માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નાળની સંભાળ

ગર્ભસ્થ શિશુ માતાની સાથે નાળની મદદ થી જોડાયેલુ હોય છે. આ નાળ વાટે લોહીની નળીઓ શિશુ અને માતાને જોડે છે. પ્રસુતિ પછી નાળ કાપી દૂર કરાતા શિશુનું માતાથી અલગ અસ્તિત્વ શરુ થાય છે. શિશુની સાથે નાળનો એક નાનો ટૂકડો ચોંટેલો હોય છે.આ ભાગ ધીરે-ધીરે સૂકાઈ જાય છે અને ખરી જાય છે અને  તે જગ્યાએ નવી ત્વચા આવતા વયસ્ક મનુષ્ય જેવી ડૂંટી ઉભી થાય છે.

આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કુલ પંદર દિવસ જેટલો સમય લાગે છે. આ દરમ્યાન સાત થી દસ દિવસ નાળને સૂકાઈ ને ખરતા લાગે છે અને ત્યાર બાદ આ જગ્યાએ બીજા પાંચ થી સાત દિવસમાં નવી ત્વચા આવે છે અને નવી ડૂંટી બને છે.

ડૂંટી ન બને ત્યાં સુધી નાળની જગ્યા ચોખ્ખી જંતુ રહિત તથા ભેજરહિત રહેવી જરુરી છે. જો ડૂંટીના ભાગે ચેપ લાગે તો તેને આખા શરીરમાં ફેલાતા જરા પણ સમય લાગતો નહી. આવો ચેપ ઘણા કિસ્સામાં જીવલેણ પણ નીવડે છે. આવુ ન બને તે માટે કાળજી રાખવી ખૂબ જરુરી છે.

નાળની સંભાળ

  1. જન્મ સમયે નાળની લંબાઈ 5 સેમી થી વધુ ન રાખો.
  2. શક્ય હોય તો દોરાની બદલે પ્લાસ્ટીક ક્લિપ જ મારવાનો આગ્રહ રાખો.
  3. નાળ પર કંઈ જ ન લગાડો (કંકુ- હળદર-ઘી-પાવડર કોઈજ પદાર્થ નહી)
  4. નાળ પલળે નહિ તે ખાસ ધ્યાન આપો.
  5. શિશુ શૌચ ક્રિયા કે પેશાબ કરે તો સાફ કરતી વેળાએ નાળ પલળે નહિ તે ધ્યાન રાખો.
  6. બાળકને શક્ય હોય તો પ્રથમ પંદર દિવસ માત્ર સ્પંજ બાથ આપો પાણી રેડીને કે ટબમાં ન નવડાવશો.
  7. નાળ ખરે પછી તે જગ્યાએ ડોક્ટરની સલાહ અનુસાર એંટિસેપ્ટીક પાઉડર લગાવી શકાય.