સગર્ભાવસ્થામાં ધનુર(ટીટેનસ)નું રસીકરણ

સગર્ભા વસ્થા દરમ્યાન માતાને ખાસ ધનુરના બે ઈન્જેક્શન આપવામાં આવે છે. આવો જાણીએ આ શા માટે જરુરી છે ?

ધનુર - ટીટેનસ કેવી રીતે થાય છે ?

ટીટેનસનો રોગ ક્લોસ્ટ્રડીયમ ટીટેની બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા ઘણા લાંબા સમય સુધી સુષુપ્તાવસ્થામાં વિવિધ સપાટીઓ પર જીવિત રહી શકે છે દા.ત. ધૂળ-માટી- સર્જીકલ સાધનો- કપડા(જે વારંવાર ધોવાતા ન હોય દા.ત.સ્વેટર/શાલ વિ.)- ઘરગથ્થુ વસ્તુઓ જે બીન વપરાશમાં પડી રહેતી હોય (દા.ત પતરાનો ડબ્બો)  વિ. આ બેકટેરીયા શરીરમાં પડેલા ઘા દ્વારા અંદર પ્રવેશે છે અને મૃત કોશિકાઓમાં વૃધ્ધિ પામે છે.

બેક્ટેરીયા દ્વારા પેદા થતુ એક ખાસ પ્રકારનુ વિષદ્રવ્ય શરીરના ચેતાતંત્રોની નસો પર અસર કરે છે અને તેથી શરીરના સ્નાયુઓ અનૈછિક રીતે અક્કડ થઈ જાય છે. આ રોગના દર્દીનુ શરીર વિવિધ પ્રકારની સામાન્ય ઉત્તેજનાઓ જેવીકે રુમમાં આવતો પ્રકાશ –હળવો અવાજ – હળવો સ્પર્શ પ્રત્યે પણ ખૂબ સંવેદનશીલ હોય છે અને આવી ઉત્તેજના સામે તેનુ શરીર એકદમ અક્કડ થઈ જાય છે. આ અક્કડ થવાને  લીધે દર્દીનુ સમગ્ર શરીર એક ધનુષની કમાન માફક વળી જતુ હોવાથી આ રોગનુ ગુજરાતી નામ ધનુરવા કે ધનુર પડેલુ છે. આવા રોગના દર્દીનુ મોં પણ સખત રીતે બંધ રહે છે અને ખાવા પીવાનુ કે બોલવાનુ શક્ય બનતુ નથી. આથી બધા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર કરવી જરુરી બને છે. ઘણા ખરા આવા દર્દીઓને હોસ્પીટલમાં સમયસર સારવાર મળે અને રોગની ગંભીરતા ઓછી હોય તથા અન્ય તકલીફો ન સર્જાય તો બચાવી શકાય છે.

નવજાત શિશુઓ અને ધનુર

વિશ્વ આરોગ્ય સંસ્થા (w.h.o.) નો એક રીપોર્ટ બતાવે છે કે 1988માં સમગ્ર વિશ્વમાં અંદાજે 8 લાખ નવજાત શિધુઓ ધનુરના રોગ થી મૃત્યુ પામતા હતા. સઘન પ્રયાસો ને અંતે વર્ષ 2008સુધીમાં આ આંકડો ઘટી ને 58000 સુધી પહોંચ્યો છે. પણ આ આંકડો પણ ચોંકાવનારો અને શર્મ જનક છે કારણ કે ધનુરની રસી ખૂબ નજીવી કિંમતે અને સરકારી કેન્દ્રો પર તદ્દ્ન મફત પ્રાપ્ય હોવા છતા તમામ વિકાસશીલ દેશોમાં અનેક શિશુ આ રોકી શકાય તેવા રોગની અસરથી મૃત્યુને ભેટે છે.

