અધૂરા માસે થનારી ડીલીવરી માટે આગોતરુ આયોજન

(ધવલભાઈ- જામનગર નો પ્રશ્ન) મારી પત્ની ને સગર્ભાવસ્થાના આઠ માસ પૂર્ણ થયેલ છે પરંતુ પાણી ઘટી જવાથી તેને કોઈપણ સમયે સિઝેરીયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ છે તો આ સંજોગોમાં અધૂરામાસે શિશુનો જન્મ થાય તો શું કાળજી લેવી તે જણાવશો.

અમારો ઉત્તર- ખૂબ સુંદર, એક જાગૃત પિતાની એકદમ વાસ્તવિક ચિંતા છે. પ્રસુતિ પહેલા જો સગર્ભા સ્ત્રીને અધુરા સમયે – પ્રીમેચ્યોર(premature) ડીલીવરી થવાની સંભાવના હોયતો આવનાર શિશુનુ બચવુ  ખરેખર અઘરુ બની રહે છે. આનુ મૂળ કારણ અધૂરા માસે આવતા શિશુનો અપૂરતો શારીરીક વિકાસ હોય છે – કંઈક અંશે કાચો ઘડો કુંભારે વ્હેલો કાઢી લીધો હોય તેવુ ! આવા શિશુને ગર્ભાશયની બાહર દુનિયામાં જીવિત રહેવા માટે સૌ-પ્રથમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પડે છે અને તેને ટકાવી રાખવા પડે છે. ગર્ભાશયમાં આ કામ માની મેલી(placenta) કરતી હતી પણ દુનિયામાં હવે આ કાર્ય શિશુએ કરવુ પડશે. આ કાર્ય કદાચ પૂરતા માસના શિશુને માટે ખાસ મુશ્કેલ નથી પણ અપૂરતા માસે આવેલા શિશુને પોતાના અવિકસિત ફેફસા સાથે કરવુ એ કરીના કપૂરને અટકયા વગર પાંચ કિલોમીટર દોડવાનુ કહેવા બરાબર છે ! આ જ કાર્ય કરવામાં મોટા ભાગના શિશુ હાંફી જાય છે અને એ નાજુક જીવ જીવન દોડમાં હારી જાય છે.! મેડીકલ વિજ્ઞાનની પ્રગતિથી આવા શિશુને આધુનિક નવજાત શિશુ સઘન સારવાર દ્વારા આધુનિક મશીનો(ventilator) થી કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ(artificial respiration) આપી તેમનુ જીવન ટકાવી શકાય છે પરંતુ આ સગવડ બધે પ્રાપ્ય નથી-ખર્ચાળ છે અને તેનાથી પણ સંપૂર્ણ પણે બધા શિશુને બચાવવુ શક્ય નથી.!

 

અધૂરા માસે જન્મ થવાની સાથે શિશુને શરુઆતી સમયમાં બીજી પણ ઘણી તકલીફો પડી શકે છે. કારણકે શિશુની વિવિધ શારીરીક તંત્રિકા પ્રણાલિઓ પણ ઘણા અંશે અધૂરી વિકસીત હોય છે અને તેમની પૂર્ણ કાર્ય ક્ષમતાના અભાવે ઘણી શારીરીક તકલીફો પડી શકે. જેમ શિશુની સગર્ભાવસ્થાની વય વધુ તેમ તેની આ પ્રણાલિઓ વધુ વિકસીત થતી જાય છે. દા.ત. સાતમા માસે જન્મનાર શિશુ કરતા આઠમા માસે જન્મનાર શિશુની વિવિધ પ્રણાલિઓ વધુ સારી હશે પરંતુ તે પૂર્ણ 9 માસે જન્મનાર શિશુ કરતા તો ઓછી જ હશે...!

અધૂરા માસે જન્મતા શિશુઓ ને સામાન્ય રીતે પડતી તકલીફો નીચે મુજબ છે.

1. નબળા ફેફસા - ખાસ કરીને 'સરફેક્ટન્ટ દ્રવ્યની ખામી'

2. ઓછી રોગ પ્રતિકારક શક્તિ - ચેપ લાગવાની વધુ સંભાવના

3. મગજમાં લોહી સ્ત્રાવ થવાની વધુ સંભાવના

4. શરીરનું તાપમાન જાળવવાની અક્ષમતા

5. આંતરડામાં સોજો અને લોહી રિસાવ

6. શરીરમાં ગ્લુકોઝ અને કેલ્શ્યમ જેવા તત્વોનું પ્રમાણ ઘટવાની સંભાવનાઓ વધુ

7. જન્મ સમયે ગુંગળાવવાની વધુ સંભાવનાઓ

ઉપરોક્ત સંભાવિત જોખમોની સંભાવના જેમ ગર્ભાવસ્થામાં શિશુની ઉંમર વધુ તેમ ઓછી...

હવે જો કોઈ કારણ સર શિશુનો જન્મ અપૂર્ણ સગર્ભાવસ્થાએ થાય તો તેના માટે પહેલાથી કેટલીક તૈયારી કરી રાખવી પડશે.

કેટલાક અગત્યના કાર્યો અને નિર્ણયો જે કરવા જ રહ્યા....

1. સૌ પ્રથમ તો સ્ત્રી રોગ વિશેષજ્ઞ ને મળી પ્રસૂતિ ની સંભાવિત તારીખ નક્કી કરશો. સગર્ભાવસ્થા શક્ય બને તેટલી લાંબી ખેંચવાનો પ્રયત્ન વધુ તંદુરસ્ત શિશુ આપી શકે છે, પરંતુ ડીલીવરી ક્યારે કરવી અથવા કઈ રીતે (નોર્મલ કે સિઝેરીયન વિ.) કરાવવી તેનો  નિર્ણય માત્ર સ્ત્રી રોગ વિશેષજ્ઞ પર છોડી દો.

