માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સાંતાક્લોસ

પીડીયાટ્રીક ઈંટેસીવ કેર યુનિટ(પી.આઈ.સી.યુ.) એટલે કે બાળકો માટેની સઘન સારવાર વ્યવસ્થા વાળા ખાસ વોર્ડમાં મનીપાલ હોસ્પીટલ બેંગલોર ખાતે હું એમ્.ડી. (પિડીયાટ્રીકસ)થયા બાદ વધુ ખાસ તાલીમ અર્થે ગયેલ હતો. અમારા પી.આઈ.સી.યુ.માં ડોક્ટર અને સ્ટાફ વચ્ચે ખાસ્સો તાલમેલ રહેતો અને તે બાળકોની સારવારમાં ખૂબ જરુરી હતુ. સહુ કોઈ પોતાની ફરજ હળીમળીને નિભાવતા  અને બાળક્ને સારુ કરીને કેમ જલ્દી ઘેર મોકલી શકાય તે માટે તત્પર રહેતા.

નર્સીંગ સ્ટાફ માં મોટા ભાગના કેરાલાના મલયાલમભાષી સીસ્ટરો(નર્સ) હતા. કેરાલા માં ઘણા પરિવારોમાં નર્સીંગ ના વ્યવસાયમાં જોડાવાની પરંપરા હોય છે. આ ઉમદા સેવાકીય પ્રવૃતિ વિશે કેરાલાના પરિવારોની વિચારસરણી ઘણી ઉત્તમ છે. ભારતના ઘણા રાજ્યોમાં આજે પણ લોકો પોતાના સંતાનોને આ વ્યવસાયમાં જોડાતા રોકે છે અને સમાજમાં અનેક ભ્રમણા ફેલાયેલી જોવા મળે છે. પરંતુ કેરાલી નર્સીસ ખરેખર ઉમદા કોટિનુ કાર્ય કરી જાણે છે. વિશ્વમાં નર્સીંગ વ્યવસાયમાં કેરાલી નર્સનુ નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. આ માટે તેમનુ સુંદર અંગ્રેજી જ્ઞાન- નવુ શીખવાની તત્પરતા – નર્સીંગ વ્યવસાય પ્રત્યે સમર્પિતતા- દર્દીની સેવા માટેનો ઉમળકો જેવા અનેક ગુણો જવાબદાર છે. અમારા પી.આઈ.સી.યુ માં પણ લગભગ 80 % જેટલી નર્સ કેરાલાની હતી. ધર્મે ક્રિશ્ચયન અને ભાષાકીય રીતે મલયાલી આ નર્સીંગ સ્ટાફ ખરેખર ઘણો પ્રશિક્ષિત હતો.

પી.આઈ.સી.યુ માં વસુધૈવ કુટુંબકમ જેવુ વાતાવરણ રહેતુ કારણકે નર્સીસ કેરાલાની- ડોક્ટરો તામિલનાડુ,કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, પંજાબ ના તો વળી દર્દી ઘણી વાર વિદેશી પણ રહેતા!! એ દિવસો ડીસેમ્બર માસ ના  આખરી દિવસો હતા. હોસ્પીટલમાં પણ અમે દરેક ધર્મના તહેવારો ને સંપૂર્ણ આદરથી ઉજવીએ છીએ એવુ માનીને કે માનવતા એ સૌથી મોટો ધર્મ છે અને ઈશ્વર કોઈપણ સ્વરુપે હોય તેમના આશીર્વાદથી સૌનુ કલ્યાણ જ થતુ હોય છે.! વળી અમારા વ્યવસાયમાં બાળકની નિર્દોષતા જ આવા તમામ ધર્મોના વાડા-સીમાડા તોડી નાખે છે.! એ નાનાકડા ભગવાનને ખુશ કરી અને તેનુ દર્દ ગાયબ કરો એ ચારધામ ની ડીલક્સ ટૂર જ છે !

નાતાલના તહેવારની ઉજવણી દરેક સ્થળે થાય તેમ અમારા પી.આઈ.સી.યુ. માં પણ આયોજીત કરી. આ માટે બેથલેહામ ગામનો જીસસ ના જન્મ સમયનુ આબેહુબ વાતાવરણ દર્શાવતો નાનો સેટ અમે ઉભો કર્યો. મધર મેરીના હાથમા નાના જીસસ ની મૂર્તિનુ એ દ્રશ્ય માતૃત્વની જીવંત પ્રતિમા ખડી કરતુ હતુ. આ સમયે આઈ.સી.યુ માં દર્દીના કક્ષની બાહરના ખુલ્લા ભાગમાં ફૂગ્ગા-રીબન વિ. લગાવી પી.આઈ.સી.યુ. ને પણ ઉત્સવના વાતાવરણમાં રંગી નાખ્યુ. આ કાર્યમાં રેની, ડેન્સી, સુનિથા જેવી નર્સીસ અને અમારા ડોકટરો સાન્ડ્રા વિ. એ ખાસ જહેમત ઉઠાવી. રેની એ અમારા નર્સીસ સ્ટાફની એક ચબરાક યુવા નર્સ હતી.

