માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સ્તનપાન સાથે સંકળાયેલી સામાન્ય તકલીફો

સ્તનપાનની પ્રક્રિયામાં જો વૈજ્ઞાનિક રીતે ન કરવામાં આવે તો ઘણી વાર માતાને અનેક તકલીફો પડે છે જેમ કે સ્તનમાં દુધનો ભરાવો (engorgement), સ્તનની ડિટડી (નીપલમાં) દુઃખાવો (Nipple cracks/tenderness), સ્તનમાં રસીની ગાંઠ (Breast abcess) વગેરે.

સ્તનમાં દુધનો ભરાવો (engorgement)

જન્મ પછીના શરુઆતી 2 થી 5 દિવસોમાં ઘણી વખત દૂધનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતુ હોય છે. જેથી શિશુની લેવાની શક્તિ અને દૂધના ઉત્પાદનમાં અસંગતતા સર્જાય તો માતાના સ્તનમાં દૂધનો ભરાવો થાય છે અને તે સાથે આસપાસની કોશિકામાં લોહીનું પરિભ્રમણ વધતા સોજો આવે છે. આથી માતાને દુઃખાવો થાય છે. સ્તન ક્ઠણ લાગે છે કે ગાંઠ પડી હોય તેવુ લાગે છે. જ્યારે શિશુને આવા સ્તનમાંથી દૂધ પીવા ખૂબ જોર લગાવવુ પડે છે જે તેની ક્ષમતાથી બાહરનું હોઈ તે પણ રડે છે અને પોષણ મેળવી શકતુ નથી.

સારવાર

 1. સૌપ્રથમ ગરમ પાણી વડે સ્નાન કરો. સ્નાન દરમ્યાન ગરમ પાણીનો શેક સ્તન પર કરો.
 2. સ્તનને હળવે હાથે મસાજ કરી ને બાદમાં સીરીંજ પંપ કે ઈલેક્ટ્રોનીક પંપ કે હાથ વડે સ્તનમાંથી દૂધ કાઢો (નિંદોવો).
 3. સ્તન એક વખત હળવુ થયા બાદ શિશુને સ્તનપાન કરવા લો. હવે સ્તન હળવુ થવાથી તેને સ્તનપાન કરવુ શક્ય બનશે.
 4. એકવાર શિશુ સ્તનપાન કરશે એટલે દુઃખાવો ઘણો હળવો થશે.
 5. હવે સ્તન ને સંપૂર્ણ ટેકો આપે તેવી બ્રેસીયર પહેરો જેથી દુઃખાવો ઓછો રહેશે.
 6. શિશુને સમયાંતરે ધવડાવતા રહો અને સ્તન જો કઠણ રહે તો શરુઆતમાં પહેલાની જેમ સીરીંજ પંપ વડે સ્તનને હળવુ કરો.
 7. પંપ દ્વારા એકત્રિત દૂધ સાફ જંતુરહિત પાત્રમાં એકત્રિત કરો. જે આપ બાદમાં જો જરુર પડે તો  ચમચી વડે શિશુને આપી શકશો પણ પ્રથમ તેને સ્તન પાન કરવશો. જેથી શિશુ ચમચી વડે દૂધ પીવાનો આસાન વિકલ્પ જ પસંદ ન કરી લે ...!

આ વિડીયો પણ જુઓ.

સ્તનની ડિટડી (નીપલમાં) દુઃખાવો (Nipple cracks/tenderness )

સ્તનપાનમાં જો શિશુને યોગ્ય રીતે ન વળગાડવામાં આવે તો શિશુ માત્ર નિપલ ચૂસ્યા કરે છે. શિશુ નીપલ પર દબાણ કરે છે. તેથી માતાને નીપલમાં ઈજા પહોંચે છે અને દુઃખાવો થાય. વારંવાર થતા દુઃખાવાથી માતાને પણ સ્તનપાન પ્રત્યે અણગમો જન્મે છે.

સારવાર

 1. વિશેષજ્ઞની સલાહ અનુસાર સ્તનપાન ની પધ્ધતિ સુધારો. માત્ર નીપલ જ નહિ એરીઓલાનો ઘણો ખરો ભાગ શિશુના મોં માં આપો.
 2. સ્તનપાન બાદ નીપલ પર લેનોલીન યુક્ત ક્રીમ લગાવી લો. જે બે-ત્રણ કલાક બાદ આપોઆપ શોષાય ગયુ હશે નહિતો ગરમ પાણી થી નીપલ ધોઈ અને શિશુને બીજી વાર સ્તનપાન માટે લેવુ.
 3. સ્તનપાન પૂર્ણ થયે છેલ્લે આવતુ ઘેરુ- ઘાટુ દૂધ પણ ઘણી ફેટ ધરાવતુ હોય છે. તે પણ લગાવી શકાય. તે કુદરતી ક્રીમ તરીકે ઉપયોગી છે.
 4. ઈજાગ્રસ્ત નીપલ પર સાબુ કે અન્ય બરછટ પદાર્થ ન અડે તે ખાસ ધ્યાન રાખો.

સ્તનમાં રસીની ગાંઠ (Breast abcess)

સ્તનની ડિંટડી પર થયેલી ઈજાઓ દ્વારા ક્યારેક માતાના સ્તનમાં ચેપ થઈ શકે છે. આવા સમયે સ્તનમાં સોજો લાગે છે. સ્તનની સપાટી લાલ થયેલી જણાય છે. સ્તનમાં ગાંઠ જેવુ જણાય છે. તાવ- તૂટ કળતર કે સ્તનમાં દુઃખાવો જણાય છે.

સારવાર

 1. ડોક્ટરની સલાહ અનુસાર એંટીબાયોટીક દવા – દર્દશામક દવાઓ અને આરામ કરવો જોઈએ.
 2. જરુરી જણાય તો ઘણા ખરા કિસ્સામાં સર્જન દ્વારા આ રસી દૂર કરવા નાનુ ઓપરેશન કરવુ પડે.
 3. આ દરમ્યાન બીજા સ્તન દ્વારા શિશુને ધવડાવાવનું ચાલુ રાખવુ જોઈએ.