માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સંજીવની - ગુપ્તદાનનું આદર્શ ઉદાહરણ

વાત છે લગભગ ઈસ. 1999 ની બાળરોગવિભાગમાં ત્યારે હું રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. 6 માસના એક શિશુને ખેંચ આવવાથી ગંભીર હાલતમાં દાખલ કરાયેલ. પ્ર્રારંભિક સારવાર અને દવાઓ થી તેને થોડી રાહત થઈ પરંતુ મગજ ના અંદર ના ભાગે ક્યાંક લોહી વહેવા થી આવું બન્યુ હોય તેવી સંભાવના પ્રબળ હતી. મગજમાં લોહીના જમા થવાથી મગજ પર ભારે દબાણ ની સ્થિતી સર્જાઈ હતી જે આ શિશુના શ્વાસોચ્છવાસ અને હ્રદયના ધબકારાને પણ અનિયંત્રીત કરી રહી હતી. લાંબો સમય આ પરિસ્થિતી રહે તો જીવનું જોખમ સો ટકા હતું. શિશુનુ આ પરિસ્થિતીમાં નિદાન માટે સી.ટી.સ્કેન (મગજનો અંદરનો એક્સ રે) કરી જોવું ખૂબ જરુરી હતુ.

મગજના નિષ્ણાત સર્જનો અમુક ખાસ પ્રકાર ની સર્જરી – ઓપરેશન કરી મગજ પર દબાણ લાવતુ આ બિનજરુરી લોહી દૂર કરે તો શિશુનો જીવ બચાવી શકાય તેમ હતુ.

કમનસીબે હોસ્પીટલનું સી.ટી.સ્કેન મશીન કોઈ યાંત્રિક ખામીને લીધે બંધ હતુ જે રીપેર થતા કદાચ કલાકો નીકળી જાય પણ અહીં તો જીવન મરણનો જંગ મિનિટો માં ખેલાઈ રહ્યો હતો.! શહેરના એક અન્ય સીટી સ્કેન સેંટર માં જો આ દર્દીને જલ્દીથી લઈ જવાય તો એ તપાસ શક્ય હતી પણ ખર્ચ હતો 1500 રૂ. !

અમારી હોસ્પીટલ માં ગરીબ દર્દીઓને સરકાર આ સેવા મફત પૂરી પાડતી હતી પણ પ્રાઈવેટ સેંટર માં તો દર્દીએ ખૂદ આ ખર્ચ કરવો રહ્યો. શિશુના માતા-પિતા ગામડેથી આવેલા ખેતમજૂર હતા જેમને કદાચ જો હોસ્પીટલમાં દર્દી માટે અપાતુ જમવાનું ન મળે તો બિચારા પાણી પીને ચલાવી લે તે હદે ગરીબ હતા.!પહેલીવાર દર્દીની સારવારમાં દવા અને દુઆ સાથે પૈસા પણ જરુરી છે તે સમજાઈ રહ્યુ હતુ.!!

આવા સમયે શું કરશું એ વોર્ડમાં હાજર ડોકટરો – નર્સો સહુ કોઈના ચહેરા પર ચિંતા લઈ આવ્યુ . અચાનક સહુને થોડા દિવસ પહેલા આવેલા કેટલાક મિત્રો યાદ આવ્યા જેમણે કોઈ દાનની જરુર હોય તો ફોન કરવા કહેલુ. ડૂબતો માણસ તણખલુ પણ પકડી લે તેમ અમે સૌએ તેમને ફોન જોડયો અને સમયની ગંભીરતાને જાણી બે મિત્રો તાત્કાલિક આવી પહોંચ્યા. મને એમ કે કોઈ શેઠીયા કે શ્રીમંત નબીરા હશે - થોડુ કાળુ નાણુ સારા કામમાં સફેદ કરશે! પણ સરપ્રાઈઝ ! આવેલા મિત્રોતો ખૂબ સાદા અને મધ્યમ વર્ગના નોકરીયાત માણસો હતા.!

