શું નવજાતને ગળથુથી અપાવી જોઈએ

ગળથૂથી ની પ્રથા:  બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે ઘરની આદરણીય કે વડીલ વ્યક્તિ દ્વારા તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને શિશુના કાન માં બે શુભ શબ્દો કે શિખામણ/આશીર્વચનો કહેવા આ પ્રક્રિયાને ગળથૂથી પીવ ડાવવી કહે છે. આને અંગ્રેજી માં પ્રી-લેક્ટીઅલ ફીડ(pre-lacteal feed) પણ કહે છે. આવું કરવાની પરંપરાના વિવિધ લોક વિદિત ફાયદાઓ ગણાવાયા છે જેમાં મુખ્યત્વે ત્રણ મુખ્ય ફાયદાઓ કહેવાય છે.

1. જે વ્યક્તિ દ્વારા ગળથૂથી અપાય તેના સંસ્કાર શિશુમાં પ્રવેશે અને તેના જેવુ શિશુ થાય.

2. ગળથૂથી દ્વારા બાળકના શરીરમાં રહેલ જૂનો મળ નીકળી જાય.

3. શરુઆતી કલાકોમાં શિશુને પોષણ મળે.

ચાલો ચકાસીએ આ ફાયદાઓને આધુનિક વિજ્ઞાન ની સંદર્ભે ....

ફાયદા નં - 1 : જે વ્યક્તિ દ્વારા ગળથૂથી અપાય તેના સંસ્કાર શિશુમાં પ્રવેશે અને તેના જેવુ શિશુ થાય.

વૈજ્ઞાનિક સત્ય અને તર્ક : કોઈપણ મનુષ્યમાં સંસ્કારો બે રીતે આવી શકે એક તો મૂળભૂત આનુવાંશિક વારસા તરીકે માતા-પિતામાંથી અને બીજુ ઉછેર દરમ્યાન વર્ષો સુધી સતત મળતી શિખામણ અને અભ્યાસ થી. શું માત્ર જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રક્રિયા ઉપરોક્ત બંને માંથી કોઈપણની પૂરક બની શકે ખરી...!!??

હવે માણીએ આની હળવી બાજુ,  ધારો કે મારે મારા સંતાનને અમિતાભ બચ્ચન જેવું  કે સલમાન ખાન જેવુ બનાવવુ છે..! કોઈ વાંધો નહિ બોસ અમિતાભનું બુકિંગ કરાવી લો ગળથૂથી માટે માત્ર 10 મિનિટ હાજર રહેવાનું... બસ હવે આપણી ચિંતા ખતમ... શિશુ ભણે કે ન ભણે એક્ટીંગ અને ફિલ્મ લાઈન નું કેરીયર પાકુ જ છે...! બસ તકલીફ એક જ છે કે કદાચ એકાદ વર્ષ અમિતાભ કે સલમાનની ફિલ્મ નહિ આવે ... કારણ એ બિચારા અમદાવાદ-રાજકોટ- જામનગરમાં ગળથૂથી પીવડાવવામાં વ્યસ્ત હશે...! અરે ભાઈ ફિલ્મો કરતા ઓછી મહેનતે અહિં વધુ નાણા છે...! અને પાછુ પૂણ્યનું કામ ...!

ફાયદા નં - 2 : ગળથૂથી દ્વારા બાળકના શરીરમાં રહેલ જૂનો મળ નીકળી જાય.

વૈજ્ઞાનિક સત્ય અને તર્ક : કોઈપણ શિશુ માતાના ગર્ભમાં હોય ત્યારે ક્યારેય મળ ત્યાગ કરતો નથી આથી જન્મ બાદ પ્રથમ ચોવીસ કલાકમાં મળ ત્યાગ કરવો ચોક્ક્સ જરુરી છે. પણ આ ક્રિયા ગળથૂથી જેવો કોઈપણ બાહ્ય પદાર્થ આપ્યા વગર બધા શિશુમાં થતી જ હોય છે. માતાના ધાવણના શરુઆતી ટીપા અને તેને ચૂસવાની પ્રક્રિયાથી શિશુના જઠર થી લઈ ને આંતરડાની ફરવાની ક્રિયા સ્વયંસંચાલિત રીતે કુદરતી જ ચાલુ થઈ જાય છે. આ માટે ગળથૂથી આપવી જરુરી નથી.

