માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

પ્રસુતિ માટેના સ્થળની પસંદગી

સદીઓથી જૂનો સવાલ – પ્રસૂતિનું આદર્શ સ્થળ કયુ – પિયર કે સાસરુ?

એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકનો જન્મ અને માતાનું પ્રસુતિ પૂર્વે અને પછે સ્વસ્થ રહેવુ એ પ્રત્યેક પરિવારનું સ્વપ્ન હોય છે. ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પણ આ સત્ય હકિકત અને તટસ્થ મન સાથે બાળક અને માતાને કેન્દ્રસ્થાને રાખી વિચારીએ પછી જે સ્થળ યોગ્ય જણાય તે પસંદ કરવુ એમાં રહેલો છે. ભારતીય સમાજ્માં સામાન્યતઃ પિયરે પ્રથમ સુવાવડ કરાવવી એ સદીઓ જૂનો રિવાજ છે. જો સ્ત્રીને પિયરે આર્થિક- સામાજિક રીતે અનૂકૂળ હોય તો આ વિવાજ એ ખૂબ જ આવકારદાયક છે.

પિયરે સુવાવડ કરાવવાના કેટલાક ફાયદા

  1. પિયરે સ્ત્રીને સામાન્યતઃ ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક તબક્કે મોકલાય છે. આ તબક્કા દરમ્યાન જરુરી તમામ કાળજી જેવીકે – આરામ, વજન ન ઉંચકવુ, પૂરતી ઉંઘ, બ્રહ્મચર્ય પાલન વિગેરે આપોઆપ સ્ત્રીને મળે છે.
  2. પિયરે સ્ત્રીને સામાન્યતઃ એક જાણીતુ વાતાવરણ મળતા માનસિક શાંતિ, પ્રેમ અને હૂંફ મળે છે.
  3. પિયરે સ્ત્રી ને પોતાની સાસરાની રોજીંદી ઘટમાળમાંથી થોડી સ્વતંત્રતા મળે છે. જે શારીરિક અને માનસિક આરામ મેળવવા સહાયક હોય છે.
  4. પિયરે સ્ત્રી પોતાના માતાપિતા સાથે મુક્ત મને પોતાની મૂંઝવણ કે પ્રશ્નો ની ચર્ચા કરી શકે છે. સાસરામાં કદાચ આ પ્રશ્નો ચચર્વામાં તે અચકાય તેવુ પણ બને.
  5. સુવાવડ દરમ્યાન જરુરી આરામ- રોજીંદા કામમાંથી આઝાદી અને એકાંત પિયરમાં વિના સંકોચે મળે છે.
  6. સુવાવડ દરમ્યાન જરુરી કાળજી અને પોતાની વિવિધ જરુરિયાત માતા કે બહેન ને કહેવામાં કદાચ પિયરે સ્ત્રીને ઓછો સંકોચ થાય છે.
  7. બાળકના જન્મ પછી તેના રોજીંદા ઉછેરમાં અનુભવી માતા- બહેન કે ભાભી ઉપયોગી થાય છે.
  8. જોકે આ બધુજ સ્ત્રીને પિયર સાથેના લગાવ, માતા-પિતા કે બહેન- ભાઈ સાથેની આત્મીયતા અને પિયરની આર્થિક અને સમાજિક સધ્ધરતા પર નિર્ભર રહે છે. આ પ્રકારના વિવિધ પાસાની પ્રતિકૂળતામાં પિયરે પ્રસુતિ કરાવવાથી પણ કશો ખાસ લાભ થતો નથી.
  9. ઘણા પરિવારો માં સુવાવડ હંમેશા સાસરે કરાવવાનો રિવાજ પણ પ્રચલિત છે. વળી સામાન્યતઃ બીજુ બાળક સાસરે કરાવવાનો રિવાજ પણ ઘરપરિવારોમાં પ્રચલિત છે. મૂલતઃ બધાના કેન્દ્રમાં શિશુ અને માતાની સ્વાસ્થ્યનું આયોજન રહેલુ છે.

સાસરે સુવાવડ કરાવવાના ફાયદા

  1. સાસરે પતિ અને અન્ય સગવહાલા ની હાજરી કોઈપણ પરિસ્થિતી નો સામનો કરવાની હિંમત અર્પે છે.
  2. સાસરુ જો સુખી અને આર્થિક અને સામાજિક રીતે સધ્ધર હોય તો સ્ત્રીના બધા જ સુખ સગવડ સચવાય છે.
  3. સગર્ભાવસ્થામાં શરુઆતથી જ જે ડોક્ટરને બતાવેલુ હોય તેજ ડોક્ટર પાસે ડિલીવરી કરાવવાની હોય માનસિક રીતે ઉદ્વેગ થતો નથી.
  4. પતિની હાજરી સ્ત્રીને સતત સલામતીનો અહેસાસ કરાવે છે.
  5. પ્રસુતિમાં ક્યારેય પણ સંજોગો બદલાય અને બાળક કે માતાને જો કોઈ નુકશાન પહોંચે તો પિયરપક્ષ જેટલી મૂંઝવણ કે સામાજિક ભય ની લાગણી ઉત્પન્ન થતી નથી.

પિયર કે સાસરુ નવજાત શિશુ જન્મનું આદર્શ સ્થળ એ છે કે જ્યાં માતા અને શિશુની શારીરીક- માનસિક અને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સગવડો મળે .