માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

બ્લોગથી થયું એક શુભ કામ...

બ્લોગ લખવાની શરુઆત કદાચ મારુ કાર્ય, જ્ઞાન, અનુભવ અને વિચાર લોકો સાથે ચર્ચવા ના ઉદ્દેશ્યથી થઈ . એ દરમ્યાનમાં અમારા આરોગ્યતંત્રના સૌથી છેવાડાના સૈનિક એટલેકે ગામડામાં નાના બાળકો ની સંભાળ રાખતા આંગણવાડી કાર્યકરો વિશે લખવાનુ મન થયુ અને આંગણવાડી કાર્યકરની રોજીંદી જિંદગીમાં બનતી એક સત્યઘટના પ્રસંગ મેં મારા બ્લોગ પર તા. 17-7-2009 ના મૂક્યો (નાનુ નામ મોટા કામ ...) આ લેખમાં એક આંગણવાડી કાર્યકરની ફરજપરસ્તી અને જ્ઞાનથી કેવી રીતે એક નાના બાળકનો જીવ બચી જાય છે તે વર્ણવાયુ છે. આંગણવાડી વર્કર પોતાના નાના અમથા મહેનતાણામાં પણ લાખેણુ કામ અંજામ દે છે તે હ્રદયસ્પર્શી બની રહ્યુ.

આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. તા.18-7-2009ના શ્રી સુરેશભાઈ જાની એ તેમના પોપ્યુલર બ્લોગ- ગદ્યસૂર દ્વારા આ લેખ વિશ્વભરના વાચકો માટે ફરી મૂક્યો જેને પણ અનેક વાચક મિત્રોએ વખાણ્યો. પરંતુ એક અમેરીકા નિવાસી ભારતીયને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!

મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ .

અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! હવે અમે પેલા અમેરીકા વાળા સજ્જનને જાણ કરી અને તેમણે જે તે વર્કરના નામે પહેલાની મોટી રકમને યોગ્ય રુપે વહેંચી અને છ સરખા ભાગે આવતી રકમના ચેક મોકલી આપ્યા.!!

ભારતભરમાં આંગણવાડીઓની સ્થાપનાને 34 વર્ષ પૂરા થયા તે ઉપલક્ષમાં તા. 5-10-2009 ના રોજ તાલુકા પંચાયત- જામનગર ખાતે એક નાનો સમારોહ આયોજીત થયો. આ કાર્યક્રમ માં આંગણવાડીના 34મા બર્થ ડે માટે એક કેક કપાઈ અને કેકની મિઠાશ સંઘભાવના રુપે સહુ કોઈમાં ફરી વળે તેવી દુઆ કરાઈ.

મોટા ભાષણૉ વગરના આ કાર્યક્રમમાં બહેનો એ તેમના કાર્ય અને અનુભવો વ્યકત કર્યા. એક બહેને પોતે રચેલ સુંદર આરોગ્ય સંદેશ વાળુ ગીત ગાયુ ત્યારે થયુ કે પોતાના કાર્ય માટે તેમની તત્પરતા ખરેખર દિલથી છે. મેં મારુ કાર્ય નિભાવ્યુ અને બહેનોને ચેક તથા મારા તરફથી મારુ પુસ્તક અને એક પ્રશસ્તિપત્ર આપ્યા. જ્યારે આ બહેનોએ જાણ્યુ કે ઈન્ટરનેટના ઉપયોગથી બ્લોગ જેવા માધ્યમથી અનેક લોકો એમના કાર્ય વિશે અવગત થયા અને અનેક લોકોએ તેમને લાગણી સભર સંદેશ મોકલ્યા છે ત્યારે તેમની આંખોમાં જોયેલા હર્ષાશ્રુએ મને અભિભૂત કર્યો.

એજ સમયે મેં નિર્ધાર કર્યો કે આ છેવાડાના આરોગ્ય સૈનિકને સન્માનવાનુ આ શુભ કાર્ય પ્રતિવર્ષ હું ચાલુ રાખીશ - મિત્રોના સથવારે કે મારા બળે...! આ પછી જામનગરના આંગણવાડીના ચીફ ઓફીસર પારુલબેને જણાવ્યુ કે તેમના પચ્ચીસ વર્ષના અનુભવમાં તેમણે આવો પ્રથમ પ્રસંગ જોયો છે કે જ્યારે એક આંગણવાડી વર્કરના કાર્યને કોઈએ બિરદાવ્યુ હોય અને વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર જોયુ છે.

પારુલબેનની આ વાત એ સમયે હાજર તમામ બહેનોની આંખમાં સાફ ઝલકી રહી હતી.!! મને લાગ્યુ બોસ આપણે બ્લોગ લખવાથી એક સારા કામના નિમિત્ત બનવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયુ. એ બિન નિવાસી ભારતીય સજ્જનને જ્યારે આ માટે ધન્યવાદ આપ્યા તો તેમણે આ કાર્ય માટે નુ બીડુ જીવનપર્યંત ઉપાડી લીધુ અને પાછુ કહી દીધુ કે બોસ આપણુ ક્યાંય નામ કે પબ્લિસીટી ના જોઈએ હોં કે !!!