સગર્ભાને થતી ઉલ્ટી અને ઉબકા

મને હાલજ પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ આવેલ છે પરંતુ હું ખૂબ ઉલ્ટી થી પરેશાન છુ – છાતીમાં બળતરા અને દુઃખાવો થાય છે. કૃપા કરી આ માટે ઉપાય બતાવશો. - પીનલબેન (ભૂજ)

અમારો જવાબ – સગર્ભાવસ્થાના શરુઆતી ત્રણ માસમાં અંતઃસ્ત્રાવોની અસર હેઠળ ઉલ્ટી થવી એક સામાન્ય પ્રક્રિયા છે.જેને આમ તો મોર્નિંગ સીકનેસ (morning sickness) કહે છે પણ તે દિવસના કોઈપણ ભાગે થાય શકે છે.

ઉલ્ટીની સાથે સામાન્ય રીતે જઠરના એસીડનું અન્ન નળી માં જવાથી ઘણી વાર છાતીમાં બળતરા કે દુઃખાવો પણ થાય છે. ઘણા બહેનોને આ ઉલ્ટીનું પ્રમાણ ઘણુ વધુ હોય છે અને તેનાથી ડીહાઈડ્રેશન થવાથી(શરીરમાંથી પાણી ઘટી જવાથી) તથા ખોરાક ન લઈ શકવાથી વજન ઘટવાનુ પણ બની શકે છે. આને મેડીકલ ભાષા માં હાઈપર એમેસીસ ગ્રવીડેરમ (hyperemsis gravidarum) કહે છે.

આ સમસ્યાના લક્ષણૉ આ પ્રમાણે છે.

 • એક દિવસ માં છ થી વધુ વખત થતી ઉલ્ટી
 • જો 2 કે 2.25 કિલો થી વધુનો વજનમાં ઘટાડો
 • આખા દિવસ દરમ્યાન ક્યારેય એકાદ કલાક થી વધુ કંઈ પેટમાં ન રહેતુ હોય.
 • પેશાબ પ્રમાણ ઘટે અને વધુ ઘાટા પીળા રંગનો જ્ણાય.
 • આખો દિવસ થાક વર્તાય અને અશક્તિ જણાય.આપને જો ઉપરના લક્ષણૉ જણાતા હોય તો આપના ડોક્ટર (સ્ત્રી રોગ વિષેશજ્ઞ) નો સંપર્ક સાધવો.

ઉપચાર

1. ખોરાક લેવા/ જીવન પધ્ધતિમાં બદલાવ

 • એકસામટુ પેટ ભરીને ખાવાને બદલે થોડુ થોડુ થોડા સમયાંતરે ખાઓ. ભૂખ્યા પેટે રહેવાનું ટાળો.
 • બ્રેડ – ટોસ્ટ કે રોટલી ભાખરી ના થોડા ટૂકડા લેવાથી ભૂખ્યા પેટે રહેવાનું જોખમ અને વધુ એસીડીટી થવાનું ઘટશે.
 • ખોરાક લીધા બાદ 15-20 મિનિટ સુધી પાણી કે અન્ય પ્રવાહી લેવાનુ ટાળૉ.
 • બને એટલુ ઓછો તીખો – તળેલ – ઘી વાળૉ ખોરાક લો અથવા આવો ખોરાક ટાળો.
 • પાતળી છાસ-દૂધ કે ઋતુ પ્રમાણે ના ફળોનો રસ લઈ શકાય છે.
 • ખોરાક લીધા બાદ 45 મિનિટ પેટ પર દબાણ આવે નહી તે રીતે બેસવુ કે કાર્યરત રહેવુ- તાત્કાલિક સુવાનું ટાળો.
 • ખોરાક ની જે તીવ્ર ગંધ પ્રત્યે વધુ ઉલ્ટી કે ઉબકા માટે સંવેદન શીલ હો તે રાંધવાનુ ટાળૉ.

2. મેડીકલ ઉપચાર

 • સામાન્ય રીતે આ માટે આપના ડોક્ટરની સલાહ લઈને જ કોઈ પણ દવા લેવી જોઈએ.
 • મોટાભાગના આવા કિસ્સામાં ડોક્ટરો એન્ટાસીડ પ્રકારની (દાત. Digene )વિ. દવાઓનો પ્રયોગ કરતા હોય છે .
 • આ સિવાયની અન્ય દવાઓ પણ ઉપલબ્ધ છે જે દર્દીની શરીરની તાસીર જોઈ ડોક્ટરો સલાહ આપે છે.

ડો. નિલેશ ગઢવી એમ.ડી.(ગાયનેક)એસોસીયેટ પ્રોફેસર - ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી એમ.પી.શાહ મેડીકલ કોલેજ , જામનગર