પીડારહિત પ્રસુતિ

નવમાસ સુધી સગર્ભાવસ્થા અને તેનાથી વધેલા વજન અને પેટની સાઈઝથી લગભગ માતાઓને થોડી ઘણે તકલીફ ચોક્કસ પડે છે પણ પોતાના શિશુને જોવાની ઈચ્છા શક્તિ આ તકલીફ ભોગવવા તેને માનસિક રીતે સશક્ત બનાવે છે.પરંતુ ખરી કસોટી તો નવમાસ પછી પ્રસુતિમાં થાય છે એ પણ જયારે કુદરતી કે નોર્મલ પ્રસુતિ થવાની હોય.

માતાનો પ્રસુતિ માર્ગ કે જે સગર્ભાવસ્થા પહેલા અને દરમ્યાન એક આંગળી જેટલો પણ ભાગ્યેજ ખુલી શકતો હોય તે માર્ગમાંથી અંદાજે 9 થી 10 સે.મી. નું શિશુનું માથુ અને પાછળ આખુ શરીર પસાર થાય છે. માતાના હોર્મોન્સ (અંતઃસ્ત્રાવ) ની લાજવાબ કાર્ય ક્ષમતા અને ગર્ભાશયના સ્નાયુનું અદ્વિતીય સંકોચન જેવા અનેક પરિબળો આમાં ભાગ ભજવે છે અને કુદરતનો એક અદભૂત કરિશ્મા સમાન આ કાર્ય સર્જાય છે. પરંતુ ગર્ભાશયના સ્નાયુનું સંકોચન અને ગર્ભાશયના મુખ નું ખુલવુ વિ. પ્રક્રિયા ઘણી પીડાદાયક છે. ઘણી વાર આ પ્રક્રિયામાં કેટલીક સ્ત્રીઓ હિંમત ખોઈ બેસે છે કે આ પીડા સહન નથી કરી શકતી. વળી આ પીડા સહન કરીને પણ છેલ્લે પેટના સ્નાયુની મદદથી પ્રસુતિના આખરી તબક્કામાં શિશુને ધક્કો (પુશ) આપી ગર્ભાશયમાંથી બાહર નીકળવામાં મદદ કરવાની પણ સ્ત્રીએ તૈયારી રાખવી પડે છે. જે ઘણી બહેનો કરી નથી શકતી અને ક્યારેક આને લીધે ફોરસેપ કે વેક્યુમ ડીલિવરી કરવાની નોબત પણ આવે છે કે શિશુને ગુંગળામણ પણ થઈ શકે છે.

 

 

આ પ્રસુતિની પીડા ને દૂર કરી ને પીડા રહિત ડિલીવરી માટે વૈજ્ઞાનિક રીતે ઘણા પ્રયાસો થયા. હાલના તબક્કે નીચે મુજબ ના ઉપાયો ઉપલબ્ધ છે.

 

  • એપીડ્યુરલ એનેસ્થેસીયા - કમરમાં અપાતુ ખોટુ કરવાનું ઈન્જેક્શન
  • દર્દશમન કરતી દવાઓના ઈન્જેક્શન – ડાય-મોર્ફીન કે પીથીડીન પ્રકારની દવાઓ
  • દર્દી દ્વારા જરુર મુજબ લેવાતી દર્દશમન દવાઓ ખાસ પંપ દ્વારા
  • અન્ય ઉપાય – યોગીક ક્રિયાઓ પ્રાણાયામ – હીપ્નોથેરાપી – વોટર બર્થ વિ.

 

દરેક ઉપાય વિશે વિગતવાર

૧. એપીડ્યુરલ એનેસ્થેસીયા - કમરમાં અપાતુ ખોટુ કરવાનું ઈન્જેક્શન

1evFwMXnGiI

એપીડ્યુરલ એનેસ્થેસીયા પીડા રહિત પ્રસુતિ ના વિકલ્પમાં સૌથી વધુ પસંદ કરાતી અને વપરાતી પધ્ધતિ છે. હાલના સમયમાં યુકે ના એક સર્વે મુજબ દર ત્રણ માંથી એક મહિલા પ્રસુતિ વખતે આ પધ્ધતિ વાપરવી પસંદ કરે છે. આ પ્રક્રિયા નો મોટો ફાયદો એ છે કે સામન્યતઃ તેની શિશુ પર કોઈ આડઅસર થતી નથી.

