સગર્ભાવસ્થા અંગે વાચકમિત્રોના પ્રશ્નો

1.મનોજ ભાઈ (અમદાવાદથી) સગર્ભાવસ્થા દરમ્યાન સંભોગ કરી શકાય કે નહિ

ઉત્તર –- સગર્ભાવસ્થાને કુલ ત્રણ ત્રિમાસિક અવસ્થામાં વહેંચી શકાય. પ્રથમ ત્રિમાસિક તબક્કામાં સામાન્યતઃ એકાદ માસ બાદ માસિક ન આવવાથી આપને સગર્ભા હોવાની શંકા જશે અને તપાસ કરાવતા સગર્ભાવસ્થાનું નિદાન થશે. આ શરુઆતી તબક્કો ખૂબ નાજૂક અવસ્થા છે. આ દરમ્યાન ઘણા ખરા બહેનો ને ગર્ભપાતનુ જોખમ રહેલુ હોય છે. ગર્ભનું હજુ સ્થાપન થયુ હોય છે ત્યારે થોડા સમય માટે કોઈપણ ભારે કામ કે સ્કૂટર કે સાયકલ ચલાવવાનું પણ ઘણી વાર ગર્ભપાત નું કારણ બને છે.

આવા સમયે શારીરીક સંબંધ બાંધવાથી ઘણી વાર ગર્ભપાત થવાનું જોખમ વધી જાય છે. વળી જો અગાઉ કુદરતી કે આકસ્મિક ગર્ભપાત  થયેલો હોય તો આવુ બનવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે.

સગર્ભાવસ્થા ના બીજા ત્રિમાસિક તબક્કાને માતા અને ભાવિ શિશુ બન્ને માટે વધુ સલામત ગણી શકાય છે. આવા સમયે ગર્ભાશયનું મુખ બંધ હોય છે અને ગર્ભ પણ વ્યવસ્થિત સ્થાપિત ગણી શકાય છે. આ સમય દરમ્યાન સંભોગ કરવો શક્ય છે પરંતુ આ દરમ્યાન માતાના પેટ પર વજન ન આવે તે રીતે શારીરીક સંબંધ બાંધી શકાય. પત્ની ઉપર અને પતિ નીચે જેવા આસનો ઉપયોગી થઈ શકે. ભાવિ માતા પર વધુ શ્રમ ન પડે અને તેને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ.

સગર્ભાવસ્થા ના આખરી ત્રિમાસિક તબક્કા દરમ્યાન માતાનું પેટ ઘણુ મોટુ વિકસી ચૂક્યુ હોય છે. આથી આ વખતે પેટ પર દબાણ આવવાનું જોખમ ખૂબ વધી જાય છે. વળી આખરી ત્રિમાસિક તબક્કા દરમ્યાન સંભોગ થી અધૂરા માસે પ્રસૂતિ નું જોખમ વધી જાય છે. માતાને મૂત્ર માર્ગમાં ચેપ નું પણ જોખમ વધે છે. આથી શક્ય હોય ત્યાં સુધી આખરી ત્રણ માસ દરમ્યાન શારીરીક સંબંધ બાંધવો જોખમી ગણી શકાય.

સગર્ભાવસ્થા દરમ્યાન સંભોગ કે શારીરીક સંબંધ વિશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા આપના સ્ત્રી રોગ વિશેષજ્ઞની પાસે તપાસ કરાવી સલાહ લો અને તેને અનુસરો. ઘણી વખત સ્ત્રી શરીરના આંતરીક અવયવો ખાસ કરીને ગર્ભાશયની રચના અને સ્થિતિ જો નોર્મલ ન હોય તો આવી પરિસ્થિતી ગર્ભપાત કે અધૂરા મહિને કસૂવાવડ માટે જવાબદાર નિવડશે.

2.અરવિંદ ( વડોદરાથી) હાલ નવરાત્રી આવી રહી છે અને મારી સગર્ભા પત્ની ને ત્રીજો માસ જાય છે તેને ગરબાનો ખૂબ શોખ છે તો શું ગરબા ગાવા કે રમવા જઈ શકાય ?

ઉત્તર- આપણે ત્યાં નવરાત્રી ઉત્સાહ – આનંદ અને નૃત્ય સંગીતનું પર્વ છે. આ પર્વ દરમ્યાન નાના મોટા સહુ કોઈને તેમાં ભાગ લેવા જવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. સગર્ભાવસ્થા ઘણી વાર આવા સમયે બંધન રુપ પણ લાગે..! પણ નવરાત્રી માં સગર્ભા માતા માટે નીચે મુજબ જોખમો રહેલા છે.

1.નવરાત્રીના વિવિધ સ્ટેપ્સ કે વિવિધ મુદ્રાઓ કે ખૂબ પરસેવો પાડતી સ્ટાઈલ કરવાથી સગર્ભાવસ્થામાં ગર્ભપાતનું જોખમ વધી જાય છે. ખાસ કરીને પ્રથમ ત્રિમાસિક અને આખરી ત્રિમાસિક તબક્કામાં..

2.આ સિવાય ગરબે ઘૂમવાથી પડતા શ્રમ થી માતાને પણ વધુ તકલીફ પડે છે. ખાસ કરીને વધતા પેટથી જ્યારે ઉરોદર પટલ ઉપર તરફ ખસે છે ત્યારે શ્વાસ નો દર ઝડપી બને તેવી દરેક ક્રિયાઓ માતાને માટે અને તેના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ માટે જોખમી બને છે.

3.આવા સમયે પરસેવો પડતા વધુ પાણી અને ક્ષાર દ્રવ્યો શરીરમાંથી દૂર થાય છે જો તેની યોગ્ય આપૂર્તિ ન થાય તો સગર્ભા માતાને નુકશાન થાય છે.

4.નવરાત્રી દરમ્યાન ભીડમાં કોઈ નો ધક્કો લાગવાથી અક્સ્માતે નો માતા પડી જાય કે પેટ પર ઈજા પહોંચે તો ગર્ભને નુકશાન પહોંચી શકે છે.

5.નવરાત્રી દરમ્યાન ખૂબ ભીડ ભાડ નો માહોલ હોવાથી ધૂળ- ધૂમાડો વિ. શ્વાસમાં જવાનું અને ખાસ તો વાઈરલ ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. ઘણી વાર મોટા વોલ્યુમ થી વગાડાતા અવાજો થી પણ ગર્ભસ્થ શિશુને અસર થઈ શકે છે.

6.નવરાત્રીમાં મોડે સુધી જાગવાથી માતાના ઉંઘ અને આરામ જોખમાય છે આથી માતાના સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.

નિયંત્રીત રીતે થોડા સમય માટે ખાસ કરીને નવરાત્રી માત્ર જોઈને આનંદ માણવો વધુ હિતાવહ રહેશે.