માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

કાંગારુ માતૃસુરક્ષા

અધૂરા મહિને અવતરેલા ઓછા વજન ના નવજાત શિશુઓને જન્મ પછી તેમનું શારીરીક તાપમાન જાળવવામાં અનેક તકલીફો પડે છે. જો તાપમાન ન જળવાય તો તેમનો વૃધ્ધિ અને વિકાસ અટકી જાય છે અને ઘણા કિસ્સામાં ઠંડીને લીધે ચયાપચયની ક્રિયા મંદ પડી જવાથી અનેક ગંભીર અસરો જોવામળે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂનુ શિશુ પણ ખૂબ ઓછા વજન સાથે જન્મે છે પરંતુ માતાની ખાસ કોથળીમાં તેનો ઉછેર થાય છે. આ કોથળીમાં સતત માતાના પેટ ની ત્વચાના સંપર્કમાં રહેવાથી શિશુનું તાપમાન જળવાય છે અને કોથળીમાં જ સ્તનપાન કરી શિશુ પોષણ મેળવે છે. વળી આ કોથળીમાં રહેવાથી તેનુ અન્ય પ્રાણીઓ થી રક્ષણ પણ થાય છે. પ્રકૃતિના આ ઉત્ત્મ ઉદાહરણમાંથી શિક્ષા લઈ મનુષ્યમાં પણ અધૂરા મહિને જન્મેલા કોમળ પણ અપોષિત બાળકોને ત્વચા થી ત્વચા ના સંપર્કથી તાપમાન જાળવી રક્ષણ આપવાની પધ્ધતિ ને કાંગારુ માતૃ સુરક્ષા કહે છે. કાંગારુ માતૃ સુરક્ષામાં શિશુની પાંચેય ઈંદ્રિયને પોષણ મળે છે.(ત્વચાથી ત્વચાનો સંપર્ક- માને સતત નજર સમક્ષ જોવુ – માતાના શરીર અને દૂધની ગંધ – માતાના હ્રદયના ધબકારાનો અવાજ  અને માતાનો અવાજ – સ્તન પાન દ્વારા દૂધનો સ્વાદ ). આમ આ પધ્ધતિ અદભૂત છે.

કાંગારુ પધ્ધતિ કેમ ઉપયોગમાં લેશો?

જરુરી તૈયારી

  1. માતાને પધ્ધતિ અંગે નું શિક્ષણ અને માનસિક તૈયારી
  2. આરામ દાયક ફર્નીચર (ખુરસી કે પલંગ)
  3. માતાના વસ્ત્રો – આગળથી ખુલી શકે તેવુ ગાઉન – દુપટ્ટો – શાલ કે કાંગારુ બેલ્ટ
  4. શિશુના વસ્ત્રો – ડાઈપર/ લંગોટ, ટોપી, હાથ પગના મોજા
  5. આરામ દાયક અને શાંત જગ્યા

પ્રક્રિયા

  1. સૌપ્રથમ માતાએ સ્નાન કરી ખાસ છાતી અને સ્તન નો ભાગ વ્યવસ્થિત સાફ કરવો. અને આગળથી ખુલે શકે તેવુ ગાઉન પહેરવુ.
  2. આરામદાયક શાંત જગ્યાએ આરામ ખુરશીમાં માતાએ બેસવુ.
  3. નવજાત શિશુને માત્ર ટોપી, લંગોટ અને હાથ પગના મોજા પહેરાવો.
  4. હવે શિશુને તેની છાતીનો ભાગ માના બંને સ્તન વચ્ચે આવે અને ત્વચાથી ત્વચાનો સંપર્ક થાય તેમ ગોઠવો. શિશુનું માથુ એક તરફ ફેરવી રાખવાથી તે સરળતાથી શ્વાસ લઈ શકશે.
  5. હવે માતાનું ગાઉન બંધ કરી દો અને એક અન્ય દુપટ્ટા કે શાલ વડે શિશુને ઢાંકી દો કે હળવે થી માતાની છાતી ફરતે વિંટી લો જેથી શિશુને ટેકો મળે અને તે પડી જવાનં જોખમ ન રહે.
  6. થોડી થોડી વારે જોતા રહો કે શિશુ બરોબર શ્વાસ લે છે અને તેના પગના તળિયા અને હાથ ગરમ રહે છે. જો કંઈ પણ તકલીફ જણાય તો ડોક્ટરી સલાહ લો.
  7. શરુઆત માં આ વિધી નો પ્રયોગ માત્ર ડોક્ટર કે નર્સની હાજરીમાં જ કરવો ત્યાર બાદ સ્વતંત્ર રીતે ઘેર પણ આ વિધી કરી શકાય છે.
  8. એક વારમાં ઓછામાં ઓછુ એક કલાક સુધી ચોક્ક્સ હૂફ આપતા રહો. આમ આખા દિવસમાં ઓછામાં ઓછુ આઠ થી દસ કલાક આ વિધી નો પ્રયોગ કરવાથી બાળકને ઘણો ફાયદો થશે.
  9. આ વિધી દરમ્યાન માતા જરુર મુજબ શિશુને સ્તનપાન પણ કરાવી શકે છે .
  10. આ વિધી સૂતા – સૂતા, આરામની પળોમાં કે કામ કરતી વખતે પણ ચાલુ રાખી શકાય છે. જરુરમાત્ર શિશુને યોગ્ય રીતે ટેકો આપી પડી ન જાય તે ધ્યાન રાખવાનુ છે.
  11. માતા અથવા શિશુને આ વિધીમાં તકલીફ જણાય કે અક્ળામણ થવા લાગે ત્યારે વિધી બંધ કરી શકાય.

કાંગારુ માતૃ સુરક્ષાના ફાયદા

  1. વજન વધે છે.
  2. તાપમાન જળવાય છે.
  3. સ્તનપાન વધે છે.
  4. માતા અને શિશુ વચ્ચે સ્નેહ-સેતુ બંધાય છે.

કાંગારુ માતૃ સુરક્ષા અંગે માર્ગદર્શિકા

જન્મ સમયનું વજન ક્યારે કાંગારુ સુરક્ષા શરુ કરશો ?
1800 gram થી વધુ તુરંત
1200 થી 1800 gram ડોક્ટરની સલાહ પછી
1200 gramથી ઓછુ ડોક્ટરી સલાહ પછી માત્ર માર્ગદર્શક ની હાજરીમાં

કાંગારુ સુરક્ષા ક્યારે બંધ કરશો ?

જ્યારે શિશુનું વજન વધીને 2.5 કિ.ગ્રા થી વધુ થઈ જાય.

શું માતા સિવાય અન્ય કોઈ આ પ્રક્રિયા કરી શકે ?

ચોક્ક્સ પુખ્ત વયની કોઈપણ વયક્તિ કે જેને છાતીની ચામડી માં કોઈ રોગન હોય અને બીમાર ન હોય તે આ પ્રક્રિયા કરી શકે. પિતા – નણંદ – સાસુ – ભાભી કોઈ પણ આમાં સહયોગ કરી શકે. પારીવારીક સહયોગ દ્વારા માતાને યોગ્ય આરામ મળી શકે અને સહુ કોઈ શિશુ ઉછેર ની આનંદદાયક પળો માણી શકે છે.