માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

એક સવાલ – મને દુઃખી કરે છે

વિશ્વ મહિલા દિને અનેક ઉજવણી થઈ રહી છે ત્યારે સહુ સ્ત્રીઓને હાર્દિક અભિનંદન ! કદાચ આપણે બને એટલો આ દિવસ ઉજવી શકાય તેટલો ઉજવી લેવો જોઈએ કારણકે જે ઝડપે સ્રી સંખ્યા ઘટી રહી છે કદાચ આ દિન થોડા દિવસ પછી ઉજવવાની જરુરત નહી રહે !! પુરુષો જ પુરુષો હોય ત્યાં વળી કેવો મહિલાદિન !! ખેર આ બહુ ચવાઈ ગયેલી પણ ન મનાતી વાતો છે. પણ દુઃખ સાથે કહેવુ પડે કે તે સત્ય છે.

એક બાળ રોગ નિષ્ણાંત તરીકે અનેક ડિલિવરી સમયે નવજાત શિશુ નિષ્ણાત તરીકે હાજર રહેવુ પડે છે. શિશુના જન્મ પછી તેને પ્રથમ પાંચ મિનિટમાં શ્વાસ લેતુ થવામાં મદદરુપ થવુ અને જો ન લઈ શકે તો કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપી જીવ બચાવવાનુ ભગીરથ કાર્ય કરવાની જવાબદારી અદા કરવાનું આ કાર્ય ખરેખર અઘરુ અને ખૂબ અનુભવ માંગી લે તેવુ હોય છે.

આવી અનેક ડિલિવરી અને સિઝેરીયન સેક્શન પછી શિશુની પ્રથમ પળો જ્યારે વ્યવસ્થિત રીતે સચવાઈ જાય અને બધું નોર્મલ બને પછી આવા બાળકને હું સૌથી પ્રથમ તેની માતાને બતાવું છું અને માતા અને શિશુના પ્રથમ અરસ પરસના મિલન નો અવર્ણનીય આનંદનો હું સાક્ષી બનું છું. માતાઓ બદલાય છે કોઈ યુવાન હોય છે તો કોઈ મીડલ એઈજ ક્યારેક કોઈને લગ્નના થોડા વર્ષોમાં સંતાન સુખ મળેલુ હોય છે તો ક્યારેક વર્ષોની તપ્સ્યા રંગ લાવી હોય છે . આ બધા જયારે શિશુ ને જોવે ત્યારે આંખ માંથી હરખની હેલી દરેકને પ્રગટે છે પરંતુ તરત પછી દરેક જનેતાનો એક જ સવાલ હોય છે ‘’ સાહેબ શું આવ્યુ ...!! ?”

ઘણી માતાઓ આમાં એવી પણ હોય છે જેમને વંધ્યત્વ (infertility) માટે લાંબા સમય પછી અનેક દવાઓ અને સારવાર પછી આ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હોય છે. ત્યારે પણ સાહેબ શિશુની તબીયત કેવી છે કે વજન કેટલુ છે કે કોઈ તકલીફ તો નથીને ?? જેવા સામાન્ય રીતે ઉદભવતા સવાલોને બદલે બાબો છે કે બેબી તે જાણવાનો જનેતાનો પ્રશ્ન આપણા સમાજનું પુરુષ જાતિ માટેનું આકર્ષણ કેટલી હદનું છે તે સૂચવે છે. બસ મારે આવું કેમ છે અને શા માટે છે કે શું કરવું જોઈએ તે નથી કહેવુ કારણકે તેના વિશે બધાને ખબર છે અને કદાચ ખૂબ કાગળો ભરાઈ જ ચૂક્યા છે.

મારે તો માત્ર આપણા સમાજ ને વિનંતી કરવી છે કે હવે બસ કરો ...! જે સ્ત્રી સંતાન ને ગર્ભમાં રાખી પોષે છે શું તેને પોતાના જીગરના ટૂકડા ના આરોગ્ય કરતા તેની જાતિ પૂછતી જ રાખશું??