માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

બાળ સારવારમાં બનતા રમૂજી પ્રસંગો

મિત્રો, બાળકોની સારવાર અમારે ખૂબ ગંભીરતાપૂર્વક કરવાની હોય છે પરંતુ આ દરમ્યાન કયારેક ખૂબ રમૂજી પ્રસંગો પણ બનતા હોય છે . આવાજ બે પ્રસંગો આજે રજૂ કરુ છુ આશા છે આપને પસંદ આવશે... !

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્ય્રાર્થી ઓને તપાસવા માટે જવાનુ થતુ. આ કાર્યક્રમ માં એક સૂત્રતા જળવાઈ રહે અને બાળકોની તપાસમાં કોઈ મુદ્દો રહીન જાય તે હેતુથી એક પ્રશ્ન સૂચિ વાળુ કાર્ડ પણ સાથે આપવામાં આવતુ. જેમાં બાળક્ને તપાસ અર્થે પૂછવાના પ્રશ્નોનુ લિસ્ટ રહેતુ અને સાથેના ખાલી ખાના માં ‘હા’ અથવા ‘ના’ લખવાની રહેતી. દા.ત. બાળકને સંડાસમાં કૃમિ (worms) આવે છે..રાત્રે બરોબર દેખાય છે ? વિ. જેવા સવાલો. અને જે બાળકોમાં તક્લીફ જણાય તેને એ માટે સારવાર આપવાની રહેતી. મારી હાજરી માં એક વખત અમારા ઈન્ટર્ન ડોક્ટરો માંનો એક બિહારી મિત્ર કે જેને ગુજરાતી બોલવાના થોડા ફાંફા પડતા એ પણ આ પ્રશ્ન સૂચિ પોતાની રીતે પૂરી કરતો !! એ દરમ્યાન એક બાળક ને તપાસ માટે લાવવામાં આવ્યો અને અમારા બિહારી મિત્રએ તેને સવાલો પૂછવાનુ ચાલુ કર્યુ અને આખરે તે પેલા સવાલ પર આવ્યો કે બાળકને સંડાસમાં કૃમિ (worms) આવે છે પણ ભાષા તકલીફ ને લીધે એ કૃમિ શબ્દનું યોગ્ય ભાષાંતર ન વિચારી શક્યો. પણ પ્રયત્ન કરી ને તેણે જેમ તેમ પૂછ્યુ “બેટા, સંડાસ માં જનાવર આવે છે ?” !! બસ થોડી મિનિટ શાંતિ છવાઈ ગઈ તપાસ અર્થે લવાયેલ બાળક કંઈ ઉંડા વિચારમાં ખોવાઈ ગયો!! થોડી મિનિટ પછી એણે ખૂબ ગંભીરતા સાથે કહ્યુ “ સાહેબ , એ તો કોઈ દહાડો જો ભૂલ થી આંક્ડીયો (door stopper) દેવાનુ રહી ગયુ હોય તો કૂતરા આવી જાય છે .....!!!“

એક દરબાર દંપતિ ના ઘેર મોટી ઉમરે પારણુ બંધાયુ. અને ‘ખોટનો દીકરો’ એટલે મા-બાપ તરીકે બિચારા ખૂબ ચિંતા કરી મૂકે !! . નાના બાળકને કંઈ પણ અજૂગતુ લાગે કે બંને દોડીને ગમે ત્યારે હોસ્પિટલ દોડી આવે અને હાંફળા-ફાંફળા થઈ જાય. મોટા ભાગના કિસ્સામાં બાળક સાજુ નરવુ જ હોય માત્ર ચિંતાને લીધે સામાન્ય શારીરીક ફેરફારો ને પણ ખૂબ ગંભીરતા થી દેખાડવા પહોંચી જતા. વિકાસ પામતા નાના બાળકોમાં કયારેક કપાળ કે માથાનો ભાગ અન્ય ભાગ કરતા થોડો વધુ ગરમ લાગતો હોવો એક સામાન્ય ઘટના ગણી શકાય, જો શરીરનુ તાપમાન એ વખતે સામાન્ય રેકોર્ડ થાય. આ બાળકને પણ એકવાર કપાળ ગરમ લાગવાથી તપાસ અર્થે લાવવામાં આવ્યુ . તપાસમાં બાળક નોર્મલ જણાયુ એટલે ઘેર મોકલી ધ્યાન રાખવા અને તાવ આવે તો આવવા કહ્યુ. બીજે દિવસે ફરી એજ ઘટનાનુ પુનરાવર્તન થયુ. ત્રીજે અને ચોથે દિવસે પણ ફરી બન્યુ.. દરેક વખતે ફરજ પરનો ડોકટર શાંતિ થી સમજાવે તો પણ આ ક્રિયાનુ પુનરાવર્તન થયે રાખે અને તે પણ ખૂબ ચિંતા સાથે ... હવે આ દંપતિ ને આ એક નોર્મલ શારીરીક – દેહધાર્મિક ક્રિયા(physilogy) છે તે સમજાવવાનુ મારા ભાગે આવ્યુ. પાંચમા દિવસે જ્યારે ફરી એજ સવાલ સાથે માતા-પિતા આવ્યા ત્યારે મેં નિરાતે ફરી બાળક તપાસ્યુ અને બધી પૂછ્પરછ કરી. થર્મોમીટર નોર્મલ તાપમાન બતાવે ને દરબાર દંપતિ બિચારા ચિંતા કરી ને દુઃખી થાય!! મેં ખૂબ ગંભીરતાપૂર્વક પૂછ્યુ ઘરમાં કોઈ ગરમ મગજનુ છે ? બસ પછીની દસ મિનિટ એ બહેને ભોળા ભાવે દરબાર પરિવારની યશો ગાથા અને ગુસ્સા ગાથા કરી અને તેના પિતા જ ગરમ મગજ ના છે તે કહ્યુ !!! પછી મેં કહ્યુ “ હવે બરોબર છે, ઘરમાં જો આટલા બધા ગરમ મગજ ના હોય તો બાળક્ને વારસામાં આવેજ ને “ !!! બંને માતા- પિતા આ વાત સાથે સહમત થઈ ગયા. એમને ખૂબ શાંતિ થઈ. અને પછી મેં સમજાવ્યુ કે “ બાપુ મગજ ગરમ તો દરબાર છે તો રહેવાનુ જ છે હવે જો ડીલ (શરીર ) ધગે તો ચિંતા કરજો” !! અને બતાવવા આવજો . બસ પછી બાપુ ખરેખર તાવ આવે તો જ બતાવવા આવતા. અને જ્યારે મળે તો કહે કે “સાહેબ દરબારોને તમે એક જ ડોકટર નિદાન કરી શકો છો...!! “