દુબળી – પાતળી એવી આ કેરાલી યુવતી ને ગુસ્સો હંમેશા નાક પર જ રહેતો.! જો કોઈ કામ બરોબર ન થતુ તો હંમેશા આયાબેનો-સ્વીપરો-ગાર્ડ- કેંટીન બોય વિ.નુ આવી બનતુ. માતા-પિતા પણ દવા દેવામાં ગડબડ કરે કે થોડુ ઘણુ અયોગ્ય વર્તન કરે તો ખલાસ..! પરંતું કામ અને ફરજ પ્રત્યે તેની સમર્પિતતા માટે કંઈ કહેવાપણુ ન હતુ. રેની ડ્યુટી પર હોય તો બાળકોને ખૂબ સરસ સાચવતી. બાળક્ને સ્પંજબાથ- વાળ ઓળી દેવા કે તૈયાર કરવાની તેની ઢબ ઘણી વાર માતા-પિતાને પણ અચંબામાં નાખી દેતી. જો બાળક ક્યારેક નખરા કરે તો રેની તેને પણ નાજુક-ખોટા ગુસ્સાથી સમજાવી લેતી!

ક્રિસ્મસના આવા શુભ દિને કન્નડ બોલતુ એક બેંગ્લોરી દંપતિ તેમના 2 વર્ષના પુત્રને લઈ દોડતા આવ્યા. બાળક ખૂબ ગંભીર હાલતમાં હતુ. ન્યુમોનીયા થવાથી તેના ફેફસા ધમણની જેમ શ્વાસ લઈ રહ્યા હતા. શરીરમાં ઓક્સીજનનુ પ્રમાણ ભયજનક રીતે ઓછુ હતુ. બાળકને તાત્કાલીક કૃત્રિમ શ્વાચ્છોશ્વાસના મશીન- વેન્ટીલેટર પર લઈ લેવુ પડ્યુ. વેન્ટીલેટર પર ઘણા બાળ દર્દીને મૂકીએ ત્યારે મશીન બાહરથી એક નિર્ધારીત દર પર શ્વાચ્છોશ્વાસ કરાવે છે જેમાં બાળક ને પોતાને કોઈ કાર્ય કરવાનુ રહેતુ નથી. વળી ઘણી વાર જો બાળક ની પોતાની શ્વાસોચ્છશ્વાસની ક્રિયા મશીનના કાર્યમાં અવરોધક બનતી હોય તો ટૂંકા ગાળા માટે દવાઓ દ્વારા બાળક્ને સુવડાવી દઈ શાંત રહે તે જરુરી બને છે. વળી આવી દવાઓ દર્દશામક પણ હોય છે આથી બેવડો ફાયદો થતો હોય છે.

આ બાળક પિયુષને પણ અમે આવી દવા આપી તેનુ શ્વસન વ્યવસ્થિત કર્યુ. પિયુષની હાલત ઘણી ગંભીર હતી તેને થયેલ ન્યુમોનીયા ખૂબ ગંભીર પ્રકારનો હતો જેમાં ફેફસા ફરતેની સપાટી પર પરુ જમા થઈ ગયેલ હોઈ બે નાના ઓપરેશન અમારે તાત્કાલિક કરવા પડ્યા. પિયુષ હવે જીવન રક્ષક દવાઓ અને એંટીબાયોટીક દવાઓ ના સહારે કૃત્રિમ શ્વાસોચ્છશ્વાસ પર સ્થિર થઈ ટકી રહ્યો હતો. સમયના કાંટે આ જીવન મરણના જંગમાં અમે સહુ કોઈ આ બાળક માટે દુઆ માંગી રહ્યા હતા. બાળકની માતા બે હાથ જોડીને ઉભા હતા તો રેનીનો હાથ ગળામાં પહેરેલા ક્રોસ પર થી હટતો ન હતો!

આમને આમ એક પછી એક દિવસો પસાર થતા ગયા પિયુષની હાલત  સ્થિર હતી વધુ બગડી ન હતી. અમે તેના માતા- પિતાને થોડા સમય માટે ઘરે આરામ માટે ખાસ વિનંતી કરી મોકલી આપતા. આખરે ચાર દિવસે પિયુષની હાલતમાં નિશ્ચિત સુધારો જોવા મળ્યો. તેનો ન્યુમોનીયા હવે સુધારા પર હતો. તેની કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ પરની નિર્ભરતા હવે ઘટતી જતી હતી. આથી અમે હવે ધીરે-ધીરે નિયમાનુસાર ક્રમબધ્ધ રીતે તેને વેંટીલેટર પર થી દૂર કરી તેના પોતાના શ્વાસ પર લઈ જવાનુ કાઉન્ટ ડાઉન ચાલુ કર્યુ.

