માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

મેડીકલ પરિક્ષાઓમાં સર્જાતી રમૂજ

આમ તો એમ.બી.બી.એસ. પરિક્ષા આઈ.એ.એસ. સમક્ષ ગણાય છે અને વળી આમાં માનવીના તબીબી પરિક્ષણ નું પણ અઘરુ પ્રાયોગિક કાર્ય રહેલુ હોય તે જબરજસ્ત ટેન્શન લાવે છે. પરિક્ષાનું ટેન્શન અને કંઈક અંશે યુવાવયની શરુઆતી નિર્દોષતા ઘણી વાર આ અતિ ગંભીર માહોલમાં પણ હાસ્યના ફૂવારા છોડી દે છે... આજે પ્રસ્તુત છે આવા જ બે પ્રસંગો:

પ્રથમ એમ.બી.બી.એસ.નો એક મહત્વનો વિષય એટલે એનાટોમી (શરીર રચના શાસ્ત્ર) આમાં શરીરના અવયવોની આંતરીક રચના નું માઈક્રો સ્તરે અભ્યાસ કરવાના શાસ્ત્રને હિસ્ટોલોજી કહેવાય છે. જેમાં શરીરના અવયવનો એક નાનો છેદ માઈક્રોસ્કોપ થી પારખી તેનો અભ્યાસ કરવાનો હોય છે. આ ઘણી વાર અઘરુ બની જતુ હોય છે કારણ કે ઘણા અવયવોની આંતરીક રચના ઘણી વાર પ્રથમદર્શીય રીતે એક સરખી લાગે છે. આ વિષયની પરિક્ષામાં એક વાર એક વિદ્યાર્થીને એક અવયવનો છેદ માઈક્રોસ્કોપની મદદથી તપાસીને તે અવયવને ઓળખવાનું કહેવાયુ. વિદ્યાર્થી ઘણી મહેનત પછી પણ ઓળખી નશક્યો. આ વિદ્યાર્થીનુ મૂલ્યાંકન કરવાનું કાર્ય કરતા પરિક્ષક સાહેબ આ વિદ્યાશાખાના ખૂબ જૂના અને ઠરેલ વ્યક્તિ હતા. તેમને લાગ્યુ કે છોકરાને થોડી હિન્ટ આપવામાં આવે તો તે કદાચ ઓળખી શકશે. હવે આ વિદ્યાર્થીને આપવામાં આવેલ અવયવ કે જેને ઓળખવાનુ હતુ તે હતુ ગર્ભાશય(uterus). એટલે સાહેબે સ્ટુડન્ટને હિન્ટ આપી કે "આ એક એવું અવયવ છે જે તારામાં ય નથી ને મારામાં ય નથી ... !!! " વિદ્યાર્થીએ ફરીથી સ્લાઈડ તપાસી અને ખૂબ માથુ ખંજવાળ્યુ અને પછી એક જવાબ આપ્યો ...! અને એ સિનિયર પરિક્ષકે પણ જવાબ સાંભળી કહેવું પડ્યુ કે યાર તું પાસ નહિં થાય .. .! પરિક્ષા ખંડમાંથી બાહર નીકળ્યા પછી મિત્રો એ પૂછ્યુ કે શું થયું તો ચૂકરાએ જવાબ આપ્યો કે મેં કહ્યું "સાહેબ આ તો બ્રેઈન (મગજ) હોય તેવુ લાગે છે " ...પણ ખબર નહિં સાહેબ કેમ ભડકી ગયા ...!!

એકવાર બે પરિક્ષક એક વિદ્યાર્થીનીનું એક દર્દી પર પ્રોયોગિક પરિક્ષા અંગે મૂલ્યાંકન કરી રહ્યા હતા. વિદ્યાર્થીનિ નું પુસ્તકીય જ્ઞાન ઠીક-ઠીક હતુ. પરંતુ પ્રાયોગિક પરિક્ષણ જ્ઞાન (દા.ત. બીપી કેમ માપવુ વિ.) વિશેનું જ્ઞાન ખૂબ ઓછુ હતુ. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે લાઈબ્રેરીમાં બેસી પુસ્તકીયુ જ્ઞાન વધારીલેતા હોય છે પણ દર્દી પર જ્યારે પ્રેક્ટીકલી આજ વસ્તુની તપાસ કરવાનું કહેવાય ત્યારે ગેં-ગેં-ફે-ફે થઈ જતા હોય છે. કદાચ એ તેમના પ્રાયોગિક પરિક્ષણ પ્રત્યેના દુર્લક્ષ થી બને છે. હવે આ પરિક્ષક સાહેબો પણ આ વિદ્યાર્થીનિ પર નારાજ થયા પણ એક માયાળુ સાહેબે વળી પ્રેમથી સમજાવવાનું ચાલુ કર્યુ કે જો બેટા પુસ્તકમાં લખ્યુ હોય તે તો વાંચવાથી આવડી જશે પણ પ્રયોગિક જ્ઞાન માત્ર વોર્ડમાં જઈ દર્દી તપાસવાની તાલીમ અને મહાવરો લેવાથી જ આવડી જશે અને જીંદગીમાં આગળ ઉપર એ ખૂબ કામ લાગશે..! બીજા સાહેબને લાગ્યુ કે આ ફાઈનલ પરિક્ષા છે હવે શિખામણ નો શો અર્થ ૵ એટલે તેમણે કહ્યુ સાહેબ હવે સગાઈ થઈ ગયા પછી દીકરીને રોટલી કેમ બનાવવાની કહેવાથી શો ફાયદો ...! પેલી વિદ્યાર્થીનિ આ સાંભળી થોડી શરમાઈ એણે નીચે જોઈ અને પગના નખથી જમીન કોતરતા કોતરતા હળવેથી કહ્યુ સાહેબ મારા તો લગન પણ થઈ ગ્યા છે...! અને પરિક્ષક સાહેબો હસી હસી ને બેવડા વળી ગયા.