માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

પ્રસુતિની જોખમી પરિસ્થિતી

જે પ્રસુતિ દરમ્યાન કે પછી માતા અથવા બાળકનું આરોગ્ય જોખમાઈ શકે છે તેને જોખમી –પ્રસુતિ (High Risk Delivery) કહેવાય છે. માતા અને નવજાત શિશુ માટે જોખમી એવા વિવિધ પરિબળો કે આરોગ્યલક્ષી કારણો સામાન્યતઃ 20 થી 30 ટકા પ્રસુતિમાં જોવામળે છે. આથી આ પરિબળો વિશે જાણકારી મેળવી લઈ તેમના માટે વિશેષ આયોજન અને નિરાકરણ કરી શકાય. જેથી આવા જચ્ચા() બચ્ચાની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે. ભારત દેશમાં ઉંચો માતા-મૃત્યુદર અને નવજાત શિશુમૃત્યુ આંક માટે આવા જોખમી પરિબળોને ઓળખવામાં રહેલી ખામી અને તેના નિરાકરણની બેદરકારી જવાબદાર છે. આમાંના મોટાભાગના કારણોને આધુનિક વૈજ્ઞાનિક સવલતોથી અંકુશ હેઠળ લઈ શકાય છે પરંતુ આમાટે યોગ્ય જાણકારી અને સાવધાની જરુરી છે.

શું આપની પ્રસુતિ આવા જોખમી પરિબળૉ ધરાવે છે ?

માતામાં રહેતા જોખમી પરિબળો

  1. માતાની વય 20 વર્ષથી ઓછી હોય કે 35 વર્ષથી વધુ હોય
  2. આગલ થયેલ કસુવાવડ- મૃત બાળકનો જન્મ
  3. આગળની પ્રસુતિમાં થયેલી તકલીફ જેમકે ચીપિયાથી() ડીલીવરી કે સીઝેરીયન સેક્શન
  4. ગર્ભાવસ્થામાં આરોગ્યલક્ષી કારણો જેમકે હાઈબ્લડ પ્રેશર- પેશાબમાં ચેપ- ડાયાબીટીસ વિ.
  5. ગર્ભવતી સ્ત્રીમાં કુપોષણ – લોહીની ખામી – પાંડુ રોગ વિ.
  6. ગર્ભવતી સ્ત્રીમાં વિવિધ કારણૉસર ગર્ભાશય માથી રક્તસ્ત્રાવ
  7. ગર્ભવતી સ્ત્રી ને જો કોઈ અન્ય રોગ દા.ત. ટી.બી. – કમળો – હૃદય રોગ – ખેંચ કે માનસિક બિમારી હોય
  8. માતાની ઉંચાઈ 145સે.મી થી ઓછી હોય
  9. સ્ત્રીરોગ વિશેષજ્ઞને જો આંતરીક તપાસથી સિઝેરીયન કે અન્ય ઓપરેશન થી જ ડીલીવરી શક્ય લાગતી હોય તો તેવા સંજોગોમાં
  10. માતા જો Rh–નેગેટીવ લોહી ગ્રુપ ધરાવતી હોય.

ગર્ભસ્થ શિશુ માં જોખમી પરિબળૉ

  1. એકથી વધુ બાળકોનું ગર્ભધાન (જોડીયા) (Multiplet pregnancy)
  2. આગળ ઉપર અપૂરતા માસે શિશુનો જન્મ કે નવજાત શિશુનું મૃત્યુ
  3. આગળના નવજાત શિશુમાં જન્મજાત ખોડખાંપણ કે બિમારી
  4. સોનોગ્રાફી દ્વારા જો ગર્ભસ્થ બાળકમાં કોઈ ખોડખાપણની શક્યતા જણાય તો
  5. ગર્ભસ્થ શિશુનો અપૂરતો વિકાસ કે સંભાવિત ઓછુ વજન

ઉપરોક્ત કારણૉમાં આવનાર શિશુ અને માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે. આથી આવા કિસ્સાઓમાં યોગ્ય-અનુભવી- નિષ્ણાંત તબીબ અને આધુનિક સવલતોનો સહકાર જરુરી છે. જો આપની પ્રસુતિ જોખમી હોય તો સાતમો મહિનો થતા જ માતાને જ્યાં આધુનિક સારવાર ખાસ કરીને નવજાતશિશુ માટે યોગ્ય સઘન સારવાર (neonatal intensive care) ની સગવડ હોય ત્યાં મોકલી આપવી જરુરી છે. આ પધ્ધતિને બાળકનું ગર્ભસ્થ પરિવહન (in utero transport ) કહે છે. પ્રત્યેક જોખમી-ચિંતાજનક પરિબળ ધરાવતી પ્રસુતિ હંમેશા આધુનિક મોટી હોસ્પીટલમાં કરાવવાથી માતા અને બાળકનું સ્વાસ્થ્ય જોખમાતુ નથી. અને એક સ્વસ્થ તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે. વળી જો નસીબજોગ બાલકને કે માતાને કોઈપણ મુશ્કેલી સર્જાય તો તે મોટી હોસ્પીટલમાં ખૂબ આસાનીથી નિયંત્રિત કરી શકાય છે.