માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

તાપમાન જાળવો

નવજાત શિશુનું તાપમાન જાળવો. ગર્ભાવસ્થામાં શિશુ માના ગર્ભમાં ગર્ભ જળ (amniotic fluid) માં તરતુ હોય છે. આ ગર્ભજળનું તાપમાન સામાન્યતઃ માતાના શારીરીક તાપમાન કરતા એક ડીગ્રી વધુ હોય છે. શિશુના વિકાસમાં આ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જેમ મરઘી પોતાના ઈંડાને સેવે તેમ જાણે કે ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં હૂંફ મેળવે છે. જન્મ પછી નવજાત શિશુને માતાના ગર્ભાશય જેવી હૂંફ ગુમાવી બાહ્ય દુનિયામાં આવવુ પડે છે જ્યાં સામાન્ય કે તેથી ઓછુ તાપમાન શિશુને માટે ગર્ભાશયની સાપેક્ષ ઘણુ ઠંડુ ગણી શકાય. જન્મ પછી ગર્ભાશય જેવી હૂંફ ન મેળવી શકવાથી કે ઠંડુ પડી જવાથી વિશ્વભરમાં અનેક નવજાત શિશુના મૃત્યુ થાય છે. આમ નવજાત શિશુનું તાપમાન જાળવવુ ખૂબ જરુરી છે.

નવજાત શિશુ તાપમાન કેવી રીતે ગુમાવે છે ?

  1. શરીર પરના પાણી ના બાષ્પીભવન થવાથી- દા.ત. જન્મ પછી .કે નવડાવ્યા પછી તરત શિશુને જો કોરુ કરવામાં ન આવે તો
  2. ઠંડી સપાટી પર રાખવાથી – દા.ત. ઠંડા કપડામાં બાળકને રાખવાથી
  3. હવાની લહેરખીઓ થી – દાત. નવજાત શિશુના રૂમમાં બારી ખૂલ્લી રાખવાથી કે એ.સી. ચાલુ રાખવાથી
  4. રેડીયએશન ઉર્જા ગુમાવવાથી – દા.ત. શિયાળામાં જો રૂમ ખૂબ ઠરી જાય તો બાળકની રેડીયેશન ઉર્જા રૂમમાં પ્રસરી જવાથી તે તાપમાન ગુમાવશે.

શિશુ તાપમાન ગુમાવે કે ઠંડુ પડે તો શું જોખમ છે ?

  1. નવજાત શિશુમાં શરીરનું તાપમાન જાળવવા જરુરી શક્તિ – માંસ પેશીની તાકાત કે અન્ય રસ્તા હોતા નથી. જો શિશુ જો સતત ઠંડુ રહે તો શરીરની ચયાપચયની ક્રિયા મંદ પડે છે અનેક દેહધાર્મિક ક્રિયાઓમાં વિક્ષેપ સર્જાય છે. આ બધાને કારણે શિશુને ઘણી તકલીફો પડે છે અને તેનુ મૃત્યુ પણ થઈ શકે છે.
  2. જો નવજાત શિશુ ક્દાચ રોજ થોડી – થોડી ઠંડી અનુભવે તો તેનુ મૃત્યુ તો ન નીપજે પણ રોજ અનુભવાતી ઠંડી સામે શરીરને ગરમ રાખવા માટે જરુરી ઉર્જા- શક્તિ ના સતત ખર્ચ થી શરીરની વૃધ્ધિ અને વિકાસ માટે બચાવાયેલ ઉર્જા-શક્તિ વપરાય જાય છે અને શિશુનું વજન વધતુ નથી કે વિકાસ થતો નથી.

નવજાત શિશુનું તાપમાન કેવી રીતે જાળવવુ ?

  1. હોસ્પીટલમાં તબીબી નિયંત્રણ હેઠળ જન્મ કરાવવો કે જ્યાં જન્મેલા શિશુની શરુઆતી પળોમાં હૂંફ આપવા સાધનો અને સુવિધા હોય.
  2. જન્મ પછી પ્રથમ ચોવીસ કલાક સુધી નવજાત શિશુને નવડાવશો નહિ.
  3. જ્ન્મ પછી શિશુને માતાના ત્વચાથી ત્વચાના સંપર્ક દ્વારા હૂંફ આપી ગરમ રાખી શકાય છે. પ્રિમેચ્યોર કે અધૂરા મહિને જન્મેલા શિશુને આ રીતે હૂંફ આપવાની પધ્ધતિને કાંગારુ માતૃ સુરક્ષા કહે છે. જે અત્યંત ઉપયોગી છે.
  4. શિશુને સતત કપડા પહેરાવીને ઢાંકેલુ રાખો ખાસ કરીને ટોપી દ્વારા માથા વાટે ઉડી જતી ગરમી બચાવો. નવજાત શિશુના શરીરનો માથાનો ભાગ તેના શરીરનો સૌથી મોટો ભાગ છે આથી માથાનું રક્ષણ કરવાથી ઘણી ગરમી બચાવી શકાશે.
  5. નવજાત શિશુને જન્મ પછી તુરંત માતાનું ધાવણ ચાલુ કરો.
  6. નવજાત શિશુના ઓરડાનું તાપમાન 25 ડીગ્રી સે. થી વધુ રાખો. જો પ્રિમેચ્યોર કે અધૂરા મહિને આવેલુ શિશુ હોય તો આ તાપમાન 28 થી 34 ડીગ્રી સે. સુધી રાખવુ પડે જે શિશુના વજન અને ઉંમર ને અનુલક્ષી વિશેષજ્ઞ ની સલાહ મુજબ રાખવુ.
  7. નવજાત શિશુના ઓરડામાં બારી ખુલ્લી ન રાખવી કે જેથી પવનની લહેરખીઓ તાપમાન ઘટાડે. ખૂબ ઝડપી પંખો રાખવાથી કે એ.સી અત્યંત નીચા તાપમાને ચાલુ રાખવાથી પણ તકલીફ થઈ શકે.
  8. વારંવાર સગા વ્હાલાને બતાવવા શિશુને ખલેલ ન પહોંચાડો કે ઓઢાડેલ ચાદર ન ખસેડો.
  9. શિશુને અડકતા પહેલા આપના હાથનું તાપમાન ઓછુ (ઠંડા) હોય તેવુ તો નથી તે ખાસ જોઈલો.
  10. શક્ય હોય તો પ્રથમ પંદર દિવસ સુધી ટબ- બાથ કે પાણી રેડીને નવડાવવુ રહેવા દો. માત્ર સ્પંજ બાથ એકાંતરા દિવસે કરવાથી પણ કામ ચાલી જશે.
  11. જો નવડાવવાનું શરુકરો તો ખાસ દિવસના હૂંફાળા સમય દરમ્યાન કરવુ.
  12. શિશુને નવડાવવા માટે ના પાણી નું તાપમાન 97-100ડીગ્રી ફેરનહીટ હોવુ જરુરી છે.
  13. નવડાવ્યા બાદ શિશુનું માથુ સૌ પ્રથમ લૂછી ને ભેજ રહિત કરો અને પછી ફટાફટ આખુ શરીર સાફ કરો . નવડાવ્યા બાદ તરત સાફ સૂકા ટુવાલ માં શિશુને લપેટી લો. ટોપી વાળા ટોવેલ શિશુના માથાના ભાગને ઢાંકતા હોય તે ખાસ ઉપયોગી છે.
  14. નવજાત શિશુ રાત્રિ દરમ્યાન પેશાબ કર્યા બાદ ભીની પથારીમાં જ ન સૂઈ રહે તે ધ્યાન આપો.