માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

મમ્મીની મલકાતી દુનિયા...!

મિત્રો આજે વાત કરવાની છે એક જીવન સંધ્યામાં પણ દૈદીપ્યમાન એવા મમ્મીની !! એમની ઉંમર હાલ છે 78 વર્ષની ! બાળપણ માં એક સુશિક્ષિત પરિવારના મોટા સંતાન તરીકે ભણતરમાંથી કે એક ગૃહિણી તરીકે સંસાર ચલાવવામાંથી કે એક અંગ્રેજી શિક્ષક તરીકે બાળકોને ભણાવવામાંથી એમને ક્યારેય પોતાના માટે સમય ન મળ્યો. પણ આ બા રીટાયર થયા અને શરુ થઈ પોતાના શોખ માટે ની અને એક નિજાનંદની દુનિયા ...!!

73 વર્ષની વયે નાની પુત્રી એ પિંછી પકડાવી અને બાએ ચિત્રોમાં રંગ પૂર્યા અને એક નવુ ક્ષિતિજ ખૂલી ગયુ .!! પણ કેનવાસની દુનિયામાંથી એક દિન અચાનક ઘરના નકામા ગાભા –ચિંથરા અને વેસ્ટ મટીરીયલ નો ઉપયોગ કરી તેમણે એક ઢિંગલી બનાવી. બસ બાને એક નવા શોખની બારી ખુલી અને એમના કલ્પનાશીલ મનને જાણે કે પાંખો આવી બસ પછી તો બાને ઉઠતા-બેસતા ખાતા-પીતા પોતાની નવી ઢિંગલી ના જ વિચારો આવે. આઈસ્ક્રીમની સ્ટીકમાં એમને ઢિંગલીની છત્રી દેખાય તો થર્મોકોલના નાના મણકામાંથી ફુગ્ગાવાળાની ઢિંગલીના ફૂગ્ગા બનાવવાનુ સૂજી આવે ...! અને સર્જાઈ એક અનોખી શ્રેણી

જેમાં લોકસાહિત્યના પાત્રો થી લઈ મોર્ડન વિદેશી ફેશન શોની થીમ પણ હતી. મહાભારતના પાત્રો હોય કે લીયોનર્ડો ના ચિત્રોના અમર પાત્રો બાએ એને એટલીજ સાહજીકતા થી ન્યાય આપ્યો છે. એમના સ્ત્રી પાત્રોમાં કૃષ્ણભક્ત રાધા – અરેબીયન નાઈટસ્ની મોર્જીના –વાસણવાળી – સીંડ્રેલા- બાર્બી – ખેડુત સ્રી – નર્સ – રાસ રમતી ગોવાલણ – ચાઈનીઝ સ્ત્રી – પ્રેમમાં પડેલી છોકરી – સ્વેટર ગૂંથતી માતા જેવુ વૈવિધ્ય છે તો પુરુષ પાત્રો માં નાળિયેર વાળો –ચોકીદાર – ફરસા સાથે પરશુરામ – નારદજી – સાપ રમાડતો મદારી - જીવરામ જોષીના પાત્રો છકો મકો – નેતા વિ. છે. કુલ 200 થી વધુ આ ઢિંગલીઓમાં ઉડીને આંખે વળગે તેવી વાત છે બાની ચીવટતા અને પાત્રને લગતી નાનામાં નાની વસ્તુનુ ઝીણવટ ભર્યુ સર્જન. ઘણી ઢિંગલીઓમાં વિવિધ ભાવોનુ સર્જન કરવા એમણે લગાવેલ ‘ આઈડીયા’ પણ કમાલ છે ...!

આ બાનુ નામ છે શ્રીમતી માલવિકા બેન આર શાહ. એમણે અંગ્રેજી વિષય સાથે બી.એ.બીએડ કરેલુ છે . માલવિકાબેનની કલા યાત્રા નિહાળવાનો અને વાર્તાલાપનો સુંદર મોકો હાલ યોજાયેલા તેમના પ્રદર્શન – મમ્મીની મલકાતી દુનિયા દરમ્યાન મળ્યો . આશા રાખુ કે આપ સૌને પણ આ કલારસિક અને સર્જક બાનો પરીચય મળે ...!

બાનુ સરનામુ -

શ્રીમતી માલવિકા બેન આર શાહ

34 –રાજસુયા બંગ્લોઝ, રામદેવનગર, અમદાવાદ -15. (ગુજરાત )