આ રોગ નવજાત બાળકોમાં માતાએ જો સગર્ભાવસ્થામાં ટીટેનસના બે ડોઝ નુ રસીકરણ ન કર્યુ હોય અને પ્રસુતિની જગ્યાકે ક્રિયા માં જો યોગ્ય સફાઈ લક્ષી સાવધાની ન લેવાય (ખાસ કરીને ઘેર થતી પ્રસુતિમાં) તો પણ આ રોગ થાય છે. નવજાત શિશુઓ માં આ બિમારી લગભગ લા-ઈલાજ છે અને મૃત્યુ દર ખૂબ ઉંચો(સારા સેંટરોમાં પણ 70% થી વધુ)  છે.  મોટાભાગના કિસ્સામાં આવો ચેપ નવજાત શિશુમાં નાળ વાટે પ્રવેશે છે. નાળની યોગ્ય સફાઈ ન રાખવાથી - તેને યોગ્ય રીતે જંતુ રહિત ન કરાયેલ સાધનો કે બ્લેડા વડે કાપવાથી - નાળ પર ચેપ થાય તેવુ કોઈપણ દ્રવ્ય લાગવાથી(ધૂળ-કંકુ-ઘી-છાણ-હળદર વિ.) આવુ થવા સંભવ છે.. જો માતાએ સગર્ભાવ્સ્થામાં ટીટેનસ ની રસી લીધેલ હોય તો ગર્ભસ્થ શિશુના શરીરમાં પહેલાથી જ આ રોગ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ મોજૂદ હોય છે અને જન્મતાવેત થતા આ ઘાતક રોગ સામે રક્ષણ શક્ય છે.

આ રોગ નવજાત શિશુઓમાં સામાન્યતઃ 3 થી 10 દિવસમાં જોવા મળે છે મોટાભાગે 7 દિવસની આજુબાજુ જોવા મળતો હોવાથી તેને સાતમા દિવસ ની બિમારી તરીકે પણ ઓળખાય છે. આ રોગ વાળુ શિશુ શરુઆતમાં અત્યંત ચિડીયુ બને છે , ધાવતુ નથી , તાવ આવે છે અને ધીમે ધીમે અક્ક્ડ બનતુ જાય છે મોં અને જડબુ ખોલી શકાતા નથી. અડવાથી પણ તેને ઝટકા કે ખેંચ આવે છે.

સગર્ભાવ્સ્થામાં ટીટેનસનું રસીકરણ

છેલ્લા પાંચ વર્ષ માં રસીકરણ ન થયેલ હોય તો - બે ડોઝ ( એક માસના અંતરે )

પ્રથમ ડોઝ - શક્ય તેટલો વહેલો પહેલી વિઝીટ વખતે

બીજો ડોઝ - પ્રથમના એક માસ પછી (મોડામાં મોડુ ડિલીવરીના પંદર દિવસ પહેલા)

છેલ્લા પાંચ વર્ષ માં રસીકરણ થયેલ હોય ( અગાઉ પ્રસુતિ થયેલ હોય) - એક ડોઝ

જો માતાને કોઈપણ રસીકરણ ન થયુ હોય કે અપૂરતુ રસીકરણ થયેલ હોય તો

નવજાત શિશુને જન્મતાવેત ટીટેનસ ઈમ્યુનોગ્લોબ્યુલીન - 4 યુનિટ/કિગ્રા અથવા 250 યુનિટ સ્નાયુમાં ઈન્જેક્શન રુપે ( ડોક્ટરની સલાહ મુજબ) આપવાથી ધનુરની શક્યતા ઘટાડી શકાય છે.

યાદ રાખો - સારા નર્સીંગ હોમ માં ડિલીવરી થાય તો પણ નવજાત શિશુને કોઈપણ રીતે ધનુર થવાની સંભાવનાઓ સંપૂર્ણ સમાપ્ત નથી થઈ જતી...! આ રોગથી શિશુનો બચાવ ખૂબ સરળ રીતે માત્ર બે ટીટેનસ ટોક્સોઈડ ના ઈન્જેક્શન માતાને એક માસના અંતરે આપવાથી છે.