માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ગર્ભવિકાસનો પાંચમો માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

 1. હવે ગર્ભસ્થ શિશુ વધુને વધુ મનુષ્ય સમુ લાગે છે. હાથ- પગ ની લંબાઈ વધશે. હવે પગની લંબાઈ કુલ લંબાઈની લગભગ અડધી જેટલી થાય છે. આંખો આગળની તરફ ગોઠવાયેલી પરંતુ બંધ રહે છે.
 2. ગર્ભસ્થ શિશુના હાથ-પગ અને શરીરમાં સ્નાયુઓનો વધારો અને વિકાસ થાય છે. હાડકા વધુ મજબૂત બને છે.
 3. શિશુની ત્વચા એક સ્નિગ્ધ-સફેદ રંગનું પ્રવાહી દ્રવ્ય બનાવે છે. જે ત્વચાને વધુ રક્ષણ અર્પે છે.
 4. મહદ અંશે ઉંઘ અને આરામનું એક સ્વસ્થ ચક્ર ધરાવે છે. મહદ અંશે ઉંઘ ઘેરી અને થોડી સક્રિય અવસ્થાનો યોગ્ય તાલમેલ જોવા મળે છે.
 5. કાનની શ્રવણ શક્તિ ખીલતા મહિનાના અંત સુધીમાં ગર્ભસ્થ શિશુ બાહ્ય અવાજો ગ્રહિત કરી તેના પ્રત્યે સંવેદનશીલતા બતાવે છે.
 6. ગળામાં સ્વર તંતુની રચના પૂર્ણ થતા શિશુ આવાજ પેદા કરવા સક્ષમ બને છે.
 7. પેઢાં નીચે દુધિયા દાંતની સાથે હવે કાયમી દાંતની કળી પણ ગોઠવાતી જાય છે.
 8. હૃદયની રચના વધુ સુનિયોજીત અને સુસજ્જ બને છે.
 9. પેટના આંતરડામાં મળ બનવાની શરુઆત થાય છે જે શિશુ જન્મ પછી પ્રથમ વખત ઉત્સર્જીત કરશે.
 10. શિશુના આંતરીક અવયવો જેવાકે પુરુષ શિશુમાં પ્રોસ્ટેટ અને સ્ત્રી શિશુમાં ગર્ભાશયની રચના થાય છે.
 11. મેલી વાટે માતાના શરીરમાંથી રોગપ્રતિકારક દ્રવ્યો શિસુમાં પ્રવેશે છે. જે શરુઆતના 6 માસ(જન્મ પછી)માં શિશુનું રક્ષણ કરે છે.
 12. માસના અંતે શિશુ લગભગ 6.5 ઈંચ (16.4 સેમી) અને અંદાજીત 600 ગ્રામ વજન ધરાવતુ હશે.

માતાના શારીરીક ફેરફારો

 1. ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીથી થોડુ નીચે તપાસી શકાય છે. આપના વજનમાં શરુઆતથી કુલ 4 કિલો જેટલો વધારો નોંધાશે.
 2. આગળ ઉપરથી થતી ઉલ્ટી હવે ઓછી થતી હશે.
 3. ખોરાક લેવો વધુ સહેલો બનશે પરંતુ કોઈવાર એસિડીટી કે ઉબકા સતાવશે.
 4. સગર્ભાવસ્થા વધુ આનંદિત બનશે અને માતા બનવા પહેલાનો અદભૂત અહેસાસ હવે અનુભવશો. શિશુના સફળ જન્મ માટે તમે ચિંતીત રહેશો.

સમજુ માતાની જવાબદારી

 1. તબીબી સલાહ અનુસાર આયર્ન-વિટામીન ની ગોળી લેશો.
 2. કીગેલ કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
 3. આપના ગર્ભસ્થ શિશુ માટે મ્યુઝિક થેરાપી શરુ કરો. તેની સાથે વાત કરો અને આપનું મન પ્રફુલ્લિત રહેશે.
 4. સગર્ભાવસ્થાની સામાન્ય તકલીફો માટે અનુભવી કૌટુંબિક સભ્યોનું માર્ગદર્શન લો.
 5. ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ ખાસ કરીને પેદુ અને ડૂંટીથી નીચેના પેટના ભાગ પર જોવા મળશે. તે માટે તબીબી વિષેષજ્ઞની સલાહ લેશો.
 6. આ માસના અંતે ગર્ભસ્થ શિશુની કોઈપણ શારીરીક ખોડખંપણ અંગે માહિતી મેળવવા ખાસ સોનોગ્રાફી-ડોપ્લર તપાસ કરાવવા આપના સ્ત્રી રોગ વિશેષજ્ઞની સલાહ લો.