સગર્ભાવસ્થામાં હવાઈ મુસાફરી

સોનલબેન (ચાઈનાથી) મારે સગર્ભાવસ્થાનો પાંચમો માસ જઈ રહ્યો છે, હું પ્લેન દ્વારા ચાઈનાથી મુંબઈ જવા ઈચ્છુ છુ તો શું હું જઈ શકુ કે કેમ ? તેના માટે શું ડોક્ટરી પરવાનગી પત્ર / લેટર જોઈશે કે ?

અમારો જવાબ - સગર્ભાવસ્થા ના નવમાસને કુલ ત્રણ માસના ત્રણ તબક્કામાં વ્હેંચી શકાય છે. આમાથી પ્રથમ ત્રણ માસમાં શિશુનું ઘડતર થતુ હોય છે અને કોઈપણ કેમિક્લ કે રેડીયેશન કે દવા લેવાથી શિશુને ગંભીર ક્ષતિ પહોંચે છે. વળી આ સમય દરમ્યાન સૌથી મોટુ જોખમ ગર્ભપાતનું છે. આથી આ સમય દરમ્યાન ખાસ જોખમી મુસાફરી ખાસ કરી રોડ મુસાફરી ટાળવી જોઈએ અને સ્કૂટર કે બાઈસીકલ પોતે ચલાવી જવામાં જોખમ રહેલુ છે. ટ્રેન કે પ્લેન પ્રમાણમાં થોડી ઓછી જોખમી ગણી શકાય.

ગર્ભાવસ્થા ના બીજા ત્રણ માસ બધા પ્રકારની ટ્રાવેલ ( રોડ - ટ્રેન - પ્લેન ) માટે સલામત ગણી શકાય કે જેમાં ગર્ભપાત કે વહેલી પ્રસુતિનું જોખમ સૌથી ઓછુ છે.

ગર્ભાવસ્થાના આખરી ત્રણ માસમાં ખાસ કરી ડયુ ડેટ ની આસપાસ એક મહિના દરમ્યાન રોડ ટ્રાવેલ કરવુ સલામત નથી ખાસ કરી પોતેજ ડ્રાઈવ કરીને. આ ત્રણ માસ દરમ્યાન અધૂરા માસે નિર્ધારીત સમયથી પહેલા ડિલિવરી થવાનું જોખમ રહેલુ છે. જો આવુ બને તો જન્મનારુ શિશુ પ્રિમેચ્યોર કે અપૂરતુ પોષીત હોઈ શકે જેને ઘણી ગંભીર પરિસ્થિતી નો સામનો કરવો પડે અને ઘણી વાર મૃત્યુ પણ થઈ શકે.

મોટાભાગની એરલાઈન્સ કંપનીઓ સગર્ભા ના ટ્રાવેલ અંગે ચોક્ક્સ નીતિ ધરાવે છે. જોકે મોટાભાગે પ્રથમ બે ત્રિમાસિક ભાગ એટલે કે છ માસની સગર્ભાવસ્થા સુધી કોઈજ ડોક્ટરી સર્ટિફિકેટ આવશ્યક હોતુ નથી. આખરી ત્રણ માસ અને ખાસ તો ડ્યુ ડેટના એક માસ પહેલાની ટ્રાવેલ માટે આધિકારીક નિષ્ણાત તબીબનું ઉડ્ડયન માટેનું પરવાનગી આપતુ સર્ટિફિકેટ લગભગ બધી એરલાઈન્સ માગે છે. દા.ત. એર ઈંડીયા 8 માસ સગર્ભાવસ્થા પછી ટ્રાવેલ કરતી મહિલા માટે આવુ ડોક્ટરી સર્ટિફિકેટ માગે છે અને તે પણ ત્રણ દિવસ પહેલા જ કઢાવેલુ.

આ નિયમો દરેક એરલાઈન ના જુદા જુદા હોય છે આથી તેમની આધિકારીક વેબસાઈટ પર જોઈ લેવુ અથવા ઓફિસનો સંપર્ક કરવો.

આ સિવાય આવી કોઈપણ ટ્રાવેલ કરવાના હોય તે પહેલા આપના સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ પાસે જરુરી તપાસ અને સલાહ લઈ લેવી. ઘણી વખત  દર્દીને ખ્યાલ ન હોય પણ તેમની સગર્ભાવસ્થા સાથે સંકળાયેલા કેટલાક જોખમી પરિબળો આવી ટ્રાવેલ દરમ્યાન વધુ વકરી શકે અને ગર્ભ પાત -અધૂરામાસે ડીલીવરી કે માતા અને શિશુ ના આરોગ્યને કોઈ ગંભીર જોખમ ઉભુ થઈ શકે છે.

વિમાની પ્રવાસ વખતે ધ્યાનમાં લઈ શકાય તેવી ટિપ્સ

1. આપના ડોક્ટર દ્વારા ભરાયેલ આપના કેસ પેપર કે ફાઈલ કે જેમાં આપની    સગર્ભાવ્સ્થા ની વિગતો ખાસ કરી છેલ્લા માસિકની તારીખ- પ્રસૂતિની સંભવિત તારીખ અને પ્રસુતિમાં જો કોઈ જોખમી પરિબળ હોય (દા.ત. હાઈ બ્લ્ડપ્રેશર) તે સાથે લઈ જવી જેથી જરુર પડ્યે કામ આવે.

2. હળવા વસ્ત્રો પહેરો - હળવો ખોરાક લો - યોગ્ય માત્રામાં પૂરતુ પાણી પીવો. અને ચિંતામુક્ત રહો

3. સીટ બેલ્ટ બહુ ટાઈટ ન બંધાય તેનુ ખાસ ધ્યાન રાખો.

4. શક્ય એટલા પગ આરામ દાયક રીતે રહી શકે તેવી સીટ પસંદ કરો અને થોડી થોડી વારે પગ નું જરા તરા હલન ચલન કરતા રહો. 

શું આપને પણ આવો કોઈ પ્રશ્ન ઉદભવે છે તો અમોને પૂછી શકો છો... આ માટે અમારા વિભાગ ' પ્રશ્ન પૂછો ' માં આપનો પ્રશ્ન રજિસ્ટર કરાવી મોકલો.

આ સિવાય અગાઉ વાચકો દ્વારા પૂછાયેલા પ્રશ્નો ના અમારા વિશેષજ્ઞ દ્વારા અપાયેલ જવાબ આપ વાંચી શકો છો. 'પ્રશ્ન તમારા જવાબ અમારા ' વિભાગમાં