આગલી પંદર મિનિટમાં સી.ટી.સ્કેનની અમારી જરુરીયાત પૂર્ણ થઈ – સર્જનો એ તેમનુ ભગીરથ ઓપરેશન કર્યુ. એ ગરીબ માતા- પિતાને  તેમનુ શિશુ સ્વર્ગના દ્વારેથી લગભગ ભગવાન ના હાજરાહજૂર દર્શન કરી પાછુ મળ્યુ.!! બીજે દિવસે ફરી પેલા મિત્રો આ શિશુને જોવા અને માતા-પિતાને અન્ય મદદ પહોંચાડવા આવ્યા ત્યારે મેં આ ગેબી મદદગારો વિશે પૂછપરછ આદરી અને મળેલી માહિતી ખરેખર અદભૂત હતી. આપને જણાવું તો- ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક શાખા જે જામનગર માં કાર્યરત છે તેના કર્મચારી મિત્રો (વર્ગ 1 થી 4 સુધીના તમામ) દર માસે પોતાના માસિક પગાર માંથી નાની રકમ એક દાન સ્વરુપે જમા કરે છે. આ એકત્રીત ભંડોળ ‘ સંજીવની ટ્રસ્ટ’ નામ હેઠળ ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે છે. આ ભંડોળમાં ઉમેરાય છે અનેક નામી – અનામી મિત્રોનો પણ ફાળો.. આ ટ્રસ્ટના રખેવાળ તરીકે મિત્રો – મહેન્દ્રસિંહ જાડેજા, યોગેશભાઈ વઢવાણીયા, સુનીલભાઈ ત્રિવેદી, કુમાર રાવલ અને જાગેશ ત્રિવેદી નિસ્વાર્થ સેવા આપે છે. ઘણી વખત રાત્રે પણ મદદ અર્થે દોડી આવે છે.!

જોકે આવુ દાન કાર્ય કદાચ ઘણી સંસ્થા કરે પણ જે વાત ‘સંજીવની ‘ ને અન્યથી અલગ બનાવે છે એ છે તેમની નિસ્વાર્થતા અને કોઈપણ અપેક્ષા વગરનુ દાન કાર્ય!. છેલ્લા 10 થી વધુ વર્ષોથી ગરીબ દર્દીને જરુરી દવા કે અન્ય તપાસ કે જે હોસ્પીટલમાં શક્ય ન હોય તે શહેર માં કે બહારગામ કોઈપણ સ્થળે સંજીવની સંસ્થાના મિત્રોની સહાયથી થાય છે તે વાતનો હું સાક્ષી છુ. પરંતુ આ લાખો રુપિયા ના દાન માટે આ સંસ્થાએ કોઈ પત્રિકા વહેંચી હોય કે અખબારો માં ફોટો કે નાની એવી પણ પ્રેસનોટ આપી હોય તે વાત મારા ધ્યાનમાં નથી!! નવાઈ લાગશે કે આ સંસ્થાએ પોતાનુ લેટરપેડ છપાવવાની પણ જરુરત નથી સમજી...!

સંજીવની સંસ્થાએ અદભૂત રીતે ગુપ્તદાન નો મહિમા જાળવ્યો છે. કદાચ આ લેખ ન લખુ તો હજુ પણ નગરના શહેરીઓ કે આમ આદમી કે જેણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંસ્થાનો લાભ લીધેલો હશે તેમને આ સંસ્થાનુ નામ પણ નહી ખબર પડે.!!કારણકે તેના નામની કોઈ તક્તી-બેનર કે ફોટો ક્યાંય લાગેલો નથી.!! સંસ્થાના મિત્રોની મનાઈ છતા, આ લેખન માત્ર મેં એ અનેક ગરીબદર્દીઓના આશીર્વાદ આ સંસ્થા સુધી પહોંચાડવા અને સમાજવતી નિસ્વાર્થભાવે કાર્યરત આ સંસ્થાનો આભાર માનવા કરેલ છે અને જો એટલુ પણ ન કરી શકીએ તો ખરેખર જામનગરને લાંછન લાગે....થેંક્યુ- ‘ સંજીવની ‘ !