માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

શું સ્તનપાન શિશુ માટે પૂરતુ હશે ?

સ્તનપાન કરાવતી બધી માતાને કયારેકને ક્યારેક એકવાર તો શું મારુ દૂધ પૂરતુ તો હશે ને ..... ?? એવો વિચાર આવતો જ હોય છે. આવુ બનવુ તદ્દન સ્વાભાવિક છે. કારણકે માતા હંમેશા પોતાના શિશુની બહેતરી વિશેજ વિચારતી હોય છે. આજ કારણ છે કે તે ક્યારેક જાતે ક્યારેક ટી.વી. વિજ્ઞાપનો થી દોરવાઈને તો ક્યારેક પડોશણની સલાહ મુજબ પોતાના ધાવણની પૂર્તતા પર શંકા કરે છે. મુશ્કેલીની સાચી શરુઆત ત્યારે થાય છે જયારે આ નકારાત્મક વિચારો અને ચિંતાની અસરથી સ્તનમાં દૂધના ઉત્પાદન માટે જરુરી અંતઃસ્ત્રાવો નો મગજમાંથી સ્ત્રાવ ઘટી જાય છે અને ખરેખર દૂધનુ પ્રમાણ ઘટી જાય છે.

બીજી બાજુ ક્યારેક આવા નકારાત્મક વિચારો થી કંટાળી માતાઓ ક્યારેક ખરેખર બીજુ દૂધ ઉપરથી આપવા માંડે છે. આ દૂધ ચમચી-વાટકી કે બોટલથી અપાય છે. આ બંને રીત શિશુ માટે સ્તનપાન કરવાથી ઘણી આસાન છે આથી થોડા દિવસોમાં શિશુને આ સરળ અને આરામદાયક વિકલ્પ પસંદ પડી જાય છે...! અને એ પણ સ્તનપાન માટેની તસ્દી લેવાનું માંડી વાળે છે. શિશુ સ્તનપાન ન કરે કે ઓછુ કરે તો માતાને પણ ધીરે ધીરે ધાવણનું ઉત્પાદન બંધ થઈ જતા વાર નથી લાગતી. આમ એક નિરાધાર વિચાર ખરેખર સાચો બની જાય છે...!

આવો વિચાર આવે તો શું કરશો ??

  1. શિશુનો વિકાસ જુઓ - શિશુનું જન્મ સમયે થયેલુ વજન અને ઉંચાઈને જન્મ પછી જે તે દિવસે શિશુના વજન અને ઉંચાઈ સાથે ચકાસો. જો શિશુનું વજન 15થી 45 ગ્રામ પ્રતિ દિન વધેલુ જણાય તો આપનું ધાવણ શિશુને માટે પૂરતુ છે. જો શિશુનું વજન આથી ઓછુ વધ્યુ હોય તો ડોક્ટરની સલાહ તાત્કાલિક લો.
  2. શિશુનું રોજીંદી દિનચર્યા જુઓ - જો શિશુ ધાવ્યા પછી બે થી ત્રણ કલાક સુતુ હોય. ચોવીસ કલાક્માં સાત- આઠ વાર પેશાબ કરતુ હોય અને ઓછામાં ઓછુ એક-બે વખત મળવિસર્જન કરતુ હોય તો ચોક્ક્સ તેને મળતુ ધાવણ પૂરતુ છે.
  3. સ્તનપાનની ટેકનીક તપાસો (વાંચો સ્તનપાનની વૈજ્ઞાનિક પધ્ધતિ)
  4. કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા વિશેષજ્ઞની સલાહ લો.
  5. ઈશ્વર અને પોતાની જાત પર ભરોસો રાખો અને એક “પોઝીટીવ એટીટ્યુડ” કેળવો.
  6. પૂરતુ પાણી પીવો અને યોગ્ય ખોરાક લો. તથા આરામ કરો.