માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ખરચુ

અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે. અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!

અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા!  પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ  પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!

આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ. પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ.

રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!

વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ  આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”.

પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!

અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!