માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નાની બેદરકારી જ્યારે જાન લેવા બને છે..

નવજાત શિશુ એક કોમળ ફૂલ જેવા હોય છે અને માતા-પિતાનુ જરાક બેધ્યાનપણુ કે અજ્ઞાનતા તેને પળવારમાં મુરઝાવી શકે છે. નવજાત શિશુની આવશ્યક સંભાળ માં ખાસ ધ્યાન આપવુ જરુરી છે. પરંતુ ક્યારેક કપડા- વસ્ત્રોની પસંદગી અને પહેરાવવાની વિધિને પણ ખૂબ ધ્યાનથી કરવાની જરુર છે. આજે એવા એક તાજા બનેલા પ્રસંગની વાત કરવી છે જે સાંભળી ને આપના રુંવાટા ચોક્કસ ખડા થઈ જશે પરંતુ જો ધ્યાન ન રખાય તો એ ઘટના આપના ઘર-પરિવાર પણ થઈ શકે!!

એક મધ્યમ વર્ગીય પરિવારના ઘેર એક તંદુરસ્ત શિશુનો જન્મ થયો. પેંડા વહેંચાયા અને ખુશીનો પાર ન રહ્યો. પ્રથમ વખત શિશુ જન્મથી આનંદિત થયેલા આ પરિવાર માં શરુઆતી ત્રણ દિવસ તો પળવારમાં વિતી ગયા. ચોથા દિવસે બાળક્ના નવા વસ્ત્રોમાંથી પસંદગી કરી નવો જ સેટ પહેરાવાયો. હાથ-પગમાં નવા મોજાનો સેટ પહેરાવાયો. બાળક નવા વસ્ત્રોમાં ખૂબ સુંદર દેખાતુ હતુ એટલે નજર ન લાગે તેનો ટીકો પણ લગાવાયો. પણ સાંજ પડતા સુધીમાં બાળક ખૂબ રડવા લાગ્યુ. પ્રમાણમાં ઓછુ ભણેલા મા-બાપ બાળકને શાંત કરવા શું કરવુ વિચારવા લાગ્યા. જેટલા મોં એટલી વાત..! શિશુ ભૂખ્યુ હશે તેમ જાણી ધવડાવી જોયુૢ શિશુને પેટમાં ચૂક આવતી હશે તેમ માની ચૂકના ટીપા પીવડાવ્યાૢ શિશુ ને ગેસ થયો હશે તેમ જાણી ખભે રાખી થાબડી જોયુ પણ પરિણામ શૂન્ય ! હવે શું કરવુ તે સમજ માં ન આવી રહ્યુ હતુ અને શિશુ વચ્ચે રડી રડી થાકીને સૂઈ જતુ અને વળી ઉઠીને રડવા લાગતુ.!!


હવે માતા-પિતાને લાગ્યુ કે કદાચ ગરમી થતી હશે. એટલે ગરમી દૂર કરવા નવડાવવાનુ નક્કી કર્યુ ! અને આમ કરતા બાળકનુ હાથનુ મોજુ જરા પલળી ગયુ એટલે મોજુ બદલાવવા દોરી ખોલીને કાઢવામા આવ્યુ અને માતા પિતાએ જે જોયુ તે જોઈ એમના હોશ ઉડી ગયા.! એમના શિશુનો મોજામાં રહેલો હાથ સૂજીને લાલ થઈ ગયેલ અને કાંડાનો ભાગ કાળો પડી ગયેલ.! તાબડતોબ સારવાર માટે લઈ જવાયુ....વાત જાણે એવી હતી કે હાથમોજામાં મોજા બાંધવા દોરી આવતી હોય છે જે સામાન્યતઃ ખૂબ ઢીલી બાંધવી જોઈએ અથવા આવા મોજા ન વાપરવા જોઈએ.