2. જેવી તારીખ નક્કી થાય કે તુરંત જ નવજાત શિશુ નિષ્ણાત કે બાળ આરોગ્ય નિષ્ણાત કે જેમને ત્યાં નવજાત શિશુ સઘન સારવાર(neonatal intensive care) માટે ઉપલબ્ધ સેવા અને સાધનો હોય તેમનો સંપર્ક કરશો. તેમની પાસે સંભવિત તારીખે ડીલીવરી સમયે હાજર રહેવા અને ત્યારબાદ શિશુને જરુરી સારવાર માટે તેમની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરી નક્કી કરો. (વાંચો નવજાત શિશુ નિષ્ણાત નું કુરુક્ષેત્ર)

3. જો આપના શહેરમાં આવુ નવજાત શિશુ સઘન સારવાર(neonatal intensive care) કેંદ્ર કે ડોક્ટર ઉપલબ્ધ ન હોય તો શક્ય હોય તો સગર્ભા સ્ત્રીને જ આવી સગવડતા ધરાવતી હોસ્પીટલ કે શહેર પર લઈ જઈ ને ત્યાં જ ડીલીવરી કરાવવી વધુ હિતાવહ છે. આને ગર્ભસ્થ પરિવહન કહે છે. ( વધુ વાંચો - ગર્ભસ્થ પરિવહન )

4. માતાને સંભવિત ડીલીવરી ના 48 કલાક પહેલા બે ડોઝ સ્ટીરોઈડ( બીટામીથાઝોન) 12 મિગ્રા 24 કલાક ના અંતરે આપવાથી ગર્ભસ્થશિશુના ફેફસાનો વિકાસ ઝડપી બને છે અને તેમની કાર્યક્ષમતા વધી જવા પામે છે. આવા શિશુનો પછી જો જન્મ અધૂરા માસે થાય તો પણ તેમની જીવિત રહેવાની અને યોગ્ય રીતે વિકાસની સંભાવના વધી જાય છે.આ પ્રકારની સારવાર ના બીજા પણ લાભ જોવા મળેલા છે જેમકે તેના થી અધૂરા માસે જન્મેલા શિશુની અન્ય તકલીફો જેમકે – આંતરડાનો સોજો (necrotizing enterocolitis)-આંખો માં રેટીના સંબધી બિમારી(retinopathy of prematurity) – મગજમાં રક્તસ્રાવ (Intracranial hemorrhage) વિ. ની સંભાવના પણ ઘટી જાય છે. આ પ્રકારની સારવાર જો યોગ્ય સ્વરુપે મર્યાદિત ધોરણે માત્ર ચોક્કસ જરુરી દર્દીને આપવામાં આવે તો શિશુને નુકશાનની સંભાવના લગભગ નહિવત છે અને ફાયદાની સંભાવના ખૂબ વધારે છે..! આમ આ પ્રકારની સ્ટીરોઈડથી થતી સારવારથી શિશુ માટે જીવિત રહેવાની આશા ઘણી બુલંદ બને છે. આ વાત હવે ઘણા પ્રાયોગીક પરીણામો ને અંતે સાબીત થયેલી છે અને નિર્વિવાદ છે. જો કે આ પ્રકાર ની સારવાર ઘણીવાર અતિશય અધૂરા માસે જન્મેલા કે ખૂબ ઓછા વજન વાળા કે સારવાર અપૂરતી રહી હોય તેવા શિશુમાં કારગત ન પણ નીવડે. બધા શિશુને આ સારવારની જરુર નથી હોતી- માત્ર સ્ત્રીરોગ નિષ્ણાતને જરુર જણાય તેમાં જ આ સારવાર નો પ્રયોગ કરવો જોઈએ. નિષ્ણાતની સલાહ વગર આ સારવારનો પ્રયોગ ન કરવો.

5. નવજાત શિશુ ને જન્મ પછી જો નવજાત શિશુ સઘન સારવાર(neonatal intensive care) કેંદ્ર પર ખસેડવુ પડે તો આ માટે જરુરી ઓક્સીજન- ટ્રાન્સપોર્ટ ઈન્ક્યુબેટર વિ. ધરાવતી એમ્બ્યુલન્સ વિ. નું આગોતરુ આયોજન કરી રાખો.

6. અધૂરા માસે આવતા શિશુ ને યોગ્ય સારવાર થી બચાવી શકાય છે પરંતુ ઘણી વખત આવી સારવાર ખૂબ ખર્ચાળ પણ હોય છે આવા સંજોગોમાં જરુરી આર્થિક આયોજન પણ કરી લેવુ જોઈએ. હવે ગુજરાતમાં ઘણા સરકારી કેન્દ્રો ખાસ કરીને મેડીકલ કોલેજો સાથે સંલગ્ન હોસ્પીટલોમાં આવી સઘન સારવાર વિના મૂલ્યે પણ ઉપલબ્ધ છે. જેનો ખાસ ખ્યાલ લઈ લાભ લઈ શકાય છે.

7. અધૂરા માસે જન્મેલા શિશુની આવી સઘન સારવાર ઘણી વાર લાંબી ( 7 દિવસ થી 1 માસ) પણ ચાલી શકે છે. આથી આ સમય દરમ્યાન આપની ઉપલબ્ધિ અને જરુરી રજાઓનું આગોતરુ આયોજન પણ કરી રાખવુ પડશે.