ કે તેલ માલીશ કરવાની પધ્ધતિ

  1. સૌ પ્રથમ જ્યાં માલીશ કરવાનું છે તે રુમનું તાપમાન અંદાજે 28 ડીગ્રી જેટલુ હોય તે ખાતરી કરો જો શિશુ અધૂરા મહિને આવેલુ હોય તો આ તાપમાન 32 ડીગ્રી કે વધુ હોય તે જરુરી છે આ માટે વિશેષજ્ઞની સલાહ લેવી.
  2. જે રુમમાં કે સ્થળે આ કાર્ય કરવાનું છે ત્યાં બારી દરવાજા બંધ કરો અને જો એ.સી ચાલુ હોય તો તાપમાન નિયંત્રીત કરી ઉપર મુજબ સેટ કરો.
  3. હવે સૌ પ્રથમ આપના હાથ સાબુ વડે વ્યવસ્થિત ધુઓ અને સાફ કરો.
  4. હવે હળવેથી શિશુના બધા કપડા કાઢી તેને મજ્બૂત સપાટ બેડ કે સપાટી પર સુવડાવો. શક્ય હોય તો આ પ્રક્રિયા શિશુએ સ્તનપાન કર્યાના એક-દોઢ કલાક પછી કરવી જેથી શિશુ પેટભેર સુવે તો પેટ દબાવાથી દૂધની ઉલ્ટી ન થાય.
  5. માલીશ માટે આપ સાફ ખાલી હાથ કે કોઈપણ વનસ્પતિ તેલ વાપરી શકો જેમકે નારિયેલ તેલ- તલનું તેલ કે ઓલીવનું તેલ.

માલીશ ના પગથિયા

  1. સૌ પ્રથમ શિશુને ઉંધુ સુવડાવી હળવા હાથે માથાના ભાગે ઉપરથી નીચેના તરફ અંગ્રેજી - સી ની જેમ માલીશ કરો. શિશુનું માથુ બંને પડખે વારાફરતી રાખીને માથાનો તમામ વાળ વાળો ભાગ યોગ્ય રીતે માલીશ કરવો.
  2. હવે શિશુને ચત્તુ રાખી નાકની દાંડીથી ગાલ તરફ બહારની દિશામાં માલીશ કરવુ. અને આજ પ્રક્રિયાને આંખના ઉપરના ભાગ થી નાકની દાંડી તરફ કરીને કપાળનો ભાગ પણ માલીશ કરી લો.
  3. 3 /4 ત્યારબાદ હોઠની ઉપર અને નાકની નીચેના ભાગથી વર્તુળાકાર રીતે દાઢી પર થઈ માલીશ કરવુ. અ ને આ બાદ દાઢીથી નીચેની તરફ માલીશ કરવુ. આ રીતે માલીશ કરવાથી શિશુને સ્તનપાન માટે જરુરી સ્નાયુઓને વધુ સશક્ત કરી શકાય આનાથી શિશુની સંવેદના વધે છે.
  4. હવે શિશુના છાતીના ભાગથી વચ્ચોવચ્ચ નીચેની તરફે માલીશ કરો. ત્યારબાદ શિશુના છાતીના બંને પડખાને હળવેથી માલીશ કરો.
  5. હવે શિશુના હાથના પંજાને એક હાથ વડે પકડી બીજા હાથથી ગોળાકારે વિંટી બનાવી નીચેની તરફ હળવેથી માલીશ કરો.
  6. હવે શિશુના હાથના પંજાને એક હાથ વડે પકડી બીજા હાથથી ગોળાકારે વિંટી બનાવી નીચેની તરફ હળવેથી માલીશ કરો.અ અઆખરે આંગળી અને હાથના પંજાને હળવા સ્પર્શથી માલીશ કરો.
  7. આજ રીતે પગના પંજાને- આંગળીને અને ધીરે-ધીરે પગ અને સાથળ સુધી ગોળાકારે માલીશ કરો.બાળકને ત્યારબાદ ઉલ્ટુ કરીને કરોડ રજ્જુ પર બે આંગળી વડે ધીમે-ધીમે આકૃતિ (12)મુજબ માલીશ કરો.
  8. આખરે કમરના બંને પડખા ઉપરથી નીચેની તરફ માલીશ કરો. હળવા હાથે સાથળને પણ માલીશ કરો.