પરંતુ આ શિશુને ભૂલથી દોરી થોડી વધુ બંધાઈ ગઈ હતી અને દોરીના દબાણથી હાથના કાંડાના ભાગમાંથી પસાર થતી લોહીની ધમનીમાં લોહીનુ પરિભ્રમણ અટકી ગયુ. જેથી હાથના પંજા અને આંગળાના ભાગને પહોંચતુ તાજુ લોહી અટકી ગયુ. લાંબો સમય આ પરિસ્થિતી રહેવાથી હાથના પંજા અને આંગળામાં કોશિકાઓ મૃત થવાનુ ચાલુ થયુ અને સોજો આવવાનો ચાલુ થયો.

શિશુએ રડી-રડીને માતા-પિતાને જાણ કરવાની કોશિશ કરી પણ જે પંજામાં આ બધુ બની રહ્યુ હતુ તે મોજા થી ઢંકાયેલુ હતુ. આથી માતા-પિતાને એ વિશે કદાચ ખબર પણ ન પડી અને તેમણે એ બધુ કર્યુ જે કોઈપણ સામાન્ય મા-બાપ કરે...! આવા કિસ્સા પ્રમાણમાં જૂજ બને છે. પરંતુ એ લાલબત્તી સમાન છે. આવુ સામાન્ય રીતે મેં પગના પંજામાં બનતુ જોયુ છે. આવા અકસ્માતો માં લોકો સામાન્યપણે મા-બાપને દોષી ગણે છે પરંતુ આને કદાચ અનુભવ હીન અજ્ઞાનતા અને સંજોગનો શિકાર જ ગણવો જોઈએ. ખૂબ ભણેલા પરિવારોમાં પણ આવા બનાવો જોયેલા છે.

આવા અકસ્માતો ટાળી શકાય છે તેના માટે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખો.

  1. નવજાત શિશુના કપડા હંમેશા સુતરાઉ (cotton) કાપડના પસંદ કરો. ડીઝાઈન કે સ્ટાઈલ કરતા શિશુને આરામદાયક વસ્ત્રો પસંદ કરવા. સજાવટ કરવા જીંદગી ઘણી પડી છે.!
  2. હંમેશા આગળ બટન વાળા કે વેલ્-ક્રો વાળા વસ્ત્રો નવજાત શિશુ માટે પસંદ કરવા. ટી-શર્ટ વિ. પહેરાવવામાં અઘરા પડે છે. બિન અનુભવી માતાને વધુ તકલીફ પડશે. ચેઈનવાળા વસ્રોમાં ઈજા પહોંચવનો ભય રહેલો છે.
  3. શિશુને તેના માપ-સાઈઝ મુજબ જ વસ્ત્રો પહેરાવો. વધુ મોટી સાઈઝ કે નાની સાઈઝ જોખમી છે.
  4. ગળામાં દોરી વિ. આવે તેવા વસ્ત્રો ટાળો કે ન લો. તે ખૂબ જોખમી છે.
  5. બટન વાળા વસ્ત્રોના બટન ટાઈટ અને નીકળી ન શકે તેવા હોવા જરુરી છે કારણકે કોઈ વખત બાળક બટન ગળી જઈ શકે છે.
  6. હાથ કે પગના મોજામાં દોરીને બદલે ઈલાસ્ટીક પસંદ કરો અને તે ખાસ ટાઈટ ન રહે તે જુઓ.
  7. વસ્ત્રોની પસંદગી ઋતુઅનુસાર કરો. વધુ સમય પહેરી રાખવા પડતા વસ્ત્રો જેમ કે હાથ કે પગના મોજા કે માથાની ટોપી સુતરાઉ હોયતો વધુ અનૂકૂળ રહેશે.
  8. લાંબો સમય બાળકને ડાઈપરમાં ન રાખી મૂકવુ.
  9. બાળક જો ખૂબ રડે કે રડવાનુ અજૂગતુ લાગે તો એક વખત બધા કપડા કાઢી જોઈ લેવુ ; ઘણી વાર કપડા ની તકલીફ, પરસેવો કે કોઈ જંતુના કરડી જવાથી પણ બાળક રડતુ હોઈ શકે.
  10. એકસામટા વધુ વસ્ત્રો ન લેવા કારણકે નવજાત શિશુનો શરુઆતી વિકાસ ખૂબ ઝડપી રહેશે.

આપની જરાક અમથી સાવધાની શિશુને ઘણા અકસ્માતો માંથી બચાવી લેશે.