માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

ટેસ્ટટ્યુબ બેબી

Image Description

નિઃસંતાનપણાની સારવારમાં ટેસ્ટટ્યુબ બેબી સારવારે અનેક દંપતિને ઘેર શેર માટીની ખોટ ભાંગી છે. ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિ આજે પહેલાના સમય ના 10 થી 12 ટકા ના સફળતા અંકને બદલે વધીને અંદાજે 50 ટકા થી વધુ કિસ્સામાં સફળ થાય છે.

આમ હવે વધુને વધુ નિઃસંતાન દંપતિઓ આ પધ્ધતિનો લાભ લઈ માતા-પિતા બનવાનો આનંદ લઈ શકે છે.

ડો. એડવર્ડ અને બ્રિટનના જ વિખ્યાત ગાયનેકોલોજીસ્ટ ડો.પેટ્રીક સ્ટેપ્ટોએ સંયુક્ત રુપે વર્ષો સુધી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન એટલે કે સરળ ભાષામાં કહીએ તો ટેસ્ટ ટ્યુબ બેબી માટેના પ્રયોગોને વાસ્તવિક જીવનમાં સફળ બનાવ્યા. એમના જ પ્રયાસો થી સફળતા પૂર્વક 25 જુલાઈ 1978ના રોજ લેસ્લી અને જોહન બ્રાઉનનું સંતાન પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે અવતર્યુ. બસ એ પછી 32 વર્ષથી અનેક યુગલોને ત્યાં આ પધ્ધતિએ સંતાનની ખોટ પૂરી કરી છે. ડો.પેટ્રીકનું 1988માં નિધન થયેલ આથી તેમના એક માત્ર જીવિત સાથી ડો. એડવર્ડ (પી.એચ.ડી.)ને આ વર્ષે 4 ઓક્ટોબર 2010ના રોજ મેડીસીન વિષયને લગતો નોબલ પુરસ્કાર એનાયત થયો. તેઓ હાલ કેમ્બ્રીજ યુનિવર્સિટી ખાતે એમીરટ્સ પ્રોફેસર તરીકે ખાસ ફરજ બજાવે છે.

ટેસ્ટ ટ્યુબ બેબી ની વૈજ્ઞાનિક પ્રક્રિયા વિશે સરળ સમજૂતી

આ પ્રક્રિયામાં માતાના અંડકોષને તેના શરીરની બાહર પ્રયોગ શાળાના નિયંત્રિત વાતાવરણ માં પિતામાંથી મળેલ શુક્રકોષ દ્વારા ફલિત કરાવવામાં આવે છે. અને તૈયાર થયેલ ફલિતાંડને પાછુ માતાના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. જ્યાં સ્થાપિત થયા બાદ માતા સગર્ભા બને છે અને શિશુનો વિકાસ અન્ય શિશુની જેમ કુદરતી રીતે માતાના ગર્ભમાં જ થાય છે.

અહિં ફલનની પ્રક્રિયા લેબોરેટરીની અંદર ટેસ્ટ ટ્યુબ કે પેટ્રી ડીશમાં થતી હોય તેનું પ્રચલિત નામ ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયા છે. જોકે હાલ મોટા ભાગની પ્રક્રિયા પેટ્રી ડીશમાં જ થાય છે.

ક્યારે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયા કરવી જરુરી બને ?

  • સ્ત્રીના કારણો
  • ફેલોપિયન ટ્યુબ ને સંલગ્ન તકલીફો
  • પુરુષના કારણો

વૈજ્ઞાનિક પ્રક્રિયા તબક્કાવાર

દવા દ્વારા અંડાશયમાં વધુ અંડકોષની ઉત્પતિ

અંડાશયમાંથી સામાન્ય રીતે પ્રતિ માસ માત્ર એક અંડકોષની ઉત્પતિ થાય છે જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબ પ્રક્રિયા સફળ બનાવવા એકથી વધુ અંડકોષની જરુર રહે છે. આ માટે માતાને કેટલીક દવાઓ અને ઈન્જેક્શન આપવામાં આવે છે. આ દવાઓની અસરથી અંડાશયમાં અનેક અંડકોષ પેદા થઈ ફલિત થવા યોગ્ય બને છે.

ઈન્જેક્શન દ્વારા અંડકોષ શરીરની બાહર કાઢવાની પ્રક્રિયા

આપના અંડાશયમાં જ્યારે અંડકોષો ફલિત થવાને યોગ્ય બની ચૂક્યા હશે ત્યારે ડોક્ટર આપને એક ખાસ ઈન્જેક્શન આપશે. જેના 36 કલાક બાદ આપને હોસ્પીટલમાં દાખલ કરી એક નાની સર્જિકલ પ્રક્રિયા દ્વારા આપના યોનિમાર્ગ વાટે એકથી વધુ અંડકોષ એક ખાસ ઈન્જેક્શન દ્વારા શરીરની બાહર ખેંચી કાઢવામાં આવે છે. જેને પછી એક ખાસ પ્રકારના રસાયણમાં લઈ અંડકોષ ફરતેના બિન જરુરી અન્ય કોષ દૂર કરાય છે.

અંડકોષ અને શુક્રકોષનું મિલન

એકત્રિત કરાયેલા અંડકોષ અને પિતામાંથી મેળવાયેલ શુક્રકોષનું મિલન લેબોરેટરીમાં એક ખાસ પેટ્રીડીશ માં અત્યંત નિયંત્રીત વાતાવરણમાં આધુનિક સાધનોની મદદ થી કરાય છે. આ પ્રક્રિયા થી અંડકોષનું ફલિનીકરણ થતા ફલિતાંડ સર્જાય છે. જે આગળ ઉપર જતા ભાવિ શિશુના ગર્ભમાં પરિણમવાનું છે. આવા એકથી વધુ ફલિતાંડ પેટ્રી ડીશમાં માનવ શરીરની બાહર સર્જાય છે. ઘણી વખત શુક્રકોષને ખાસ પ્રકારના માઈક્રોસ્કોપની નજર હેઠળ વિશિષ્ટ સાધન વડે અંડકોષમાં પ્રવેશ કરાવાય છે જેને Intra Cytoplasmic Sperm Injection અથવા ICSI કહેવાય છે. આવુ કરવાથી ફલિતાંડ - ગર્ભનું સર્જન વધુ સફળતાપૂર્વક કરી શકાય છે.

ફલિતાંડનું માતાના ગર્ભમાં સ્થાપન

ફલિતાંડ કે ભાવિગર્ભને હવે ખાસ પ્રક્રિયા દ્વારા માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરાય છે.

આ પછી આ સ્થાપિત ગર્ભ કુદરતી ગર્ભની માફક જ ગર્ભાશયમાં ઉછેર પામે છે. યોગ્ય સમયાંતરે (9 માસે) દંપતિ ને સંતાન પ્રાપ્તિ થાય છે. ઘણી વાર શરુઆતી તબક્કામાં કુદરતી ગર્ભધારણની સરખામણી એ ગર્ભપાત થવાનો કે અધૂરા મહિના પર ડીલીવરી થવાનો ભય “ટેસ્ટ ટ્યુબ બેબી”માં થોડો વધુ રહે છે. પરંતુ યોગ્ય તબીબી નિદર્શન અને દવાઓ દ્વારા મોટાભાગના દંપતિને સફળતા મળે છે.