દોઢ માસનું શિશુ અને ઝાડા

 

પ્રશ્ન : સ્મિતાબેન(વડોદરા) - ' મારી દોઢ માસની બેબીને ઉપરથી ગાયનું દૂધ આપતી હતી, હાલ માં તેને ઝાડા થયા તો ડોક્ટરે આ દૂધ બંધ કરવા કહ્યુ છે. તે બંધ કર્યા પછી પણ તેને હજુ લીલા ઝાડા થાય છે તો શું આ વધુ ગંભીર ઝાડા કહેવાય..?

 

અમારો જવાબ :

સૌપ્રથમ તો આપ શા માટે દોઢ માસના શિશુને ઉપરથી ગાયનું દૂધ આપતા હતા તે આપે જણાવ્યુ નથી. પરંતુ માતાના દૂધ સિવાય ના દૂધ ને 6 માસથી નાની ઉંમરે આપવાથી અનેક નુકશાન છે.. ચેપ અને ઝાડા આમાંના એક છે. વધુ ફાયદા અને ગેર ફાયદા વાંચો ( સ્તનપાન જ શા માટે પસંદ કરશો ?)

હવે બાળકોના ઝાડામાં થોડી અગત્યની ટીપ્સ

1. સામાન્યતઃ સાત દિવસ ચાલે. રોજ થોડા-થોડા ઘટે ....(દા.ત. ઝાડાની સંખ્યા 7-5-3-2-1...એમ  ઘટશે).

2. ઝાડા વાળા બાળકને ખાંડ કે ગ્લુકોઝ વાળી વસ્તુ ઓછી આપવી કે ન આપવી.

3. લીલા ઝાડા સામાન્યતઃ આંતરડાની વધુ પડતી ક્રિયાશીલતા સૂચવે છે કે જેને લીધે પિત્તરસ પાચન થયા વગર મળમાં નીકળે છે આથી આવા મળનો રંગ લીલો રહે છે. જે ઝાડા વાળા બાળકોમાં સામાન્ય છે. વધુ અગત્યનું શિશુના ઝાડામાં પાણીનું પ્રમાણ છે. જો અત્યંત પાણી જેવા ઝાડા ચાલુ રહે તો શિશુને નિર્જલીકરણ કે ડીહાઈડ્રેશન થઈ શકે. આવુ ન થાય તે માટે છ માસથી નાના શિશુને ઓ.આર.એસ. આપી શકાય. આ સિવાય માતાનું ધાવણ પણ જેટલી વાર શિશુ માગે ચાલુ રાખવુ જોઈએ.

4. ઝાડા વાળા બાળકને ઝાડા બંધ કરવાને માટે કોઈ દવા કે ઔષધિ ન આપવી.

5. ઝાડા વાળા બાળકને કોફી ન આપવી.

ઝાડા વિશે વધુ વિગતો વાંચો  લેખમાં (ઓ.આર.એસ. જીવન રક્ષક શોધ )

આપને માટે અગત્યની સલાહ....

1. શિશુને દૂધ  પીવડાવવા બોટલને બદલે વાટકી અને ચમચીનો પ્રયોગ કરવો.

2. શિશુને માટે દૂધ બનાવતી વખતે સફાઈ અને ચોક્ખાઈ નું ખાસ ધ્યાન રાખો.

3. દોઢ માસે થોડુ અઘરુ છે પણ જો માતાનું ધાવણ આપી શકાય તો વધુ સારુ. માત્ર માતાનું લક્ષ્ય હોવુ જરુરી છે ...!