માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ (Oral Rehydration Salt) - જીવનરક્ષક પાવડર

ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ (Oral Rehydration Salt) એટલે કે ઝાડા-ઉલ્ટીની સારવારમાં શરીરમાં પાણી અને ક્ષાર ખાલી થઈ જતુ અટકાવતો પાવડર. આ સામાન્ય જણાતા પાવડરની શોધ અને તેના ઉપયોગને લગભગ ત્રીસ વર્ષ થશે. વિશ્વમાં જો કોઈ દવા થકી દર્દીના પ્રાણ બચાવવાનું અંકગણિત માંડવામાં આવેતો ઓ.આર.એસ. નો પ્રથમ નંબર બિનહરીફ રીતે જાહેર થાય..! આ પાવડરના પ્રયોગે ઝાડા ઉલ્ટીથી થતા મૃત્યુદર ખાસ કરીને બાળમૃત્યુદર ને ખૂબ જ ઘટાડી દીધો છે. 2005 સુધીમાં ઝાડા ઉલ્ટીમાં બાળમૃત્યુનો દર પહેલાના દરની સરખામણીએ ઘટીને 50% થી પણ ઓછો થયેલો અને 2008-2009 માં આ અંક હજુ પણ ઘણા અંશે ઘટી જવા પામ્યો છે. થેંક યુ ઓ.આર. એસ. !!!

ઝાડા-ઉલ્ટી નો દર બાળકોમાં પ્રથમ બે વર્ષમાં ખૂબ વધારે જોવા મળે છે. અંદાજે દરેક બાળક ને જીંદગીના પહેલા બે વર્ષોમાં 3થી 4 વખત પ્રતિ વર્ષ આ બિમારી લાગુ પડે છે. સામાન્ય રીતે આ બિમારી વાઈરસજન્ય હોવાથી થોડા સમયમાં મટી જતી હોય છે. પરંતુ ઘણી વખત જો બાળકને વધુ પાણી ઝાડામાં વહી જાય કે ઉલ્ટી વધુ પ્રમાણ માં હોયતો ગંભીર પરિસ્થિતી સર્જાઈ જતી હોય છે. વળી જો આ બિમારી લાંબા સમય સુધી ચાલે તો તેમાં બાળકનુ પોષણ પણ જોખમાઈ શકે. અને તેથી બાળક પોતાનુ વજન ગુમાવે અને તેનો વિકાસદર પણ અટકી શકે. આમ ઝાડા-ઉલ્ટીને લીધે બાળકને અનેક નુકશાન શક્ય છે પરંતુ કેટલાક સામાન્ય ઉપાયો થી આ બધુ અટકાવવુ શકય છે. માતાપિતાને થતી ઘણી મૂંઝવણોને આવો જાણીએ કેટલાક પ્રશ્નોત્તરના માદ્યમથી ...

પ્રશ્ન -મારા બાળકને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા છે તો કયારે મટશે ડોક્ટર ?

જવાબ- બાળકોમાં ઝાડાની બિમારી હંમેશા ધીમે-ધીમે મટતી હોય છે અને અંદાજે પાંચ થી સાત દિવસે મટે છે. આવુ બનવાનું મુખ્ય કારણ બાળકના આંતરડામાં વાઈરસના હુમલાથી થયેલી ઈજાને સાજી થવામાં લાગતો સમય છે. આ પાંચ દિવસોમાં આપ બાળકનીબિમારીમાં ક્રમિક સુધારો ચોક્કસ નોંધશો જેમકે ચિડીયુ રહેતુ બાળક ધીમે-ધીમે રમતુ થાય, ઝાડાની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળે વિ. પરંતુ એકદમ જ ઝાડા બંધ થઈ જાય તેવુ શક્ય નથી. ઝાડાની બિમારીના આ કુદરતી ક્રમને સમજી અને ધીરજ રાખવી જરુરી છે.

પ્રશ્ન- મારા બાળકને ઝાડા મટાડવા કોઈ ઈંજેકશન કે બાટલો લગાવવો જરુરી છે કે શુ?

જવાબ- મોટા ભાગના(90%) ઝાડાનું કારણ વાઈરલ ઈન્ફેકશન હોય છે આથી આ માટે બાળકને કોઈ એન્ટીબાયોટીક દવા દેવી જરુરી જ નથી. આમ કરવાથી ઉલ્ટુ નુકશાન વધુ થાય છે. ઝાડા ઉલ્ટીમાં બાળક મુખ્યત્વે પાણી અને ક્ષાર ગુમાવે છે જે ખૂબ સરળતાથી ઓ.આર.એસ. કે અન્ય ઘરગથ્થુ પ્રવાહી દ્વારા પૂર્ણ કરી શકાય છે. જે પદાર્થો બાળક મોં વાટે લઈ શકતુ હોય તેજ વસ્તુ સોય દ્વારા બાટલાના માદ્યમથી દેવાનુ જરુરી નથી. મોટાભાગના બાળકો ખૂબ સરળતાથી મોંથી પાણી લઈ શકતા હોય છે કે ખાઈ શકતા હોય છે. આવા સંજોગોમાં બાળકને હોસ્પીટલાઈઝ કરવુ કે બાટલો ચડાવવો જરુરી નથી. જો બાળક ને ઉલ્ટી ચાલુ હોય કે મોંવાટે લેતુ ન હોય કે ઝાડા દ્વારા સર્જાયેલુ નિર્જલન(dehydration) વધુ પ્રમાણ માં છે તેવુ ડોકટરને લાગે તો જ બાટલો ચડાવવો કે અન્ય ઈન્જેકશન લગાવવા જરુરી છે.

પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને મોં વાટે શું આપી શકાય ?

જવાબ- છ માસથી નાના બાળકને માતાના ધાવણ અને ઓ.આર.એસ. (ORS) સિવાય કશુ જ નહી. છ માસથી મોટા બાળકને – ઓ.આર.એસ., સાદુ પાણી, નાળિયેર પાણી, ઓસામણ, પાતળી છાસ, લીંબુ પાણી, દૂધ કે તાજા ફળોનો રસ(ઉપરથી ખાંડ નાખ્યા સિવાય) આપી શકાય. આ સિવાય માનુ ધાવણ અને ઘરનો બનાવેલો તાજો અને હળવો ખોરાક પણ બાળક માગે તે પ્રમાણે ચાલુ રાખવો જોઈએ.

પ્રશ્ન- ઝાડા હોય તેવા બાળકને શું ન આપી શકાય

જવાબ- ઝાડા હોય તેવા બાળકને કોફી, માત્ર ગ્લુકોઝનુ પાણી, બજારુ ઠંડા પીણા કે વધુ ખાંડ વાળા પદાર્થો ન આપવા. ખાસ યાદ રાખો ક્યારેય પણ મેડીકલ સ્ટોર પરથી ઝાડા બંધ કરવાની દવા ડોકટરી સલાહ વગર લઈ અને ન આપવી તે અતિશય જોખમી છે.

પ્રશ્ન- બજારમાં ઉપલબ્ધ અનેક ઓ.આર.એસ. માંથી કયુ લેવુ. ?

જવાબ- ઓ.આર.એસ. એ ગ્લુકોઝ અને ક્ષારનુ યોગ્ય પ્રમાણમાં બનાવેલુ દ્રવ્ય છે. જો તેમાં કોઈપણ પદાર્થનુ મૂલ્ય નિયત વૈજ્ઞાનિક માત્રાથી ઓછુ કે વધુ હોય તો તે ફાયદા કરતા નુક્શાન પહોંચાડે તેવો સંભવ છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.)એ પ્રમાણિત માપદંડો અનુસારનુ ઑ.આર.એસ. જ લેવુ બાળકને માટે લાભદાયક છે. આ માટે ઓ.આર.એસ. ના પેક પર આવુ લખાણ છે કે નહી તે અવશ્ય નક્કી કરો.

પ્રશ્ન- ઝાડામાં અન્ય કઈ દવાઓ ઉપયોગી છે?

જવાબ- ઝાડા ગ્રસ્ત બાળકને ઓ.આર.એસ. સિવાય ઝિંક(ZINC) નુ સીરપ, ડ્રોપ્સ કે ટેબ્લેટ આપવુ જોઈએ. ઝીંક બાળકના આંતરડાની આંતરીક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વારંવાર થતા ઝાડાના બનાવો ઘટાડે છે. બાળકના સ્વાસ્થય ને સુધારે છે. ઝિંકના બીજા અનેક લાભ પૂરવાર થયેલા છે આથી બાળકને તેનો કુલ ચૌદ દિવસનો કોર્સ કરાવવો જોઈએ. ઝાડા મટી જાય તો પણ ઝિંક નો ડોઝ ચૌદ દિવસ સુધી ચોક્કસ આપવો જ જોઈએ.

પ્રશ્ન- ઝાડાન થાય તે માટે કયા ઉપાયો કરવા?

જવાબ:

  1. છ માસ સુધી શિશુને માત્ર માનુ ધાવણ જ આપો.
  2. બાળકને શૌચ ક્રિયા બાદ અને રમીને આવે પછી હાથ સાબુથી ધોવડાવો.
  3. ખાદ્ય પદાર્થો ઢાંકેલા રાખો અને સફાઈ જાળવો.
  4. શિશુને ઓરીની રસી સમયસર મૂકાવો અને વિટામીન-એ નો ડોઝ પણ અપાવો.
  5. પીવાના પાણીને જરુરી સફાઈ બાદ પ્રયોગમા લેવુ અને જરુર જણાયતો ઉકાળીને વાપરવુ.