આ માટે સૌથી પહેલા વેન્ટીલેટર પરના જુદા-જુદા પેરામીટર ઘટાડ્યા. ત્યારબાદ પિયુષને અપાતી પેલી સુવડાવવાની દવા ઘટાડવાનુ શરુ કર્યુ. પરંતુ હજુ પણ ચોવીસ કલાક સુધી તેને વેન્ટીલેટર પર રાખી સારવાર આપવી જરુરી હતુ. આ તરફ પિયુષ અમારી ધારણા કરતા વધુ ઝડપથી હોશમાં આવી હલન ચલન કરવા લાગ્યો. જેથી તેને વેન્ટીલેટર પર રાખવામાં જોખમ વધુ હતુ સિવાય કે તે શાંત થાય અને સુઈ રહે. પરંતુ કોઈપણ બાળક આ પરિસ્થિતિમાં શાંત થાય તે અશક્ય હતુ. અમે તેના માતા પિતાને તેના બેડ પર બેસવા કહ્યુ.

પિયુષ થોડો શાંત થયો પણ વારંવાર હાથ લાંબા કરી બોલવા પ્રયત્ન કરતો. વેન્ટીલેટર પર મૂકેલા બાળકમાં શ્વાસનળીમાં એક પ્લાસ્ટીકની નળી નાખેલી હોય છે જેના દ્વારા બહારથી ફેફસામાં શ્વાસ દાખલ કરાય છે. પરંતુ આવુ બાળક આ નળી હોવાથી બોલી શકતુ નથી. અતહીં પણ પિયુષ શું કહેવા મથી રહ્યો હતો તે સમજવુ અશક્ય હતુ. તેના માતા- પિતા પણ સમજી શકતા ન હતા. આમ જો બાળક વારંવાર હલન ચલન કરતો રહે તો તેને ફરી સુવડાવવો જ પડે. આ માટે જો વધુ દવા આપવામાં આવે તો પછી કદાચ આ દવાની અસર હેઠળ જ્યારે મશીન દૂર કરીએ ત્યારે પણ પિયુષ પોતાનો શ્વાસ જ ન લઈ શકે આથી અમે વધુ માત્રામાં દવા આપવાથી ડરતા હતા. વારંવાર થોડી માત્રામાં દવા તો પણ આપવી જ પડી પણ જ્યારે પણ દવાની અસર ઓછી થાય પિયુષ જાગી જાય અને હાથ લાંબા કરી રોવા માંડે !!

શું કરવુ સમજ પડે નહી.! જેમ તેમ રાત પડી સવારે તો પિયુષને વેન્ટીલેટર પરથી દૂર કરી દેવાનો હતો ! મારી ડ્યુટી પૂરી થતા હું ચાલ્યો ગયો. સવાર પડતા પાછો આવ્યો ત્યારે પિયુષ વિશે અજંપો લઈ હું હોસ્પીટલમાં દાખલ થયો. પી.આઈ.સી.યુ માં જોયુ તો એક હાસ્યનુ મોજુ ફરી રહ્યુ હતુ. પિયુષ વેન્ટીલેટર પરજ આંખ ખોલી શાતિ થી પડ્યો હતો. બાજુમાં બે ત્રણ ફૂગ્ગા હતા અને રીબન પડી હતી.! નર્સ રેની મને જોઈ કહ્યુ સરપ્રાઈઝ ડોકટર ! મને પણ આ ચમત્કાર નુ રહસ્ય ન સમજાયુ .

ખેર પિયુષ સારો હતો એટલે તેને વેંટીલેટર પર થી દૂર કરી શક્યા. વળી આખી રાત પિયુષ શાંતિથી સુઈ રહ્યો હતો અને દવાની માત્રાની ખૂબ ઓછી જરુર પડી હતી એટલે કોઈ જોખમ ન હતુ. વાત જાણે કે એમ બની કે રાત્રે રેની સીસ્ટરની ડ્યૂટી હતી. પિયુષ જાગીને પહેલાની માફક જ્યારે રોવા અને ધમાચકડી કરવા લાગ્યો ત્યારે રેની એ વિચાર કર્યો કે આ બાળક કંઈ માગી રહ્યો છે. બાળકને આસપાસની દરેક વસ્તુ દેખાડી રેનીએ પૂછી જોયુ પણ વાત ન બની રેની પણ થાકી. ત્યારે શાંતિથી બાળકની જગ્યાએથી જોતા તરત બત્તી ઝબકી કે બાળક તો પી.આઈ.સી.યુ ની ગ્લાસ વિન્ડો માંથી સામેના વેઈટીંગ કોરીડોર માં ક્રિસમસ આયોજન માટે લટકાવેલા ફૂગ્ગા માગી રહ્યો છે!!. બસ ટેબલ પર ચડી પોતાની જાતે ફૂગ્ગા તોડી લાવી રેની અને પિયુષ શાંતિથી ઉંઘ્યો !!

31 ડીસેમ્બરનો દિવસ હોવાથી લોકો કાલે સાન્તાક્લોસ આવશે તેવી વાતો બાળકોને કરી રહ્યા હતા. હું પણ વિચાર કરતો કે શું સાંતાક્લોસ ભારતમાં પણ આવતા હશે ? અને આવતા હશે તો કેવા હશે ? શું એકાદ દિવસ વહેલા આવી જતા હશે ?