પ્રક્રિયા - આ માટે ખાસ પ્રકારના તાલીમબધ્ધ એનેસ્થેટીસ્ટ ડોક્ટર (શીશી સુંઘાડવાના ડોક્ટર)ની જરુર પડે છે. પ્રસુતા સ્ત્રીને એક પડખાભેર કે આગળની તરફ ઝૂકીને બેસવાનું કહેવાય છે. ત્યારબાદ પીઠમાં એક મણકાનો ભાગ કે જ્યાં આ વિશિષ્ટ પ્રકારનું ઈન્જેક્શન આપવાનું છે તે જગ્યા નક્કી કરાય છે. આ જગ્યાએ પ્રથમ એક લોકલ એનેસ્થેટીક દવા આપી તે જગ્યાની ચામડી ને ખોટી કે બહેરી કરાય છે. ત્યારબાદ એક બીજી સોય દ્વારા મણકાઓ વચ્ચેથી કરોડરજ્જુની ઉપરની એક જગ્યાકે જ્યાં આ ઈન્જેકશન આપવાનું છે ત્યાં સુધી પહોંચાય છે. ત્યારબાદ એક બારીક પાતળી નળી આ જગ્યામાં દાખલ કરી અને ફીક્સ કરાય છે. આ નળી વાટે હવે ખાસ પ્રકાર ની દવાઓ આપવામાં આવે છે જેની અસરથી કમરની નીચેની તરફ થી આવતા તમામ સંવેદના બંધ થઈ જાય છે. આ સાથે તમામ પીડાની અનુભૂતિ પણ ગાયબ થઈ જાય છે.

સામાન્ય રીતે આ પ્રક્રિયા ખૂબ અસરકારક છે પરંતુ આ માટેની પ્રક્રિયા ડોક્ટરનો બહોળો અનુભવ માગી લે છે અને વળી દરેક વખતે કરોડરજ્જુની ઉપરની જગ્યા કે જેને નરી આંખે જોઈ પણ શકાતી નથી ત્યાં સોય કે કેથેટર નળી પહોંચાડવી ખૂબ અઘરી પ્રક્રિયા છે. આથી દર આઠ મહિલાએ એક માં આ પ્રક્રિયાનો ધાર્યો લાભ મળતો નથી.

આડ અસર

 

  • પ્રક્રિયા જો યોગ્ય ચેપ રહિત રીતે ન થાય તો આ જગ્યા પર ચેપ થવા સંભવ છે.
  • થોડા સમય માટે કમરનો દુઃખાવો (પ્રક્રિયા પૂર્ણ થયા બાદ)
  • ક્યારેક કોઈ દર્દીને માથાનો દુઃખાવો (200 એ 1 દર્દીને)
  • પીડા શમન થઈ જવાથી ઘણા દર્દી પ્રસુતિમાં છેલ્લે જરુરી પેટના સ્નાયુનો ધક્કો લેવાને આળસી જાય છે.

 

૨. દર્દી દ્વારા જરુર મુજબ લેવાતી દર્દશમન દવાઓ ખાસ પંપ દ્વારા

એપીડ્યુરલ કરેલા દર્દી ની કમરમાં દાખલ કરાયેલ નળી દ્વારા એક ખાસ પંપથી દવા અપાય છે.  આ પંપની એક ખાસ સ્વીચ દર્દી પોતાની પાસે રાખે છે. આ સ્વીચ દ્વારા પંપ ચાલુ-બંધ કરીને દર્દી જાતેજ જરુર મુજબ દવા લઈ શકે છે. આથી દર્દીને જરુરી દવાનો જ પ્રયોગ થાય છે.

૩. દર્દશમન કરતી દવાઓના ઈન્જેક્શન – ડાય-મોર્ફીન કે પીથીડીન પ્રકારની દવાઓ

સામાન્ય રીતે આ પ્રકારની દવાઓ અફીણ પ્રકારનું રસાયણ ધરાવતી હોય છે જે દર્દીને અંદાજે 4 થી 6 કલાક માટે પીડાની અનુભૂતે ઘટાડે છે. આ ઈંજેક્શન લીધા પછી પણ પીડાનો અનુભવ 100 ટકા ગાયબ થઈ જાય તેવુ નથી. થોડી ઘણી પીડા/દુઃખ થઈ પણ શકે છે. આવા ઈન્જેક્શન સામન્ય રીતે અનુભવી ડોક્ટર કે એનેસ્થેટીસ્ટ દ્વારા હાથ કે પગના સ્નાયુમાં અપાય છે.

આડ અસર

આ ઈન્જેક્શનની દવાઓ માતા વાટે શિશુના શરીરમાં પણ પહોંચી જાય છે. જેની શિશુના મગજ અને ચેતાતંત્ર પર અસર પડવાથી શિશુ ઘણીવાર જન્મ પછી સુસ્ત જણાય છે- હલન ચલન નથી કરતુ કે શ્વાસ પણ લઈ નથી શકતુ. જોકે આ દવાની આ આડઅસરનું શમન કરતી દવાનું ઈન્જેક્શન આપવાથી આ પરિસ્થિતી તાત્કાલિક સુધરી જતી હોય છે પરંતુ આ પરિસ્થિતિ ઓળખવા અને તેનું શમન કરતી દવાનો પ્રયોગ કરવાનો અનુભવ જે તે ડોક્ટર પાસે હોવો જરુરી છે.

ઘણી વાર ઈન્જેક્શન ની આડઅસર રુપે વધુ ઉંઘ આવી જવી કે ઉલ્ટી થવી જેવુ પણ બને છે.