ઘણી વાર ગળથૂથી માં રહેલી અશુધ્ધિઓ - કેમીકલ- બેક્ટેરીયા કે વાઈરસ થી શિશુને ઝાડા થઈ જતા હોય છે તેવુ વધુ જોવા મળેલ છે. યાદ રાખો કે માનવ શિશુ માત્ર માતાના ધાવણ ને જ પચાવવાની ક્ષમતા સાથે જન્મે છે... ઘી કે મધ નહિ...

ફાયદા નં - 3 : શરુઆતી કલાકોમાં પોષણ મળે ...!

વૈજ્ઞાનિક સત્ય અને તર્ક - શરુઆતી ધાવણ(કોલોસ્ટ્રોમ)માં કાર્બોહાઈડ્રેટ- પ્રોટીન નું ઘણુ પ્રમાણ હોય છે. તેનું થોડુ પ્રમાણ પણ શિશુને પોષણ- શક્તિ અને ખાસ તો ખૂબ અગત્યની એવી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. આમ પોષણનો કુદરતી સ્ત્રોત હાજર હોય ત્યારે બાહ્ય પદાર્થોનો ઉપયોગ યોગ્ય નથી.

ફાયદા નં 4 : ગળથૂથી સુવર્ણ પ્રાશન જેવી ક્રિયાઓથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

વૈજ્ઞાનિક સત્ય અને તર્ક- સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. અને એવું મનાય છે કે આ સુવર્ણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ વિશે કદાચ કાશ્યપ સાંહિતાના શ્ર્લોક અને વિવિધ આયુર્વેદિક ગ્રંથોનો સંદર્ભ દેવાય છે... પણ આ વિષયક કોઈ યોગ્ય વૈજ્ઞાનિક પ્રયોગાધારીત અવલોકનો કે જેમાં જોવામાં આવ્યુ હોય કે સુવર્ણ પ્રાશન દેવાથી આટલાને ખૂબ ફાયદો થયો અને ન દેનાર બીચારો માંદો જ પડ્યો તેવો કોઈ જ પૂરાવો/સંદર્ભ મને જ્ઞાત નથી. ( જો કોઈ હાજર હોય તો કૃપા કરી જણાવશો). વળી સુવર્ણ પ્રાશન માત્ર ગળથૂથી નહિ સતત છ માસ સુધી લેવાની ભલામણ કરાય છે ... એટલે કે માતા-પિતાને શિશુ જન્મે એક ગોલ્ડ લોન પાકી...! આમ આ આયુર્વેદિક પ્રક્રિયાનું વ્યાપારીકરણ પણ ખૂબ ચિંતાનો વિષય છે.

શરૂઆતી ધાવણ (કોલોસ્ટ્રમ) પીળા રંગનું, ઘેરુ દૂધ છે જેમાં અત્યંત ઉચ્ચ ગુણવતા વાળી રોગ પ્રતિકા૨ક શકિતનો ભંડા૨ ૨હેલ છે. વળી, તેમાં શકિતનું પ્રમાણ ૫ણ શિશુની જરૂરીયાત મુજબ હોય છે. આવું ધાવણ શિશુને સુપાચ્ય છે અને વળી તે બાળકની પ્રથમ રોગપ્રતિકા૨ક ૨સી સમાન છે. જે મહિનાઓ સુધી શિશુનું રોગ સામે ૨ક્ષણ આપે છે આ વાત ના અનેક વૈજ્ઞાનિક પુરાવા અને પ્રમાણ મોજૂદ છે.

કદાચ ઈશ્વર ગરીબ અમીર ના ભેદ વગર સહુને રોગપ્રતિકારક શક્તિ આપવા ઈચ્છતો હશે એટલે જ તો માતામાં કોલોસ્ટ્રોમ જેવા અલગ જ પ્રકારના દૂધનું સર્જન કર્યુ....!

ખાસ નોંધ : સુવર્ણ પ્રાશન સંબધી કોઈપણ પ્રકારની ટીકા કરવાનો આ લેખ નો ઉદ્દેશ્ય નથી. પરંતુ ગળથૂથી તરીકે આ પ્રથા ન વાપરવા ભલામણ છે.

મુખ્ય કારણ જે માટે ગળથૂથી ન આપવાની ભલામણ છે....

કોઈપણ સગર્ભા સ્ત્રીના સ્તનમાં વિવિધ હોર્મોન(અંતઃસ્ત્રાવો)ની અસર હેઠળ ધાવણ નિર્માણ થવાની પ્રક્રિયા છેક પાંચમા માસથી ચાલુ થઈ ચૂકી હોય છે આથી જન્મ સમયે સ્તનપાન કરાવવા દરેક માતા સક્ષમ જ હોય છે. પણ આ પ્રક્રિયા હોર્મોન આધારીત છે. ઓક્સિટોસીન અને પ્રોલેક્ટીન નામક બે હોર્મોન કે જેનો સ્ત્રાવ માતાના સ્તનમાં ધાવણ પેદા કરવા અને બાહર સ્ત્રાવ કરવા જવાબદાર છે તેનું ઉત્પાદન અને પ્રમાણ વધારવાની માટે સૌથી જરુરી ક્રિયા કે ચાલુ કરવાની 'સ્વીચ'  છે - શિશુનું માતાનું સ્તન ચૂસવુ અને માતાને વળગીને રહેવુ...! જ્યાં સુધી આ ક્રિયા ન થાય માતાને ધાવણ વધુ બનાવવુ કે બનેલુ ધાવણ બાહર શિશુ સુધી પહૉંચાડવુ અશક્ય બની જશે. આથી શિશુ જેટલુ જલ્દી સ્તન ચૂસે તેટલુ જલ્દી આ ચક્ર ચાલુ થાય...!

દરેક નવજાત શિશુ શરુઆતી બે કલાક ખૂબ એક્ટીવ કે કાર્યશીલ હોય છે. આ કાર્યશીલતા નો યોગ્ય ઉપયોગ તેને સ્તન ચૂસવાની નૈસર્ગિક પ્રક્રિયામાં લગાડવા કરવો જોઈએ જે દરેક માનવમાં રહેલી સહજ ઈશ્વરીય પ્રેરણા પણ છે...! વળી સ્તન ચૂસવા યોગ્ય રીતે પકડ બનાવવી- માતાના સ્તનને વળગવુ અને જોર લગાવી ચૂસવુ જેવી ' મહેનત સભર' પ્રવૃતિ કરવાનું પણ આ બે કલાકમાં જ શિશુ વધુ યોગ્ય રીતે કરશે.  જો આ બે કલાક ગુમાવી દેવાય તો બાકિના ચોવીસ કલાકમાં શિશુ ક્યારેય આટલો લાંબો સમય જાગૃત કે સ્તન ચૂસવાને ઉત્સુક જોવા મળશે નહિ. સ્તનપાન સંબધી સમસ્યાઓનું મૂળ મહદઅંશે આ ઉપયોગી સમય ચૂકી જવામાં જ રહેલુ છે. વળી જો શિશુ ને ગળથૂથી કે અન્ય પ્રવાહી કે અન્ય દૂધ જો અપાય તો શિશુ સ્તનપાન જેવુ ' મહેનત ' ભરેલુ કામ ક્યાંથી કરશે.... આખરે આળસ એક માનવ સહજ ગુણ જ તો છે...! મોં ખોલો અને મા ચમચી ભરી પીવડાવી દે તો કોઈ ચૂસવાની તસ્દી શા માટે લે.....!

શિશુના પ્રથમ છ માસ ના સમગ્ર પોષણ અને માનસિક વિકાસ નો આધાર માત્ર સ્તનપાન પર છે અને સ્તનપાન ની શરુઆત જ જો યોગ્ય નહિ હોય તો ' પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો જ ઘાટ સર્જાશે. આશા છે નવજાત શિશુના માતા પિતા આ વાંચી યોગ્ય નિર્ણય કરે. ખાસ નોંધ : સુવર્ણ પ્રાશન સંબધી કોઈપણ પ્રકારની ટીકા કરવાનો આ લેખ નો ઉદ્દેશ્ય નથી. પરંતુ ગળથૂથી તરીકે આ પ્રથા ન વાપરવા ભલામણ છે.